દિલ્હી કેપિટલનો પ્લેઓફમાં ધમાકેદાર પ્રવેશ: મુંબઈને 9 વિકેટે હાર આપી

મેગ લેનિંગ, સૈફાલી વર્મા અને એલિસ કેપ્સિની બેટિંગએ દિલ્હીને જીત અપાવી

અબતક, મુંબઇ: વુમન્સ પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને નવ વિકેટે માત આપી છે. દિલ્હીએ માત્ર નવ ઓવરમાં 110 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 109 રન જ બનાવી શકી હતી. દિલ્હીની બોલરોએ આક્રમક બોલિંગ કરી મુંબઈને દરેક તબબકે બેકફૂટ ઉપર જ ધકેલી દીધી હતી. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હીએ નવ ઓવરમાં એક વિકેટે 110 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

દિલ્હી તરફથી કેપ્ટન મેગ લેનિંગ, એલિસ કેપ્સી અને શેફાલી વર્માએ તોફાની ઇનિંગ્સ રમી હતી. એલિસ કેપ્સીએ સૌથી વધુ અણનમ 38 રન બનાવ્યા હતા. તેણે તેની 17 બોલની ઇનિંગમાં માત્ર એક ચોગ્ગો ફટકાર્યો હતો અને પાંચ લાંબી સિક્સ ફટકારી. કેપ્ટન મેગ લેનિંગ 22 બોલમાં 32 રન બનાવીને અણનમ રહી હતી. તેણે ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. શેફાલી વર્માએ 15 બોલમાં છ ચોગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા. મુંબઈ માટે એકમાત્ર સફળતા હીલી મેથ્યુસને મળી હતી.

બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 109 રન જ બનાવી શકી હતી. મુંબઈ તરફથી પૂજા વસ્ત્રાકરે સૌથી વધુ 26 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર 23, ઈસી વોંગ 23 અને અમનજોત કૌર 19 રન બનાવીને આઉટ થયા હતા.