જૂનાગઢમાં ફૌજીને માર મારવાની ઘટનાના સાબરકાંઠામાં ઘેરા પ્રત્યાઘાત, તંત્રને ઉગ્ર રજૂઆત

હિતેશ રાવલ, સાબરકાંઠા:

જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતો જવાન જૂનાગઢ ખાતે પોતાના માદરે વતન આવેલો હતો. જે દરમિયાન સામાન્ય બાબતે સ્થાનિક પોલીસે જવાન અને તેના પરિવાર સહિતનાઓને જાહેરમાં ઢોર માર મારતા આજે ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે. વિભિન્ન જિલ્લા-શહેરોમાં રજૂઆત કરવામાં આવી રહી છે ત્યારે સાબરકાંઠામાં રાજ્ય સૈનિક સંગઠન દ્વારા પોલીસના વિરોધમાં આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.

જૂનાગઢના રહેવાસી તેમજ જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતો જવાન પોતાના માદરે વતન આવ્યો હતો જે દરમિયાન સામાન્ય બાબતે ગેરસમજ ઉભી થતા સ્થાનિક પોલીસે જવાનને ઢોર માર મારતા સમગ્ર ગુજરાતમાં વ્યાપક વિરોધાભાસ ઉભો થયો છે. જે અંતર્ગત આજે ગુજરાત રાજ્ય સૈન્ય સંગઠન દ્વારા સાબરકાંઠા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આ મામલે કાર્યવાહી કરવા જણાવ્યું છે.  જો કે સૌથી મહત્વની બાબત એ છે કે સૈન્યના પરિવારજનોને પણ સામાન્ય બાબતે માર મારતા મામલો વધુ ગરમાયો છે.

સંગઠન દ્વારા તાત્કાલિક ધોરણે માંગ કરવામાં આવી છે કે આગામી ટૂંક સમયમાં ચોક્કસ કાર્યવાહી નહીં કરાય તો સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડશે તે નક્કી છે. આજે અપાયેલા આવેદનને પગલે આગામી સમયમાં જવાન તેમજ જવાનના પરિવારજનોને કેટલો ન્યાય મળે છે..? તે જોવાનું રહ્યુ.

સાથોસાથ ગુજરાત પોલીસ દ્વારા કરાયેલા અત્યાચાર મામલે કેવા અને કેટલા નિર્ણય લેવાશે..? તેની રાહ છે અન્યથા ઉગ્ર વિરોધ થશે. ગુજરાત સંગઠન દ્વારા સ્થાનિક પોલીસના કર્મચારીઓને તાત્કાલિક ધોરણે છુટા કરવા સહિતની માંગો કરાઈ છે ત્યારે આ મામલે કેવી અને કેટલી માંગો સ્વીકારાય છે એ પણ મહત્ત્વનું બની રહેશે..!!