Abtak Media Google News

અભ્યારણ વિભાગ દ્વારા કરાયેલ ગણતરીમાં ધુડખરની સંખ્યામાં વધારો

કચ્છના નાના રણમાં ગરમીનો પારો 48 ડીગ્રી:છેલ્લા એક મહિનાથી બજાણા અભ્યારણ્યમાં એક પણ પ્રવાસી નહીં, કોરોનાબાદ ગરમીના કારણે પ્રવાસીઓ જોવા નથી મળતા અમિતાભ બચ્ચનની “ખુશ્બુ ગુજરાત કી” એડ બાદ પ્રવાસીઓની સંખ્યા વધી હતી

કચ્છના નાના રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘૂડખર અને વિદેશી નયનરમ્ય પક્ષીઓના ઝુંડ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. એમાય અમિતાભ બચ્ચનની “ખુશ્બુ ગુજરાત કી” એડ બાદ રણમાં પ્રવાસીઓની સંખ્યામાં તોતિંગ વધારો નોંધાયો હતો. ત્યારે હાલ રણમાં ગરમીનો પારો 48 ડીગ્રીએ પહોંચ્યો છે જેમાં છેલ્લા એક મહિનામાં અભ્યારણ્યમાં એક પણ પ્રવાસી ડોકાયો નથી. પહેલા કોરોનાએ પ્રવાસનની કમર તોડીને હવે કાળઝાળ ગરમીમાં અભ્યારણ્ય ભગવાન ભરોસે હોવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.

1973માં રણના 4954 ચો.કિ.મી. વિસ્તારને રણ સિવાય વિશ્વભરમાં ન જોવા મળતા ઘૂડખર માટે રક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો. આ રણમાં દુર્લભ ઘૂડખર, નિલગાય, કાળીયાર, ચિંકારા, વરૂ, નાવર, રણ લોંકડી અને ઝરખ સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. આ સિવાય બજાણા ટૂંડી તળાવમાં ફ્લેમીંગો, પેલિગન, સફેદ અને ગુલાબી કલરના લેસર અને ગ્રેટર પક્ષીઓ સહિત વિદેશથી શિયાળો ગાળવા આવતા પક્ષીઓનો અનોખો મેળાવડો જામે છે. રણમાં જોવા મળતા વિવિધ રક્ષિત પ્રાણીઓ અને વિદેશી નયનરમ્ય પક્ષીઓનું ઝુંડ સ્થાનિક પ્રવાસીઓ અને વિદેશી પર્યટકોમાં અનેરૂ આકર્ષણ જમાવે છે.

એમાય કચ્છના નાના રણમાં પાંચ-છ વર્ષ અગાઉ યોજાયેલી પક્ષી ગણતરીમાં કુલ 103 પ્રકારના 99740 પક્ષીઓ નોંધાયા હતા અને 2019માં કરાયેલી પક્ષી ગણતરીમાં આ સંખ્યા 350%ના વધારા સાથે 351196 સુધી પહોંચી હતી. એ જ રીતે રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દૂર્લભ ઘૂડખરની સંખ્યા સને 2014માં 4451 નોંધાઇ હતી. જે થોડા સમય અગાઉ અભયારણ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડામાં આ સંખ્યા 37%ના વધારા સાથે 6082 થઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.