ગાઢ ધુમ્મ્સ-કમોસમી વરસાદ: પાંચ દિવસ કડકડતી ઠંડીનો અહેસાસ થશે

આગામી દિવસોમાં 2થી 3 ડિગ્રી તાપમાન ગગડે તેવી હવામાન વિભાગની વકી: રાજકોટનું લઘુતમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું

સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી શનિવાર અને રવિવારે એ સતત બે દિવસ ગુજરાતભરમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે આજે સોમવારે રાજયભરમાં ધુમ્મસ છવાયું છે. અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સવારથી જ અમદાવાદ-ગાંધીનગર શહેરનું વાતાવરણ ધુમ્મસભર્યું રહ્યું હતું. સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી બે દિવસ રાજ્યમાં ઠેરઠેર વિવિધ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં 2થી 3 ડિગ્રી તાપમાન ગગડી શકે છે.આજે અમદાવાદ સહિત રાજ્યમાં વાદળછાયુ અને ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી જાણે મેઘરાજાના કારણે વાતાવરણ સાવ બદલાઈ ગયું છે. અમદાવાદમાં આજે ધુમ્મસના કારણે વહેલી સવારે લોકો વૉક માટે નીકળી પડ્યા હતા. મહત્વનું છે કે, અરબી સમુદ્રમાં ફૂંકાઈ રહેલા ઠંડા પવનોની અસર જોવા મળી છે. અમદાવાદ શહેરમાં સવારે ઝીરો વિઝિબિલિટી હતી. આ તરફ ગાઢ ધુમ્મસના કારણે માર્ગ અને હવાઈ મુસાફરીને અસર થઈ છે. આ તરફ ગાઢ ધુમ્મસના કારણે સવારે 8 વાગ્યે પણ વાહનચાલકોને હેડલાઈટ ચાલુ કરવી પડી રહી છે.

ધુમ્મસના કારણે ફ્લાઇટો ડાયવર્ટ કરાઈ

અમદાવાદમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વહેલી સવારે ધુમ્મસના કારણે માર્ગ અને હવાઈ મુસાફરીને અસર થઈ છે. મહત્વનું છે કે, વહેલી સવારે અમદાવાદમાં ઝીરો વિઝિબિલિટીહોઇ અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરનારી અનેક ફ્લાઈટ લેટ થઈ છે. જેને લઈ ગો ફર્સ્ટની અમદાવાદ-કોલકાતાની ફ્લાઈટ લેટ તો એર અરેબિયા સહિતની કેટલીક ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ છે.

29 તાલુકામાં કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના 29 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. જોકે ઉત્તર ગુજરાતમાં પણ માવઠાની આગાહી હોઇ છેલ્લા 24 કલાકમાં ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક કરા પડ્યા હતા. જોકે રાજ્યમાં સૌથી વધુ વરસાદ વડગામ પંથકમાં 1 ઈંચ નોંધાયો છે. મહત્વનું છે કે, ઉત્તરના બનાસકાંઠા વિસ્તારમાં માવઠાની સાથે અંબાજીમાં ગઇકાલે મોડી સાંજે કરા સાથે વરસાદ પડ્યો હતો. વધુમાં બનાસકાંઠાના ડીસા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો.

ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ

મહત્વનું છે કે, અગાઉ હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. જોકે હવે કમોસમી વરસાદ બાદ વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સતાવી રહી છે. નોંધનીય છે કે, જો અગમઇ 24 કલાકમાં પાકને સૂર્યપ્રકાશ નહીં મળે તો કૃષિપાકને નુકશાન થઈ શકે છે.