મોરબીની જીવાદોરી સમાન મચ્છુ નદીના પટમાં ધાર્મિક સંસ્થા દ્વારા ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી દીવાલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. એક વર્ષ પહેલાં આ દીવાલ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યા બાદ તંત્ર દ્વારા તેને તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ તે શંકાસ્પદ રીતે અધૂરી છોડી દેવાતાં આજે પણ આ દીવાલ યથાવત છે. ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ વધશે તો આ દીવાલ નીચાણવાળા વિસ્તારોમાં પૂર અને જાનહાનિનું કારણ બનશે તેવી દહેશત સાથે સામાજિક કાર્યકરોએ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે અને જો દીવાલ દૂર નહીં થાય તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે. બીજી તરફ, નાના દબાણો પર કડક કાર્યવાહી કરતા મનપા કમિશનર આ “મોતની દીવાલ” મામલે ટેકનિકલ જવાબ આપીને જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ સંસ્થા અંતર્ગત BAPS મંદિરના સંચાલકો દ્વારા મચ્છુ નદીના પાણીના વહેણને અવરોધે તેવી રીતે આશરે ૩૦ ફૂટ ઊંચી આડી દીવાલ બાંધવામાં આવી છે. આ દીવાલના કારણે મોરબીના નીચાણવાળા વિસ્તારો જેવા કે ખોખાણી શેરી, ખત્રીવાસ શેરી, વણકરવાસ, ભરવાડ વાસ, બોરીચા વાસ, વજેપર વગેરેમાં વરસાદનું પાણી ભરાવાનું અને પૂર જેવી સ્થિતિ સર્જાવાનું જોખમ તોળાઈ રહ્યું છે. ઉપરોક્ત તમામ આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા.
સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરશભાઈ છબીલભાઈ કોટેચા અને અન્ય આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ દીવાલ તદ્દન ગેરકાયદેસર છે. આ અંગે એક વર્ષ પહેલાં મોરબીના તત્કાલીન કલેકટર દ્વારા દીવાલને તોડી પાડવાનો હુકમ પણ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, થોડા સમય માટે દેખાવ ખાતર દીવાલ તોડવાની કામગીરી શરૂ કર્યા બાદ રહસ્યમય રીતે તે અટકાવી દેવામાં આવી છે અને દીવાલ હાલ પણ જેમની તેમ ઉભી છે. ઉપરોક્ત તમામ આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા.
મોરબી મહાનગરપાલિકા નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકોના નાના દબાણો પર તાત્કાલિક જેસીબી ફેરવી દેવાની કડક નીતિ અપનાવે છે. કોઈને પોતાની દુકાન બહાર પગથિયું પણ બનાવવા દેવામાં આવતું નથી અને જો બને તો તે તોડી પાડવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, મચ્છુ નદીના પટમાં બનેલી આ “મોતની દીવાલ” મહાનગરપાલિકાથી કેમ દૂર નથી થતી? શું કમિશનરના ધ્યાનમાં નથી આવતું? સાથે જ, મોરબીના નેતાઓ પણ આ મામલે કેમ ચૂપ છે? શું તેઓ દુર્ઘટના બન્યા બાદ બચાવ કામગીરી કરવા જ આવશે? તેવા આકરા સવાલો સ્થાનિકો અને સામાજિક કાર્યકરો ઉઠાવી રહ્યા છે. ઉપરોક્ત તમામ આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા.
સ્થાનિકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે આ દીવાલને કારણે કંઈ પણ દુર્ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી મહાનગરપાલિકાના કમિશનર, જિલ્લા કલેકટર અને ધારાસભ્યની રહેશે. અરજદારો દ્વારા એવી પણ માંગ કરવામાં આવી છે કે મંદિરને માત્ર બાંધકામ માટે પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ ગેરકાયદેસર બાંધકામો અને બિલ્ડિંગ નીચે ભોંયરા પણ બનાવવામાં આવ્યા છે, જેની પણ સઘન તપાસ થવી જોઈએ. ઉપરોક્ત તમામ આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા.
મોરબીમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા હજારો લોકોને જાનનું જોખમ વર્તાઈ રહ્યું છે. ૧૯૭૯માં મચ્છુ નદી પરનો ડેમ તૂટવાથી સર્જાયેલી ભયાનક હોનારતની યાદો હજુ પણ મોરબીવાસીઓના મનમાં તાજી છે, ત્યારે આવી જ મોટી હોનારત જેવી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું સ્થાનિકો માની રહ્યા છે. આથી, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેકટર દ્વારા આ દીવાલને તાત્કાલિક તોડી પાડવામાં આવે તેવી માંગ કરાઈ છે. જો આ દીવાલ નહીં તોડવામાં આવે તો સામાજિક કાર્યકરો દ્વારા આત્મવિલોપન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, જે આ મુદ્દાની ગંભીરતા દર્શાવે છે. ઉપરોક્ત તમામ આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા.
આ મામલે મનપા કમિશનર સ્વપ્નિલ ખરેને સવાલ પૂછતા તેઓએ ટૂંકો ટેકનિકલ જવાબ આપ્યો હતો અને જાણે ઈરીગેશન વિભાગ પર ટોપલો ઢોળી દીધો હતો. બીજી તરફ, ઈરીગેશન વિભાગનો સંપર્ક કરવામાં આવતા તેઓએ આ જવાબદારી મહાનગરપાલિકાની હોવાની વાત કરી હતી. અધિકારીઓ દ્વારા એકબીજા પર જવાબદારી ઢોળવાની આ પ્રવૃત્તિ સ્પષ્ટ દર્શાવે છે કે આ મામલે કોઈ ડર છે અથવા કોઈ અદૃશ્ય શક્તિ તેમને રોકી રહી છે. ઉપરોક્ત તમામ આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા.
જો આ દીવાલ યથાવત રહેશે તો ભવિષ્યમાં મોરબીની બરબાદીનું કારણ બને તો કોઈ નવાઈની વાત નથી. સ્થાનિકો અને સામાજિક કાર્યકરોની સ્પષ્ટ માંગ છે કે આ ગેરકાયદેસર અને જીવલેણ દીવાલને તાત્કાલિક દૂર કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. તેવા તમામ આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા.