Abtak Media Google News

ટંકારા તાલુકાના નેકનામ ગામના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવીને આધેડને ગોંધી રાખી રૂ.2.50 લાખની માંગ કરી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. કૃત્ય આચરનાર શખ્સોએ ખેડૂતને ખોટી પોલીસની ઓળખ આપી હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ આ મામલે બે મહિલા સહિત છ શખ્સોની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ટંકારાના નેકનામ ગામમાં રહેતા નીતિનભાઈ મગનભાઈ દેત્રોજા નામના 47 વર્ષના આધેડે આજીડેમ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ચુનારાવાડની જાનકી કનક, ઉર્વેશ ગજેરા, ગીતા, જીલું આશિષ અને ગીતા સહિત છ શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જણાવ્યા મુજબ નીતિનભાઈ ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે. આરોપીઓએ કોઈ પણ રીતે સંપર્ક કર્યા બાદ ખેડૂતને રાજકોટ બોલાવ્યો હતો. જ્યાં આરોપી મહિલાએ દુષ્કર્મના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. તે દરમિયાન માંડા ડુંગરની ગોળાય પાસે જ અન્ય શખ્સો ધસી આવ્યા હતા. નીતિનભાઈને પોલીસની ખોટી ઓળખ આપી બે-ત્રણ તમાચા ઝીકી દીધા હતા.

આ તમામ શખ્સોએ આધેડને જુદા જુદા સ્થકળોએ લઈ જઈ અંતે એક મંદિરની ઓરડીમાં ગોંધી રાખ્યા હતા. તેમજ નિતીનભાઈને માર મારી રૂ.2.50 લાખની માંગણી પણ કરી હતી. ત્યાર બાદ હેમખેમ છૂટેલા ખેડૂતે પોલીસનો સહારો લીધો હતો અને આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બે મહિલા સહિત છ શખ્સોની ધરપકડ કરી પૂછતાછ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.