Abtak Media Google News

ઋષિ મેહતા, મોરબી:
સુરતમાં ગરબા રમતા વિધાર્થીઓ પર પોલીસના હુમલા મામલે રાજયભરમાં ઘેરા પડઘા પડ્યા છે. સુરત પોલીસ વિરુદ્ધ સૌરાષ્ટ્રમાં વિરોધ જોવા મળ્યો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ-મોરબી શાખા દ્વારા આજરોજ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

સુરતની ઘટના બની જેમાં વીર નર્મદ યુનવર્સિટીમાં કુલપતિની મંજુરી લઈ એક દિવસીય ગરબાનું આયોજન થયું હતું. જેમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓ જ હાજર હતા, ત્યારે ત્યાં અચાનક પીઆઇ કિરણ મોદી અને અન્ય પોલીસ કર્મીઓએ આવી વિધાર્થીઓ તેમજ બહેનોને ગાળો અને અપશબ્દો બોલીને દમનકારી વલણ અપનાવ્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓ તેમની સાથે સંવાદ કરવા ગયા તો વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને ૪ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી અને મારપીટ કરવામાં આવી હતી તેમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ મારપિટમાં સામાન્ય વિદ્યાર્થી ઉપરાંત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશના મંત્રી હિમાલયસિંહ ઝાલા, પ્રદેશ સહમંત્રી વિર્તિબહેન શાહ ઉપરાંત અન્ય મહાનગરના વિદ્યાર્થી કાર્યકર્તાઓને પણ ગંભીર ઇજા પહોચી છે અને ૪ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મામલે એ.બી.વી.પી. મોરબી દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.અને ૨૪ કલાકમાં જો આ જવાબદાર પોલીસ કર્મીઓને ડીસમિસ કરવામાં નહિ આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.