Abtak Media Google News

ગુજરાત હાઇકોર્ટનું લેન્ડમાર્ક પગલું: અરજી ઠોકાઠોક કરનારને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો

અબતક, અમદાવાદ

એકતરફ ઝડપી ન્યાયતંત્રની વાત કરવામાં આવે છે ત્યારે આ તરફ આગળ વધવા માટે કોર્ટમાં દાખલ થતી બીનજરૂરી અરજીઓનો નિકાલ કરવો ખૂબ જરૂરી છે. અનેકવિધ કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે, અગાઉ જે મામલામાં હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો હોય તે જ મામલો નીચલી અદાલતમાં દાવા સ્વરૂપે દાખલ કરી દેવામાં આવતો હોય છે. નીચલી અદાલતમાં દાખલ કરાયેલા દાવામાં હાઇકોર્ટ કે સુપ્રીમ દ્વારા અપાયેલા ચુકાદા અંગે કોઈ ઉલ્લેખ પણ કરવામાં આવતો નથી જેના કારણે તે દાવાની ફરીથી શૂન્યથી સુનાવણી થતી હોય છે જેના લીધે ન્યાયતંત્રનો અતિ કિંમતી સમય બગડે છે પરિણામે ન્યાય ઝંખતા સાચા અરજદારોનો ઘાટ તારીખ પે તારીખ જેવો ઘડાતો હોય છે. જો ઝડપી ન્યાયપ્રણાલી વિકસાવી હોય તો પ્રથમ બિનજરૂરી દાવા/અરજીનો છેદ. ઉડાવી દેવો અતિ જરૂરી છે. ત્યારે આ તરફે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ પગલું લીધું છે.

ગુજરાત હાઈકોર્ટે કોર્ટને જાણ કર્યા વિના બીજી વખત પિટિશન દાખલ કરવા બદલ અરજદારને રૂ. 1 લાખનો અનુકરણીય દંડ ફટકાર્યો હતો કે તેણે અગાઉ આવી જ અરજી દાખલ કરી હતી અને તેને પાછી ખેંચી લીધી હતી.

કોર્ટે દંડ ફટકારતી વખતે સ્પષ્ટ કહ્યું હતું કે, બીનજરૂરી રીતે હકીકત છુપાવીને, કોર્ટના ચુકાદાની જાણ કર્યા વિના બીજી વાર દાવો દાખલ કરવાનું દુ:સાહસ કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે જેથી અન્ય કોઈ વ્યક્તિ પણ આ પ્રકારનું દુ:સાહસ કરે નહીં.

આણંદ જિલ્લાના અશ્વિન પટેલ દ્વારા 2018 માં બનાવટી, છેતરપિંડી અને ગુનાહિત કાવતરું જેવા આરોપોને રદ કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીનો વિરોધ કરતાં ફરિયાદીના એડવોકેટ શકીલ કુરેશીએ કોર્ટના ધ્યાન પર મૂક્યું હતું કે, પટેલે 2017ની શરૂઆતમાં આ પ્રકારની અરજી દાખલ કરી હતી અને તેને પાછી ખેંચી લીધી હતી.  જ્યારે અરજદારે નવી અરજીમાં અગાઉના મુકદ્દમાનો ઉલ્લેખ કર્યો નથી.  તથ્યોના દમનના આધારે અરજીને નકારી શકાય છે કારણ કે અરજદાર સમાન અરજી પાછી ખેંચી લીધા પછી અરજી દાખલ કરવા માટે હકદાર નથી.

જ્યારે કોર્ટે અરજદારને આ અંગે પ્રશ્ન કર્યો ત્યારે પટેલે એફિડેવિટ દાખલ કરી અને અગાઉની અરજી પાછી ખેંચી લેવા અંગે વકીલને જાણ ન કરવા બદલ માફી માંગી. જો કે, હાઈકોર્ટે માફીને ’અયોગ્ય’ ગણાવી હતી.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, તમામ બાબતો ધ્યાને લીધા બાદ કોર્ટ એ નિષ્કર્ષ પર આવી છે કે, હકીકતના ભૌતિક દમનના આધારે અરજી સુનાવણીને લાયક નથી અને ખાસ કરીને કે આ અરજી 2018 થી પેન્ડિંગ છે અને સમયાંતરે વિવિધ વિદ્વાન સહકાર્યકરો તરફથી વિચારણા કરવામાં આવી છે, વિવિધ તબક્કામાં બેન્ચો ગોઠવવામાં આવી છે જેના પરિણામે કિંમતી ન્યાયિક સમયનો પુષ્કળ બગાડ થયો છે તેથી આ કૃત્ય બદલ કોર્ટ અરજદારને દંડ ફટકારી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.