હિરાસર ગામના મકાનો અને વાડાઓનું 8મીએ ડિમોલેશન

એરપોર્ટ માટે સંપાદનનું ગુંચવાયેલું કોકડું ઉકેલાયું

ખાસ જમીન સંપાદન અધિકારીઓની સ્થળ વિઝીટ દરમિયાન 15 મિલ્કતધારકોએ વળતરના ચેક સ્વીકારી લીધા, બાકીના 5 પણ વળતર લેવા સહમત થતા તેઓને ટૂંક સમયમાં ચેક આપી દેવાશે

હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે હીરાસર ગામની જમીન સંપાદન કરવા ગુંચવાયેલું કોકડું હવે ઉકેલાયું છે. ખાસ જમીન સંપાદન અધિકારીઓની સ્થળ વિઝીટ દરમિયાન 15 મિલ્કતધારકોએ વળતરના ચેક સ્વીકારી લીધા છે. જ્યારે બાકીના 5 પણ વળતર લેવા સહમત થતા તેઓને ટૂંક સમયમાં ચેક આપી દેવાશે.અને 8મીએ ડિમોલીશન હાથ ધરવામાં આવશે.

વળતર લેવામાં નનૈયો કરતા અંદાજે 13 જેટલા મિલકતધારકોને થોડા દિવસ બાદ છેલ્લી તક અપાશે, કુલ 45માંથી 20 જેટલા મકાનો ગેરકાયદે : મહિનાના અંતમાં જમીન ખુલ્લી કરી દેવા તંત્રના પ્રયાસ

રાજકોટની ભાગોળે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રનવેનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થઇ ગયું છે. હવે તા.11થી 12 ફેબ્રુઆરી વચ્ચે 6 સિટર પ્લેનનું ટ્રાયલ પણ હાથ ધરવામાં આવનાર છે.  એરપોર્ટ માટેની જે મુખ્ય જમીન છે તેનું સંપાદન સહિતની કાર્યવાહી ભૂતકાળમાં તંત્રએ પાર પાડી દીધી હતી. જેથી રનવે ટેમ્પરરી ટર્મિનલ સહિતનું કામ હાથ ધરું શક્ય બન્યું હતું. પરંતુ આસપાસની જમીન સંપાદનમાં કોકડું ગુંચવાયુ હતું. પણ હવે આ કોકડું પણ ઉકેલાય ગયું  છે.

એરપોર્ટ માટે હિરાસર ગામને સ્થળાંતર કરવા તંત્ર એ તમામ તૈયારી હાથ ધરી લીધી હતી. પરંતુ ગામમાં જે જમીન અને મકાનો છે તે આસામીઓ સંપાદનની કાર્યવાહીમાં તંત્ર સાથે સહમત થતા ન હતા. અગાઉ ગાંધીનગરથી જમીન સંપાદન અધિકારી પૂજા બાવડા ખાસ હીરાસર એરપોર્ટ જમીન સંપાદનની પ્રક્રિયા માટે આવ્યા હતા. પરંતુ તેઓને ધક્કો થયો હતો.

તેઓ સાથેની મુલાકાત દરમિયાન માત્ર એક જમીન ધારકે 8 લાખનો ચેક સ્વીકાર્યો હતો બાકીના જમીનધારકોએ વળતરનો ચેક લેવાનો ઇનકાર કરી દીધો હતો. આ જમીનધારકોની માંગ એવી હતી કે તેઓને વળતર રૂપે પ્લોટ આપવામાં આવે. અથવા ઉંચી રકમ આપવામાં આવે.

બીજી તરફ એવું જાણવા મળ્યું હતું કે  અધિકારીના જણાવ્યા મુજબ કુલ 45 જેટલા મિલકત ધારકો છે.

જેમાં 20 પાસે તો કોઈ પુરાવા પણ નથી. જેને ગેરકાયદેસર ગણી શકાય છે. આ ઉપરાંત 20 જેટલા મકાન ધારકો એવા છે જેના મકાન ત્યાં ખાલી અને ખંઢેર હાલતમાં છે. તેઓ હાલ બીજે રહે છે.

મળતી માહિતી અનુસાર ગઇકાલે ખાસ જમીન સંપાદન અધિકારી ગાંધીનગરથી હીરાસર ગામે આવ્યા હતા. આ વેળાએ સ્થાનિક અધિકારીઓની પણ ઉપસ્થિતિ રહી હતી. તમામ અધિકારીઓની સમજાવટના અંતે 15 જેટલા મિલ્કત ધારકોએ વળતરના ચેક સ્વીકાર્યા હતા. આ ઉપરાંત 5 જેટલા મિલ્કતધારકોએ વળતર સ્વીકારવા સહમતી દાખવી હતી. હવે આ બાકીના 5 મિલ્કત ધારકોને થોડા જ દિવસમાં સંપાદન વિભાગ દ્વારા વળતરના ચેકો સોંપી દેવામાં આવશે. ત્યારબાદ આગામી તા. 8ના રોજ હીરાસર ગામના જે મકાનો અને વાડાઓ છે તેના ઉપર બુલડોઝરથી ડિમોલીશન હાથ ધરવામાં આવશે. મળતી માહિતી અનુસાર આ વિસ્તાર ટેકરાળ હોય બાદમાં તેમાં બ્લાસ્ટિંગ કરીને તેને સમથળ બનાવવામાં આવશે.