હીરાસર ગામમાં આવતા સપ્તાહે બ્લાસ્ટિંગથી થશે ડિમોલીશન

અંતે સંપાદનનું ગુંચવાયેલું કોકડું ઉકેલાશે

વળતર લેવામાં નનૈયો કરતા અંદાજે 13 જેટલા મિલકતધારકોને થોડા દિવસ બાદ છેલ્લી તક અપાશે, કુલ 45માંથી 20 જેટલા મકાનો ગેરકાયદે : મહિનાના અંતમાં જમીન ખુલ્લી કરી દેવા તંત્રના પ્રયાસ

હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની જમીનના સંપાદનનું ગુંચવાયેલું કોકડું અંતે ઉકેલાશે. વહીવટી તંત્ર વળતર લેવામાં નનૈયો કરનાર મિલકત ધારકોને અંતિમ તક આપશે. બાદમાં આ જગ્યાએ  આવતા સપ્તાહે બ્લાસ્ટિંગથી ડીમોલેશન હાથ ધરશે.

રાજકોટની ભાગોળે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રનવેનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ હવે તા.1થી 5 ફેબ્રુઆરી વચ્ચે 6 સિટર પ્લેનનું ટ્રાયલ પણ હાથ ધરવામાં આવનાર છે.  એરપોર્ટ માટેની જે મુખ્ય જમીન છે તેનું સંપાદન સહિતની કાર્યવાહી ભૂતકાળમાં તંત્રએ પાર પાડી દીધી હતી. જેથી રનવે ટેમ્પરરી ટર્મિનલ સહિતનું કામ હાથ ધરું શક્ય બન્યું હતું. પરંતુ આસપાસની જમીન સંપાદનમાં જે કોકડું ગુંચવાયુ છે તે હજુ સુધી ગૂંચવાયેલી હાલતમાં જ રહ્યું છે. પણ હવે આ મહિનાના અંત સુધીમાં તંત્ર આ કામ પણ પાર પાડી દેવા કમર કસી રહ્યું છે.

એરપોર્ટ માટે હિરાસર ગામને સ્થળાંતર કરવા તંત્ર એ તમામ તૈયારી હાથ ધરી લીધી છે પરંતુ ગામમાં જે જમીન અને મકાનો છે તે આસામીઓ સંપાદનની કાર્યવાહીમાં તંત્ર સાથે સહમત થતા નથી. અગાઉ ગાંધીનગરથી જમીન સંપાદન અધિકારી પૂજા બાવડા ખાસ હીરાસર એરપોર્ટ જમીન સંપાદનની પ્રક્રિયા માટે આવ્યા હતા. પરંતુ તેઓને ધક્કો થયો હતો.

તેઓ સાથેની મુલાકાત દરમિયાન માત્ર એક જમીન ધારકે 8 લાખનો ચેક સ્વીકાર્યો હતો બાકીના 13 જમીનધારકોએ વળતરનો ચેક લેવાનો ઇનકાર કરી દીધો હતો. આ જમીનધારકોની માંગ એવી છે કે તેઓને વળતર રૂપે પ્લોટ આપવામાં આવે. અથવા ઉંચી રકમ આપવામાં આવે.

બીજી તરફ એવું જાણવા મળ્યું છે કે  અધિકારીના જણાવ્યા મુજબ કુલ 45 જેટલા મિલકત ધારકો છે. જેમાં 20 પાસે તો કોઈ પુરાવા પણ નથી. જેને ગેરકાયદેસર ગણી શકાય છે. આ ઉપરાંત 18 જેટલા મકાન ધારકો એવા છે જેના મકાન ત્યાં ખાલી અને ખંઢેર હાલતમાં છે. તેઓ હાલ બીજે રહે છે.

મળતી માહિતી અનુસાર વહીવટી તંત્ર હવે આવતા સપ્તાહે છેલ્લો પ્રયાસ હાથ ધરશે. ખાસ જમીન સંપાદન અધિકારી આવતા સપ્તાહે સ્થળ મુલાકાત લેશે અને મિલકત ધારકોને વળતર લેવાની છેલ્લી તક આપશે. ત્યારબાદ આ મકાનોનું ડિમોલીશન કરવામાં આવશે. આ વિસ્તાર ટેકરાળ હોવાથી ત્યાં બ્લાસ્ટિંગથી ડીમોલેશન કરવામાં આવનાર છે.