પ્રાણવાયુની અછત પર દિલ્હી હાઈકોર્ટનું કડક વલણ,સરકારને લગાવી ફટકાર

દેશમાં કોરોના વાયરસના ચેપના સતત વધતા જતા કેસો સામે ઓક્સિજનની માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ માંગને પુરી કરવા કેન્દ્ર સરકારે ઘણીબધી વ્યવસ્થાઓ કરી છે. જેથી કરીને કોરોના સંક્રમિત લોકોને પૂરતી માત્રમાં ઓક્સિજન મળી રહે.

ઓક્સિજનના અભાવ અંગે દિલ્હી હાઈકોર્ટમાં મહારાજા અગ્રસેન હોસ્પિટલ દ્વારા અરજી કરવામાં આવી હતી. તેની અરજી પર દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી આપી છે. દિલ્હી હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, જો કોઈ ઓક્સિજનનો પુરવઠો રોકે તો અમે તેને બચાવીશું નહીં. આ કેસની સુનાવણી જસ્ટિસ વિપિન સંઘી અને ન્યાયાધીશ રેખા પલ્લીની ખંડપીઠે કરી હતી.

હાઇકોર્ટે આ સાથે કેન્દ્રને સવાલ કર્યો હતો કે દિલ્હી માટે ફાળવવામાં આવેલા 480 મેટ્રિક ટન ઓક્સિજન ક્યારે મળશે? દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકારને કહ્યું કે Covid-19 ને કારણે મૃત્યુ દર ઘટાડવાની જરૂર છે. દરરોજ Covid-19 પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થતો હોવાથી, મેડિકલ ઓક્સિજનના અભાવને કારણે ઘણાં હોસ્પિટલો નિસહાય બન્યા છે. ઘણી હોસ્પિટલોએ ઓક્સિજન SOS મોકલ્યા છે, જે તાત્કાલિક પુરવઠાની માંગ કરે છે.

દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે કોવિડ -19ની બીજી લહેર મે મહિનામાં ચરમસીમાએ પહોંચ્યા બાદ તેની તૈયારીઓ શું છે. કોરોના વાયરસની બીજી લહેર દેશ માટે સુનામી સાબિત થઈ છે. જેનાથી દેશને મોટું નુકશાન થઈ રહ્યું છે.