લેન્ડ ગ્રેબીંગ પ્રોહિબીશન એક્ટ હેઠળ હકારાત્મક અભિગમ દાખવી સામાન્ય લોકોની વ્હારે આવતું જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર

જૂનાગઢ જિલ્લામાં ભૂમાફિયાઓ સામે વહિવટીતંત્રની લાલ આંખ

 

અબતક,દર્શન જોશી,જૂનાગઢ

સરકાર દ્વારા ભૂમિફિયાઓને ડામવા માટે લેન્ડ ગ્રેબીંગ પ્રોહિબીશન એક્ટ-2021 અમલી બનાવેલ છે. જેના અનુસંધાને જૂનાગઢ જિલ્લામાં મળેલ બે અરજી અંગે ઝીણવટ પૂર્વક તપાસ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જૂનાગઢમાં રહેતા અરજદાર રમેશભાઇ કાનજીભાઇ ભાલિયા દ્વારા પોતાની માલિકીના રહેણાંક ફ્લેટ નં.201, શિવાલય એપાર્ટમેન્ટ, આલ્ફા પ્રા.સ્કુલની બાજુમાં આવેલ મકાનમાં કબજો જમાવી બેઠેલ ભાડૂત રાજેશ ધારશી ચૌહાણ વિરૂધ્ધ જિલ્લા કલેક્ટર રચિત રાજને લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ અરજી કરવામાં આવી હતી. આ અરજી સંદર્ભે જિલ્લા કલેકટર એ તાત્કાલીક સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ, જૂનાગઢને તપાસના આદેશ આપી, અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી.

દરમિયાન ગત તા. 30/11/2021 ના રોજ મળેલ બેઠકમાં રજૂ થયેલ અહેવાલ ધ્યાને લઇ કમિટી દ્વારા એસ.ડી.એમ.ને બન્ને પક્ષકારોને કાયદાનું જ્ઞાન આપી સહમતિથી ઉક્ત બાબતનો નિકાલ કરવા સૂચના આપતા એસ.ડી.એમ. દ્વારા સામાવાળાને આ અંગે સમજાવતા તેઓએ તા. 15/12/2021 ના રોજ સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ રૂબરૂ પોતે મકાન ખાલી કરી આપશે તેવી લેખિત બાહેંધરી રજૂ કરેલ અને ત્યારબાદ એસ.ડી.એમ. દ્વારા પોલીસ વિભાગની મદદ લઇ મકાન ખાલી કરાવી આપેલ છે.

જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટ અને સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા તપાસ કરી અરજદારોને પોતાની માલિકીના મકાન, પ્લોટ સોંપ્યા 

આવા જ એક બીજા કિસ્સામાં જૂનાગઢ જિલ્લાની બહાર રહેતા અરજદાર વિલાસબેન ભીખાલાલ ઉધાડ દ્વારા સને-1991માં જૂનાગઢ શહેરના ટીંબાવાડી વિસ્તારમાં ખરીદેલ પોતાના પ્લોટમાં અન્ય ઇસમો દ્વારા કાચુ બાંધકામ કરેલ હોવાનું ધ્યાને આવતા, તેઓએ લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ અરજી કરતા તાત્કાલીક જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશો આપતા સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટ અંકિત પન્નુએ મામલતદાર તથા સર્કલ ઓફિસરની ટીમ સાથે સ્થળ તપાસ કરી ઉક્ત સ્થળ પર કાચુ બાંધકામ કરનાર જીવા પરમારને કાયદાનું જ્ઞાન આપી સ્થળ પર જ બન્ને પક્ષકારોને સમજૂત કરી અરજદારને તેમની માલિકીનો પ્લોટ ખુલ્લો કરી સોંપી આપેલ છે.

મદદનીશ કલેકટર જૂનાગઢની યાદીમાં જણાવ્યા અનુસાર, જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજ તાબાના મહેસુલી અધિકારીઓ તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપી ભૂમાફિયાઓને ડામવા માટે કડક પગલાઓ ભરવા તેમજ કોઇ નિર્દોષને સજા ન થાય અને કોઇ ભૂમાફિયાઓ બચી ન જાય તે માટે ઝીણવટપૂર્વકની સબ ડિવીઝનલ મેજિસ્ટ્રેટશ્રીઓ દ્રારા તપાસ કરાવ્યા બાદ જ જરૂરી આદેશો આપવામાં આવે છે.