- નવા પાકા મકાન બનાવવા માટે રૂ. 4 લાખની સહાય મળવા પાત્ર રહેશે
પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0ના અમલીકરણ અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા લાભાર્થીના નેતૃત્વ હેઠળ બાંધકામ ઘટક હેઠળ પાત્ર નાગરિકોને નવા પાકા મકાન બનાવવાની સહાય પુરી પાડવામાં આવે છે. આ યોજનામાં નેશનલ બિલ્ડીંગ કોડના ધોરણ મુજબ 30 થી 45 ચો.મી.ના કાર્પેટ વિસ્તારમાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું અને બાથરૂમ-શૌચાલયની સુવિધા સાથે મકાન બાંધવાનું રહેશે. આ યોજના હેઠળ લાભાર્થી દીઠ કેન્દ્ર સરકાર તરફથી રૂ.1.50 લાખ તથા રાજ્ય સરકાર તરફથી રૂ.2.50 લાખ એમ કુલ રૂ.4 લાખની સહાય મળવાપાત્ર રહેશે, જે ચાર હપ્તામાં ચુકવાશે.
મોરબી મહાનગરપાલિકા હદવિસ્તારના એવા નાગરિકો કે જેઓ પોતાની માલિકીનું કાચું, અર્ધકાચું, જર્જરિત મકાન કે ખુલ્લો પ્લોટ ધરાવે છે અને જેમની વાર્ષિક આવક રૂ.3 લાખથી ઓછી છે,
તેમજ જેમણે અગાઉ આવાસ યોજના હેઠળ કોઈ લાભ લીધો નથી, તેઓ નોંધણી માટે પાત્ર છે. તેમની સુવિધા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં 10 જૂનથી 13 જૂન 2025 દરમિયાન ઓનલાઈન ડીમાન્ડ સર્વે માટે કેમ્પ (મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ભડિયાદ ગ્રામ પંચાયત 10 જૂન સમય 12 થી 4, લાઇન્સનગર (ગોકુલનગર) પ્રાથમિક શાળા 11 જૂન સમય 12 થી 4, દીપ્તિ આરોગ્ય કેન્દ્ર (સિસ્ટરનો બંગલો), ફૂલછાબ કોલોની 12 જૂન સમય 2.30 થી 5.0, શ્રીજનકલ્યાણેશ્વર મહાદેવ મંદિર ઉમા ટાઉનશીપ સામાકાંઠે 13 જૂન સમય 12 થી 4 મુજબ આયોજન કરવામાં આબ્યુ છે, ત્યારે મોરબી મહાનગરપાલિકા તરફથી પાત્ર નાગરિકોને આ કેમ્પનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે જેથી વધુમાં વધુ લોકોને આ આવાસ સહાયનો લાભ મળે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.