Abtak Media Google News

મહામારીમાં પણ માનવતા નેવે મૂકી દીધી: રિમાન્ડ માટે ત્રિપુટીને કોર્ટમાં રજૂ કરાશે 

ઘોર કળિયુગ…. કોરોનાની મહામારીમાં પણ કેટલાક આવારા તત્વોએ માનવતા નેવે મૂકી દીધી છે. કોરોનાના કપરાકાળમાં પણ અમુક આવારા તત્વો પોતાની નિમ્ન કક્ષાની હરકતોમાથી બાજ નથી આવી રહ્યા. આવા આવારા લોકોને કારણે કોરોના વોરીયર્સ પર લાંછન લાગી રહ્યા છે. આવો જ એક કિસ્સો રાજકોટના પોલીસ મથકમાં નોંધાયો છે. જેમાં સમરસ હોસ્ટેલમાં કોરોનામાં ફરજ બજાવતા ત્રણ શખ્સો મૃતદેહ પરથી કિંમતી વસ્તુઓ સેરવી લેતા હતા. જેથી પોલીસે ત્રિપુટીની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં કોરોનાની મહામારી વધતા જતા કેસ સામે દર્દીઓને પહોંચી વળવા માટે યુનિવર્સિટી સમરસ હોસ્ટેલમાં પણ સારવાર શરૂ કરવામાં આવી છે. પરંતુ આવી કપરી સ્થિતિમાં પણ માનવતા નેવે મૂકી લેભાગુ તત્વો મૃતદેહ પર પણ હાથફેરો કરી રહ્યા છે. સમરસ કોવિડ સેન્ટરમાં આઉટ સોર્સથી એટેન્ડન્ટ તરીકે કામ કરતા રાજસ્થાનના વિક્રમ બંસીલાલ તેજી, માનારામ ઉદારામ ગારૂ અને મહેન્દ્રભારથી ભગવાનભારથી ગૌસ્વામી નામના શખ્સો કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓના મૃતદેહ પાસે પડેલી રોકડ, મોબાઇલ, ઘરેણાં સહિતની ચીજવસ્તુઓ ચોરી કરતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જે અંગે એજન્સીના મેનેજરે ત્રણેય સામે ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી રોડ પોલીસમથકના પીએસઆઇ વી.એમ.ડોડિયા, હેડ કોન્સ.વાય.આર.ઝાલા સહિતના સ્ટાફે ગુનો નોંધી ધરપકડ કરી છે. આ ત્રણેય તસ્કરો પાસેથી પોલીસે ચોરેલો 32 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે ત્રણેય શખ્સોની ધરપકડ કરી પૂછતાછ કરતા પોતે ડેડબોડીને કવર કરવાનું કામ કરતા હતા. કોરોનામાં મૃત્યુ બાદ તેમની પાસે આવતી ડેડબોડી પાસે રહેલી રોકડ રકમ અને કિંમતી ચીજવસ્તુઓ પર આ ત્રિપુટી હાથફેરો કરી લેતી હતી. કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના સગા સબંધીઓએ અનેક ફરિયાદો કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં આ ત્રણેય મૃતદેહ પરથી હાથફેરો કરતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ત્રિપુટીનો કોરોના ટેસ્ટ કરવી રિમાન્ડ પર લેવા માટે તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.