ઘરેલુ વિગતોને ‘સલામતી’ બક્ષવા ડેટા પ્રોટેક્ટ બીલ ટૂંક સમયમાં આવશે

ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરીયા

ઓનલાઈન ન્યુઝ મીડિયા ઉપર રોક મુકવા ફેસબૂક-ટ્વીટરને સંસદીય સમિતિનું તેડુ

૨૧મી સદીનું વિશ્ર્વ ટેકનોલોજીના માધ્યમથી જન-જનના આંગળીના ટેરવે રમી રહ્યું છે ત્યારે ઓનલાઈન સમાચારની વિગતોના ગેરઉપયોગને લઈને ફેસબુક અને ટ્વીટરને સંસદીય સમીતીએ તેડાવીને ઓનલાઈન સમાચારની વિગતોના ગેરઉપયોગના દુષણ સામે અસરકારક વ્યવસ્થાની કવાયત હાથ ધરી છે. ડેટા ઈઝ ધ કિંગ, અત્યારના યુગમાં ડિજીટલાઈઝેશન વ્યક્તિગત માહિતી એક માતબર સંપતિનું રૂપ લઈ ચૂકી છે ત્યારે ડેટાની સુરક્ષા સરકાર માટે સંગીન બાબત બની ગઈ છે. ડેટાની સુરક્ષાને લઈને ફેસબુક અને મેસેજીંગ એપ વોટ્સએપ અને ટ્વીટર જેવા સોશિયલ મીડિયાના માધ્યમોને સરકારની સંસદીય સમીતીએ ૨૧મી જાન્યુઆરીએ સમાચારના અને માહિતીના દૂરઉપયોગના દૂષણની ચર્ચા માટે રૂબરૂ બોલાવ્યું છે.

સંસદીય સમીતીના અધ્યક્ષ કોંગ્રેસના સાંસદ શશી થરૂર આ બેઠકમાં સુનાવણી હાથ ધરશે. નાગરિકોના ગુપ્તતાના અધિકારની સુરક્ષા અને સોશિયલ મીડિયા પર સમાચારોના દૂરઉપયોગને લઈને ખાસ કરીને મહિલા સુરક્ષા ડિજીટલ સ્પેસમાં વધુ સંગીન બની રહે તે માટે ચર્ચા થશે. સંસદીય સમીતીમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવશે. બન્ને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ફેસબુક હસ્તક ચાલી રહ્યાં છે ત્યારે માર્ક ઝુકરબર્ગની વોટ્સએપમાં સિંગ્નલ અને ટેલીગ્રામ અધિનિયમ હેઠળ લોકોની વ્યક્તિગત માહિતીઓનો દૂરઉપયોગ અટકાવવા માટે સરકારે કવાયત હાથ ધરી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ કેપીટલ હિલ પર કરેલા હુમલાની ઘટનાને પગલે ભાજપ અને જમણેરી જુથે ટ્વીટર એકાઉન્ટમાં મુકવામાં આવતી પોસ્ટ અંગે મુદ્દો ઉઠાવ્યો હતો. મલેશિયાના નેતા મહાતીર મહમદની પોસ્ટનો મુદ્દો પણ ઉછળ્યો હતો.

સંસદીય સમીતીના સભ્યોએ બન્ને કંપનીઓના જવાબદારોને બોલાવીને સમાચારના દૂરઉપયોગ અંગે કવાયત હાથ ધરી છે. ખોટી વસ્તુઓના પોસ્ટીંગની સાથે સાથે ચોકકસ સમુદાયની લાગણીને ઉશ્કેરીને હુલ્લડ અને ચૂંટણી દરમિયાન માહોલ બગાડવા માટેનો મુદ્દો પણ ઉભો થયો છે. શા માટે આવી નુકશાનકારક વિગતો સોશિયલ મીડિયા કંપનીઓ હટાવતી નથી. સમીતીના અધ્યક્ષ મીનાક્ષી લેખીએ સોશિયલ મીડિયાની સાઈટના સંચાલકો સામે અને ખાસ કરીને ભારતીય ઉપભોગતાઓની વિગતો અમેરિકામાં પહોંચી જતી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સંસદીય સમીતીએ સોશિયલ મીડિયા સાઈટને પુછેલા પ્રશ્ર્નોનો સંતોષકારક જવાબ ન મળતા જાન્યુઆરી ૨૧એ ત્રણેય સોશિયલ મીડિયા જાયન્ટને સંસદીય સમીતીએ હાજર થવા ફરમાન કર્યું છે.સોશિયલ સાઈટ યુઝર્સના ખાનગી ડેટાની જાળવણી સોશિયલ સાઈટ માટે મહત્વનો મુદ્દો બની ગઈ છે. સરકાર લોકોની ખાનગી વિગતોની સુરક્ષા માટે કાયદો લાવી રહી છે. ડેટા પ્રોટેકશન બીલ લોકોને ખાનગી વિગતોની જાળવણી માટે સફળ થશે કે કેમ તે તો આવનારા દિવસો જ બતાવશે.

