રાજકોટ મવડી વિસ્તારમાં ડીમોલિશન: 10 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ

ટીપી સ્કીમ નં.૨૧ (મવડી)માં આકાશદીપ અને પ્રમુખનગરમાં કોર્પોરેશનના અનામત પ્લોટ પર ખડકાયેલા ત્રણ મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું

રાજકોટ મહાનગર પાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે સવારે શહેરના વેસ્ટ ઝોનમાં મવડી વિસ્તારમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ટીપીના અનામત પ્લોટ પર ગેરકાયદે ખડકાયેલા ત્રણ મકાનો પર બુલડોઝર ફેરવી દઈ રૂા.૯.૯૭ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ડિમોલીશનની કામગીરી વિજીલન્સ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હોય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, આજે સવારે કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વોર્ડ નં.૧૨માં ટીપી સ્કીમ નં.૨૧ (મવડી)ના અંતિમ ખંડ નં.૩૫/સીના એસઈડબલ્યુએસએચ હેતુના અનામત પ્લોટમાં ન્યુ આકાશદીપ સોસાયટી શેરી નં.૩, જયસરદાર પાનવાળી શેરીમાં ઉમિયા ચોક પાસે ગેરકાયદે બે મકાનો ખડકાઈ ગયા હતા. આજે ૧૩૬૧ ચો.મી. જમીન પર ખડકાયેલા બે મકાનનું દબાણ દૂર કરી રૂા.૫.૪૪ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

ત્યારબાદ ટીપી શાખાનો કાફલો ટીપી સ્કીમ નં.૨૧ના અંતિમ ખંડ નં.૨૧/એમાં પ્રમુખ નગર શેરી નં.૪માં શ્રી ક્રિષ્ના મકાનની બાજુમાં મવડી વિસ્તારમાં સ્કૂલ એન્ડ પ્લે હાઉસ બનાવવાના પ્લોટ પર ૧૧૩૩ ચો.મી. જમીનમાં ખડકાયેલ એક મકાન દૂર કરી રૂા.૪.૫૩ કરોડની જમીન ખુલ્લી કરાવામાં આવી હતી.  ડિમોલીશનની કામગીરી વેસ્ટ ઝોન કચેરીની એટીપી એ.આર.મકવાણા, અજય વેગડ, એ.જી.પરસાણા સહિતના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ડિમોલીશન વિજીલન્સ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવેલ હોય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.