કાલે દીપાવલી મહાપર્વ: સોમવારે થશે નૂતન વર્ષાભિનંદન

આજે કાળી ચૌદશ અને શનિવારનો યોગ હોય હનુમાનજીની ઉપાસના કરવી ઉત્તમ: વેપારીઓ-ધંધાર્થીઓ કાલે કરશે ચોપડાપૂજન: ઘર-ઘરનાં આંગણે દિવડા, રંગોળી, હાર-તોરણનો ઝગમગાટ: નૂતન વર્ષે વિવિધ મંદિરો, ધાર્મિક સ્થળોએ ભજન-કિર્તન અને અન્નકુટોત્સવનાં આયોજનો

લોકો જે પર્વની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી ચુકી છે. દીપાવલી પર્વનો મંગલમય પ્રારંભ થયો છે. ગઈકાલે લોકોએ સુખ સંપતિ આપનાર લક્ષ્મીજીનું પુજન તો ઘણાએ સોના-ચાંદીની ખરીદી કરી હર્ષભેર ધનતેરસની ઉજવણી કરી હતી. આજે કાળી ચૌદશ સાથે શનિવાર હોય બેવડો યોગ સર્જાયો છે. આજે લોકો રાત્રે ચાર ચોકમાં ઘરનો કકળાટ કાઢી કાળીચૌદશની ઉજવણી કરશે. દીપોત્સવી પર્વનો લોકો આનંદ ઉમંગથી માણી રહ્યા છે. અગિયારસથી બહેનોએ પોતાના આંગણામાં ભાતભાતની રંગોળી સજાવી દિવડા પ્રગટાવી પર્વની ઉજવણી શરૂ કરી છે.

કાલે દિવાળીનો મહાપર્વ હોય બેન્કો, મોટાભાગનાં ઔધોગિક એકમો, સરકારી કચેરીઓમાં દિવાળી વેકેશન પડી ચુકયું છે. નાના બાળકોથી માંડી મોટેરાઓ સુધી સૌ કોઈ દિવાળીના ઉમંગમાં છે. બાળકો, યુવાનો ફટાકડા ફોડી આનંદ ઉમંગ કરી રહ્યા છે તો ઘણા ફરવાના શોખીનો દિવાળી વેકેશન પડતા જ ફરવાના સ્થળો જેવા કે દીવ, ગોવા, મનાલી, કેરાલા સહિત સ્થળોએ ઉપડી ગયા છે. કાલે દિવાળી પર્વ તો સોમવારે નૂતનવર્ષાભિનંદન થશે. લોકો એકબીજાને, મિત્રોને, સગા-સ્નેહીઓને નવા વર્ષની શુભકામના પાઠવશે. નવા વર્ષે વિવિધ મંદિરો, ધાર્મિક સ્થળોએ પુજા-પાઠ, ભજન-કિર્તન, અન્નકુટોત્સવ સહિતનાં આયોજનો થયા છે.

આસો વદ ચૌદશને રવિવાર તા.૨૭/૧૦/૨૦૧૯ના દિવસે બપોરે ૧૨:૨૩ થી અમાસ તિથિ બેસી જાય છે. દિવાળીનું મહત્વ સાંજે પ્રદોષકાળ હોતા રવિવારે દિવાળી મનાવવામાં આવશે. આ દિવસે આખો દિવસ ચોપડાપુજન કરવું શ્રેષ્ઠ છે. દિવાળીનાં દિવસે સમુદ્રમાંથી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયેલો. શ્રીરામચંદ્ર ભગવાન રાવણને મારી વિજયી મેળવી અને દિવાળીનાં દિવસે અયોઘ્યા પરત પધાર્યા હતા. ઉજજૈનનાં સમ્રાટ વિક્રમાદિત્ય સુરાજય શાસન પર્વની સ્થાપના આ દિવસે કરી હતી.

શ્રીકૃષ્ણ ભગવાને કાળી ચૌદશના દિવસે નરકાસુરનો વધ કર્યો અને બીજા દિવસે એટલે કે દિવાળીના દિવસે લોકોએ ઉત્સવ ઉજવ્યો. પાંડવો ચૌદ વર્ષનો વનવાસ ભોગવી અને હસ્તિનાપુર પધાર્યા તે દિવસ દિવાળીનો હતો.

આમ અલગ-અલગ પ્રકારે દીપાવલીનું મહત્વ રહેલું છે. આપણા સ્ક્રન્દ પુરાણ, પદમપુરાણ, ભવિષ્ય પુરાણ ગ્રંથોમાં જુદી-જુદી રીતે દિવાળીનું મહત્વ છે. તેમા ખાસ કરીને બ્રહ્મપુરાણ પ્રમાણે દિવાળીની રાત્રીએ લક્ષ્મીજી સ્વયં લોકોના ઘરમાં પધારે છે. આથી જ લોકો ચોપડા પુજન કરે છે અને પોતાનું ઘર સ્વચ્છ રાખે છે. મહાલક્ષ્મીજીના આઠ સ્વરૂપ છે. દિવાળીના ચોપડાપુજનમાં કલમ એટલે કે પેનને મહાકાળીનું સ્વરૂપ ગણી પુજા કરવામાં આવે છે. મહાલક્ષ્મીજીનો સિકકો ચોપડા પર રાખી પુજન કરવામાં આવે છે અને મહાસરસ્વતી એટલે કે ચોપડાનું પુજન સ્વયં સરસ્વતી માતાજી તરીકે પુજવામાં આવે છે. આમ ચોપડા પુજનમાં મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીનું પુજન કરવામાં આવે છે અને છેલ્લે લક્ષ લાભ લાભ સવાયા બોલવામાં આવે છે એટલે કે મહાલક્ષ્મીજીની કૃપાથી અમારો વ્યાપાર સવાયો થાય.

સોમવારે સવંત ૨૦૭૬ વિરોધકૃત નામની સંવત્સરથી નવા વર્ષનો પ્રારંભ થશે. આ દિવસે સંઘ્યા સમયે બલિરાજાનું પુજન કરી શકાય જે ઉતમ છે તે ઉપરાંત આ દિવસે ગોવર્ધનપુજા અને ભગવાનને અન્નકુટ એટલે કે છપ્પન ભોગ ધરવાનું મહત્વ વધારે રહેલું છે. કારતક સુદ બીજને મંગળવાર તા.૨૯/૧૦/૨૦૧૯ના દિવસે ભાઈબીજ છે. આ દિવસે બહેન યમુનાજીના ઘરે ભાઈ યમરાજા જમવા ગયેલા અને બહેન યમુનાજીને તથા બધા જ ભાઈઓને વરદાન આપેલુ કે આ દિવસે જે ભાઈ પોતાની બહેનની ઘરે ભોજન કરવા જશે તેને અપમૃત્યુ આવશે નહીં તથા જીવનના બધા જ સુખોની પ્રાપ્તી થશે. આમ ભાઈબીજના દિવસે બપોરે ૧૨ વાગ્યે પહેલા યમુનાજળ ઘરના બધા જ લોકોએ ગ્રહણ કરી અને સૌપ્રથમ બહેને પોતાના ભાઈને જમાડવા. શુક્રવારે લાભપાંચમ ૧/૧૧/૨૦૧૯નાં દિવસે વ્યાપાર શરૂ કરવા ચોપડામાં તિથિ પુરવા માટેનું શુભમુહૂર્ત સવારે લાભ અમૃત ૮:૧૬ થી ૧૧:૦૬ કલાકનું છે તેમ શાસ્ત્રી રાજદિપભાઈ જોષી દ્વારા જણાવાયું છે.