વાવડીમાં ડિમોલિશન : રૂ.12 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવાય

8 જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડ અને ભંગારના ડેલાઓનો કડુસલો બોલવાયો : તાલુકા મામલતદાર ટીમની કાર્યવાહી

વાવડીમાં સરકારી જમીન પર ખડકાયેલ દબાણ ઉપર આજે તાલુકા મામલતદાર તંત્ર તૂટી પડ્યું હતું. 8 જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડ અને ભંગારના ડેલાઓનો કડુસલો બોલાવીને રૂ. 12 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

મહેસૂલ વિભાગે તમામ જિલ્લાઓમાં સરકારી જમીન ઉપર ખડકાયેલ દબાણ ઉપર તૂટી પડવા આદેશ કર્યો હતો. આ સરકારી જમીનને ખુલ્લી કરાવવા જિલ્લા કલેક્ટરના આદેશથી પ્રાંત અધિકારીઓ અને મામલતદારો દબાણની જગ્યાઓ શોધી કાર્યવાહી કરી રહ્યા છે. જેના ભાગરૂપે આજે તાલુકા મામલતદારની ટિમ દ્વારા વાવડીમાં ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.

તાલુકા મામલતદાર કરમટા અને તેમની ટીમે આજે વાવડી વિસ્તારમાં આવેલ સર્વે નં.149 પૈકીની સરકારી જમીન ઉપર ખડકયેલ 8 જેટલા ઇન્ડસ્ટ્રીયલ શેડ અને ભંગારના ડેલાઓ તોડી પાડવામાં આવ્યા હતા. અંદાજે રૂ. 12 કરોડથી વધુની કિંમતની 1200થી 1500 વાર જેટલી જગ્યામાં આ દબાણ ખડાયેલા હતા. તેને દૂર કરી મામલતદારની ટિમ દ્વારા આ સરકારી જગ્યા ખુલ્લી કરાવી છે.

આ કામગીરીમાં તાલુકા મામલતદાર કરમટા, નાયબ મામલતદાર એસ.બી.કથીરિયા અને તલાટી મનીષભાઈ ગીધવાણી સહિતના જોડાયા હતા.