Abtak Media Google News

દાઉદ તેની પત્ની મહેજબીન સાથે કરાચીમાં રહેતા હોવાનો પુરાવો: ભાણીયાએ જ આપી કબૂલાત

એનસીપીના મંત્રી નવાબ મલિક વિરુદ્ધ મની-લોન્ડરિંગ કેસમાં એક સાક્ષીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને જણાવ્યું છે કે, ઈકબાલ કાસકરે તેને કહ્યું હતું કે તેનો મોટો ભાઈ અને ભાગેડુ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમ જે હાલ  પાકિસ્તાન સ્થિત છે, તે તેના ભાઈ-બહેનોને દર મહિને રૂ. ૧૦ લાખ રૂપિયા મોકલે છે.
કાસકરે મને કહ્યું કે દાઉદ તેના માણસો મારફતે પૈસા મોકલશે. તેણે કહ્યું કે, દર મહિને ૧૦ લાખ રૂપિયા મળશે.  મને રોકડ રકમ બતાવીને કહ્યું કે તેને દાઉદભાઈ પાસેથી પૈસા મળ્યા છે, ખાલિદ ઉસ્માન શેખે ઇડીને જણાવ્યું.
ખાલિદનો ભાઈ જે કાસકરનો બાળપણનો મિત્ર હતો તે ગેંગ વોરમાં માર્યો ગયો હતો. તે દાઉદની બહેન હસીના પારકરના ડ્રાઈવર-કમ-બોડીગાર્ડ સલીમ પટેલને પણ ઓળખતો હતો. ખાલિદે ઇડીને જણાવ્યું હતું કે એકવાર પટેલે તેને કહ્યું હતું કે તે હસીના સાથે મળીને દાઉદના નામનો ઉપયોગ કરીને પૈસા પડાવી રહ્યા છે અને સંપત્તિ પર અતિક્રમણ કરી રહ્યા છે. ઇડીએ આરોપ લગાવ્યો હતો કે પટેલે હસીના સાથે મળીને મુંબઈના કુર્લા વિસ્તારમાં ગોવાલા કમ્પાઉન્ડ પણ ગેરકાયદેસર રીતે હડપ કરી હતી જે બાદમાં તેમણે મલિકના પરિવારને વેચી દીધી હતી.
કાસકર અને હસીનાના પુત્ર અલીશાહ સહિત કેટલાક સાક્ષીઓએ પણ દાઉદ પાકિસ્તાનમાં રહેતો હોવાની વાત કરી છે.  તેની પત્નીનું નામ મહેજબીન છે. તેને પાંચ બાળકો છે. એક પુત્રનું નામ મોઈન છે. તેની બધી દીકરીઓ પરણેલી છે. તેમના પુત્રના પણ લગ્ન થઈ ચૂક્યા છે.  કાસકરે ઉમેર્યું હતું કે અન્ય ભાઈ અનીસ ૧૯૯૩ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોનો આરોપી પણ પાકિસ્તાનમાં રહે છે.
અલીશાહે ઇડીને કહ્યું, મેં સૂત્રો અને પરિવારના સભ્યો પાસેથી સાંભળ્યું છે કે દાઉદ કરાચીમાં છે… પ્રસંગોપાત જેમ કે ઈદ, દિવાળી અને અન્ય તહેવારોના પ્રસંગોએ મહેજબીન… મારી પત્ની અને મારી બહેનો સાથે સંપર્ક કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.