રાજકોટમાં ડેન્ગ્યુ અને મેલેરીયાએ માથુ ઉંચક્યું: સપ્તાહમાં 11 કેસ

ચિકનગુનિયાના પણ 2 કેસો નોંધાયા: મચ્છરની ઉત્પતિ સબબ 1197 આસામીઓને નોટિસ

શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે પરંતુ સતત વરસાદી વાતાવરણના કારણે પાણીજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યુ છે. છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 9 અને મેલેરીયા તથા ચિકનગુનિયાના 2-2 કેસો મળી આવ્યા છે. મચ્છરની ઉત્પતિ સબબ 1197 આસામીને નોટિસ ફટકારવામાં આવી છે.

ગત 6 થી 12 સપ્ટેમ્બર દરમિયાન શહેરમાં ડેન્ગ્યુના 9 કેસો નોંધાયા છે. સાથે ચાલુ સાલ અત્યાર સુધીમાં 66 કેસો નોંધાયા છે. મેલેરીયાના 2 કેસ સાથે વર્ષમાં કુલ 25 કેસ જ્યારે ચિકનગુનિયાના પણ 2 કેસ સાથે વર્ષના કુલ 11 કેસો થવા પામ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરના 5110 ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી. મચ્છરની ઉત્પતિ સબબ 1197 આસામીને નોટિસ ફટકારવામાં આવી છે અને 8350નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

બાંધકામ, સ્કૂલ, હોસ્પિટલ, હોટલ, ઈન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પલેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ અને પેટ્રોલપંપ તથા સરકારી કચેરી સહિત કુલ 688 જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મચ્છરોની ઉત્પતિ ક્યાં થઈ શકે છે અને તેને અટકાવવા શું કરી શકાય તે માટે આરોગ્ય શાખા દ્વારા અનેક સોસાયટીમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.

ચોમાસાની સીઝનમાં જે રીતે શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે તેનાથી મહાપાલિકાની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. રોગચાળાને અટકાવવા માટે વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યાં છે.