Abtak Media Google News

વર્ષોથી ચાલી આવતી માન્યતા દૂર કરી પુત્ર પર માતા-પિતાને એકસરખો અધિકાર આપશે સુપ્રીમ ?

મુસ્લિમ સંપ્રદાયમાં અનેક પેટા સંપ્રદાય છે. જેમાં દાઉદી વ્હોરા સમાજ સૌથી અલગ પડતો સંપ્રદાય છે. દાઉદી વ્હોરા સમાજનો ઈતિહાસ પણ જુનો છે. આ સમાજ અગાઉથી જ શિક્ષીત, શિસ્ત અને વૈચારીક વિચારો ધરાવનાર સમાજ છે. હાલના આધુનિક યુગમાં પણ તમામ ધર્મોમાં અગાઉથી ચાલી આવતી રૂઢીચુસ્તતા, ધાર્મિક માન્યતાઓ જીવંત છે. તમામ રીતિ-રિવાજો ખોટા છે તેવું બિલ્કુલ કહી શકાય નહી પરંતુ અમુક માન્યતાઓ દૂર કરવાની પણ તાતી જરૂરીયાત છે.

મુસ્લિમ સમાજમાં શિક્ષીત, દિક્ષિત અને શાંતિ, શિસ્ત, સહકાર, સંગઠન અને વ્યવહારૂ પણામાં સૌથી અલગ અને સરાહનીય ગણાતા દાઉદી વ્હોરા સમાજના પુત્રની સારસંભાળ માટેના પિતાના એકાધિકારના રિવાજને પડકારતી રીટપીટીશન દાખલ કરીને સાત વર્ષથી વધુ વયના પુત્રની દેખરેખ માટેની કસ્ટડી વાલીપણા આપોઆપ પિતાને મળવાના અધિકારને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે.

દાઉદી વ્હોરા સમાજમાં પણ આવી ધાર્મિક માન્યતાઓ રહેલી છે. જેમાંથી મુખ્ય બાબત એ છે કે, પુત્રનું પરંપરાગત માલીકીપણું પિતાની ગણવામાં આવે છે. જયારથી દાઉદી વ્હોરા સમાજનું અસ્તિત્વ છે. ત્યારથી જ આ પ્રકારની માન્યતા ચાલતી આવી છે જે માતા બાળકને ૯ માસ સુધી કુખમાં રાખી ઉછેરે છે અને બાળકના જન્મ બાદ પણ પાલન પોષણ કરે છે. તેની માલીકી ફકત પિતાની કઈ રીતે ? તે સવાલ ચોકકસ ઉદભવે છે. હાલ આ બાબતને પડકારતી અરજી સુપ્રીમમાં દાખલ કરવામાં આવી છે. પરંપરાગત સામાજીક રિવાજને સુપ્રિમ કોર્ટ સુધી લઈ જવાની આ મામલામાં મુંબઈની ફાતેમાં કૈફ જોહર ચાવાલાએ સુપ્રિમ કોર્ટમાં રીટપીટીશન દાખલ કરીને પતિ પત્નિ વચ્ચે ચાલતા વિવાદ દરમિયાન સાત વર્ષથી વધુની ઉંમરનો પુત્રનું વાલીપણુ પિતાનું આપવાનો રિવાજ બંધારણ કલમ ૧૧૪ અને પેટા કલમોનો ઉલ્લંઘન કરે છે. કારણ કે કોઈપણ કાનૂની પ્રક્રિયા વગર માતાને તેના પુત્રની દેખરેખથી આપોઆપ વંચિત કરી દેનારો નિયમ બંધારણ વિરૂધ્ધ છે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો છે કે આ કથિત રિવાજ અને પરંપરા બાળકોનાં મૌલીક અને માનવીય અધિકારોનો પણ ભંગ કરે છે. કારણ કે તેમાં બાળકનાં કુદરતી અને સામાજીક વિકાસ અને અધિકારના મૌલિક નિયમનો ભંગ થાય છે. સાથે સાથે અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ રિવાજ માતાના પોતાના બાળકની દેખરેખ અંગેના કુદરતી અધિકારની વિરૂધ્ધ છે. ચાવાલાએ રીટપીટીશનમાં એવી વિનંતી સભર દલીલ કરી છે કે કોઈપણ સામાજીક રિવાજ બંધારણના મૂળભૂત અધિકારોને આધીન હોવા જોઈએ તેમણે સાયરાબાનુ -યુનિયન ઈન્ડીયા ૨૦૧૭ (૯) સુપ્રિમ કોર્ટનાં ચૂકાદા મુજબ બંધારણીય કલમ ૧૪ અને ૧૫ મુજબ મૂળભૂત અધિકારોને આધિન ગણાવાયું છે. બંધારણમાં કોઈપણ અધિકારોને સુરક્ષીત કરાયું હોય અને તેનું સામાજીક રિવાજ અને ધાર્મિક પરંપરાના નામે ભંગ થતુ હોય તો તે ગેરકાયદેસર ઠેરવી દેવું જોઈએ. ફાતેમા ચાયવાલાએ એવી દલીલ પણ કરી છે કે પુત્રના વાલીપણાના અધિકાર પિતાને આપવાનો આ રિવાજ ઈસ્લામની આ ધાર્મિક પરંપરા નથી અને અદાલતે મહિલાના અધિકારોના આધારે મુસ્લિમ પરશનલ લો સંબંધીત ન્યાયીક દ્રષ્ટીકોણ અપનાવવાની વિનંતી કરી છે. તેમણે જણાવ્યું છે કે કાયદાની કોઈપણ પ્રક્રિયા વગર સાત વર્ષથી વધુ ઉંમરના પુત્રનો કબ્જો પિતાને આપી દેવાનો રિવાજ મહિલાઓનાં સંવેધાનિક અધિકાર ઉપર અતિક્રમણ કરનારૂ હોય તેને ગેરબંધારણીય જાહેર કરવું જોઈએ.

ફાતમા ચાયવાલાએ પોતાના પુત્રની કસ્ટડી પિતાને ન મળવાના કારણોમાં આરોપ લગાવ્યો છે કે તેના પતિના અન્ય મહિલા સાથે ગેરકાનૂની રીતે રહે છે. અને તેને તેના બાળકની દેખરેખ સારસંભાળ અને વિકાસમાં જરાય પણ રસ ન હોવા છતાં પુત્રને બળજબરીથી પોતાની (માતા) પાસેથી દૂર લઈ જવામાં આવ્યો છે. અત્યાર સુધી પોતે જ (માતા) અરજદારે પુત્રની દેખરેખ રાખી છે.સુપ્રિમ કોર્ટમાં આ અરજી ધારાશાસ્ત્રીપંડીરામ પી અને દેવપ્રિયપાલ દ્વારા કરવામાં આવી છે. દાઉદી વ્હોરા સમાજમાં પતિ પત્નિ વચ્ચે ચાલતા વિવાદના કિસ્સામાં સાત વર્ષથી ઉપરની વયના પુત્રની દેખભાળનો એકાધિકાર પિતાને આપવાનો રિવાજ છે. આ મામલે દાયકાઓ પછી ન્યાય માટે સુપ્રીમ કોર્ટનાં દરવાજાઓ ખખડાવવામાં આવતા સમગ્ર દેશના કાનૂનવિદો અને સમાજશાસ્ત્રીઓનું આ તરફ ધ્યાન ખેંચાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.