રાજકોટ કોર્પોરેશનમાં હારેલા કોંગી મહિલા ઉમેદવાર સાથે છેતરપિંડી

અનુ. જાતિની મંડળીના સભ્ય બનાવી જમીનની લાલચ આપી 3 લાખની વિધાનસભાના અપક્ષ ઉમેદવારે કરી ઠગાઇ

રાજકીય અગ્રણીના આશિર્વાદથી મંડળીમાં ગોલમાલ ચાલી રહી ?

રાજકોટ તાલુકા અનુસુચિત સામુદાયિક ખેતી સહકારી મંડળી દ્વારા જમીન વિહોણા પરિવારને ખેતી કરવા માટે જમીન આપવાનું કહી સભ્ય બનાવી ખીજડીયા ગામે જમીન આપવાનું કહી 3 લાખ પડાવી લઇ જમીન ન આપી છેતરપીંડી કર્યાની મહિલાએ મંડળીના સંચાલક સામે ફરીયાદ નોંધાવી છે. આ મામલે રાજકીય મોટા માથાના પગ તળે રેલો આવવાની શકયતા દર્શાવાય રહી છે.

વધુ વિગત મુજબ રાજકોટ શહેરના કેનાલ રોડ નજીક લલુડી વોકળી પાસે રહેતા અને કોંગી અગ્રણી ભારતીબેન જગદીશભાઇ સાવઠીયાએ રાજનગર ચોક ખાતે આવેલી રાજકોટ તાલુકા અનુસુચિત સામુયિક ખેતી સરકારી મંડળી લી.ના સંચાલક રણજીત ગીરધર મકવાણા નામના શખ્સે જમીન આપવાનું કહી છેતરપીંડી આચર્યાની માલવીયા નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે જમીન વિહોણા પરિવારને રાજકોટ તાલુકા અનુસુચિત સામુદાત્મક ખેતી સહકારી મંડળી લી. દ્વારા ખેતીની જમીન આપવામાં આવે છે. જેથી ભારતીબેન પોતાના પતિ જગદીશભાઇ સાગઠીયા સાથે મંડળી રાજનગર સ્થિત આવેલી ઓફીસે ગયા હતા.

ઓફીસે રણજીતભાઇ મકવાણા હાજર રહતા ખીજડીયા ગામે મંડળીની જમીન આવેલી છે. તમારે જોતી હોઇ તો સભ્યપદ માટે 1 હજાર ભર્યા બાદ ઓફીસે બીજા દિવસે ગયા 3 લાખ ભરવા માટે જણાવેલું દોઢ લાખ આપેલા અને બાકીના દોઢ લાખ કટકે કટકે આપ્યા હતા. જમીનના કાગળોની કામગીરી માટે બે માસનો સમય લાગશે તેવું જણાવેલું હતું.

બાદ જાણવા મળેલું કે મંડળીની ઓફીસ બંધ થઇ ગઇ છે. સગા સંબંધીથી મારફતે રણજીત મકવાણાની તપાસ કરતા સંપર્ક ન થતા જાણવા મળ્યું કે ઠગાઇનો ભોગ બન્યા હોવાથી માલવીયા નગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે.

પોલીસ મંડળીના સંચાલક અને કોંગી અગ્રણી રણજીત મકવાણા સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. આધાર ભુત સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ અનેક જમીન વિહોણા લોકો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે. આ મામલે પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો અનેક રાજકીય અગ્રણીઓ સુધી રેલો પહોંચે તો નવાઇ નહી તેવું જાણવા મળ્યું છે. તેમ જ રણજીત મકવાણાએ ગત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ટીકીટ માંગી હતી. પરંતુ ટીકીટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. રાજકોટ જીલ્લા અનુ. જાતિ ડિપાર્ટમેન્ટમાં હોદા ધરાવતા હતા. રાજકીય ગુરુના આશિર્વાદથી અત્યાર સુધી કોઇ પગલા ન લેવાયાનુ બહાર આવ્યું છે.