સિગ્નલની લીલીબત્તીએ રફતાર પકડી

૨૧મી સદીના વિશ્ર્વમાં હવે ડિજીટલાઈઝેશન અનિવાર્ય બન્યું છે. સોશિયલ મીડિયાનો વપરાશ વ્યાપક બન્યો છે ત્યારે મેસેજીંગ એપ સિગ્નલને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. શુક્રવારે આ એપ ડાઉનલોડ થયાના બીજા દિવસે લાખો નવા યુઝર્સનો ઉમેરો થયો છે. સમગ્ર વિશ્ર્વમાં સિગ્નલના વપરાશકારોને વ્યાપક પ્રતિસાદના પગલે કંપનીએ ટ્વીટર પર પોસ્ટ કરી હતી કે, વ્યાપક પ્રતિસાદના પગલે તકનીકી મુશ્કેલીઓ ઉભી થઈ છે પરંતુ કંપની અથાક મહેનત કરીને સેવા જલ્દીથી પુન: બહાલ કરશે. સિંગ્નલના હરિફ વોટ્સએપ કરતા સિગ્નલ એપ વપરાશકારોના ડેટાની સુરક્ષાને મુદ્દે વધુ લોકપ્રિય બન્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે, અમે અમારી તરક્કી લોકોના ડેટા સુરક્ષા રાખવાના વિશ્ર્વાસના માધ્યમથી વધારી રહ્યાં છીએ. હવે અમે કોઈપણની ફરિયાદો ન મળે તેવી સુરક્ષીત ડેટા જાળવણીની દિશામાં આગળ વધી રહ્યાં છીએ.

૮મી ફેબ્રુઆરી બાદ ખોટી માહિતીઓ અને પ્રાઈવસીનું જોખમનો વોટ્સએપનો મુદ્દો ધ્યાને લઈને કંપનીએ એક નવી સુરક્ષા કવચની નીતિ બનાવી છે. સિગ્નલ અંગે વૈશ્ર્વિક માધ્યમોમાં પણ ખુબજ લખાયું હતું. આ અઠવાડિયે સિગ્નલ ભારતમાં નં.૧ એપ બની છે. એપલ અને એન્ડ્રોઈડ ફોનમાં સિગ્નલનો દબદબો વધ્યો છે. એક મહિના અગાઉ દિલ્હીના ધારાશાસ્ત્રીએ વોટ્સએપ સામે ખાનગી વિગતોના દૂરઉપયોગ અંગે જાહેર હિતની અરજી મુકી હતી. તેની સામે વોટ્સએપ અને ફેસબુકે જવાબો આપ્યા હતા. દરમિયાન સિગ્નલને લાખો લોકોએ અપનાવી લેતા સિગ્નલના નામે નવા રેકોર્ડ સર્જાઈ રહ્યાં છે.

નવી પોલીસી મુદ્દે હોબાળાથી વોટ્સએપના પારોઠના પગલા

વ્યક્તિગત માહિતીની ગુપ્તતાની ઉઠાંતરીના મુદ્દે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કાયદાની એરણ પર ચડ્યું છે. વોટ્સએપ નવી પ્રાઈવેસી પોલીસીનો અમલ કરવા માટે પીછેહટ કરવાની પરિસ્થિતિ પર આવી ગયું છે. વોટ્સએપે ફેબ્રુઆરી ૮ થી ૧૫ મે સુધીના સમયગાળા દરમિયાન આ નવી પોલીસીના અમલમાં પીછેહટ કરતા સિગ્નલ જેવી હરિફ કંપનીઓને ભારે ફાવટ આવી ગઈ છે. વોટ્સએપે નવી પોલીસી મુદ્દે ઉભા થયેલા હોબાળાથી પારોઠના પગલા ભરી લીધા છે અને નવી નીતિ અને કાયદાનો અમલ ત્રણ મહિના પાછળ લઈ જવાની ફરજ પડી હતી. સિગ્નલને ૩.૩ મીલીયન યુઝર્સ પ્રાપ્ત થયા છે. વોટ્સએપના ૧.૭ મીલીયન તેનાથી ઘણા પાછળ છે. વોટ્સએપની નવી પ્રાઈવેસી પોલીસી અટપટી હોવાનું સિગ્નલના બ્રાયન એકશને જણાવ્યું હતું. બદલતા જતાં સમય અને જરૂરીયાતો પારખવામાં વોટ્સએપ ઉણી ઉતરી છે.

અમેરિકામાં થયું તે ભારતમાં ન થાય તે માટે કવાયત

અમેરિકાના સોશિયલ મીડિયા યુઝર્સને પ્રાઈવેટ ડેટા લીકેઝના થયેલા કડવા અનુભવ અને અમેરિકાની ચૂંટણીમાં સોશિયલ મીડિયાના ગેરઉપયોગ અને અપ્રચારના મુદ્દાને લઈને હવે વિશ્ર્વ આખુ સતર્ક બન્યું છે. અત્યારે લોકોના ખાનગી વિગતોનો મુદ્દો ખુબજ હોટ ટોપીક બન્યો છે. ડિબેટ સેન્ટરોમા ડેટા પ્રોટેકશન બીલની ચર્ચા ચાલી રહી છે ત્યારે ડેટા પ્રોટેકશન બીલ લોકોની વિગતોને સુરક્ષીત રાખવા સક્ષમ છે કે કેમ તેની ચર્ચા થાય છે. ૪.૬ બીલીયન ઈન્ટરનેટ યુઝર્સમાંથી ભારતમાં ૧૦ માંથી ૧ લોકો પ્રાઈવેસી પોલીસીની વિગતો જાણી રહ્યાં છે. વિશ્ર્વના ૧૦૦ દેશોમાં ડેટા પ્રોટેકશન બીલનો અમલ ચાલી રહ્યો છે. ત્યારે આ બીલ ખરેખર અસરકારક બનશે કેમ ? તેની ચર્ચા ચાલી રહી છે.

Loading...