Abtak Media Google News

સોનામાં રોકાણ કરવા માટે સોનુ ખરીદવાની જરૂર નથી, વર્તમાન સમયમાં તેને ડિજિટલ સ્વરૂપે ખરીદીને રોકાણ કરવાનો ટ્રેન્ડ વધ્યો

અબતક, નવી દિલ્હી : ભારતમાં સોનાનો ભારે ક્રેઝ છે. ખાસ કરીને સ્ત્રીઓમાં સોનાના ઘરેણાં પહેરવાની હોડ હોય છે. હવે આ સોનુ ઘરેણાં સ્વરૂપે તો હોય જ છે સાથે તે ઇમરજન્સી સમયની મૂડી તરીકે પણ હોય છે. જો કે ઘરેણા સ્વરૂપે રહેલુ સોનુ જ્યારે બધા રસ્તા બંધ થાય ત્યારે જ ઉપયોગમાં લેવાનું થાય છે. ત્યારે આ રોકાણ વેચી શકાતું ન હોય તે પણ એક પ્રશ્ન હતો. તેવામાં ડિજિટલ ગોલ્ડ રોકાણ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ બન્યો છે.

હવેના ટેકનોલોજીના યુગમાં ચળકાટ વિના પણ સોનુ ઝગમગી ઉઠે છે. કારણકે હવે સોનામાં રોકાણ કરવા માટે સોનુ ખરીદવાની જરૂર નથી. સોનુ ડિજિટલ સ્વરૂપે પણ ખરીદી શકાય છે. જેમાં તમે માત્ર સોનાના માલિક બની શકો છો પણ તેનો કબજો તમારે રાખવાની જરૂર રહેતી નથી.  મધ્યમવર્ગીય પરિવારો માટે સોનાના ભાવની વધઘટ સૌથી મોટો ચિંતાનો વિષય છે. આ સાથે જ ઘરમાં સોનું રાખવું પડે ત્યારે ચોરી થઈ જવાનો ડર પણ રહે છે. બીજી તરફ, ડિજિટલ ગોલ્ડની ખરીદીમાં આવા કોઈ પ્રશ્નો રહેતા નથી અને શુદ્ધતાની પણ પૂરી ખાતરી રહે છે. તમે ધારો તો 1 રૂપિયાનું સોનું પણ ખરીદી શકો છો. પ્લેટફોર્મ પર ઘણા એવા લોકો હોય છે જે દૈનિક રૂ. 25-50 કે રૂ. 100નું સોનું પણ ખરીદે છે.

શુ છે ડિજિટલ ગોલ્ડ ?

ડિજિટલ ગોલ્ડ એટલે કોઈ વ્યક્તિ ઓનલાઈન સોનું ખરીદે છે ત્યારે બુલિયન કંપનીઓ અને રિફાઇનરી એટલી કિંમતનું ફિઝિકલ સોનું તમારા નામથી તેના લોકરમાં રાખે છે. એના બદલામાં ગ્રાહકને એક પર્ચેઝ રિસીપ્ટ મળે છે. આ રીતે તમારા ડિજિટલ વૉલેટમાં સોનું આવે છે. એનું ખરીદ અને વેચાણ પણ થઈ શકે છે અને એ રિસીપ્ટને ફિઝિકલ ગોલ્ડના સ્વરૂપમાં પણ મેળવી શકાય છે.

ડિજિટલ ગોલ્ડ ક્યાંથી ખરીદી શકાય ?

MMTC-PAMP ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તેમજ અન્ય બુલિયન ટ્રેડિંગ કંપનીઓ ડિજિટલ ગોલ્ડની સગવડતા આપે છે. આ સોનું પેટીએમ, ગૂગલ પે, મોતીલાલ ઓસવાલ, HDFC સિક્યોરિટીઝ, ફોન પે પરથી ઓનલાઈન ડિજિટલ ગોલ્ડની ખરીદી કરી શકાય છે. ઇન્ડસ્ટ્રી સાથે સંકડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે, છેલ્લાં 4 વર્ષમાં કરોડો લોકોએ ડિજિટલ ગોલ્ડ ખરીદ્યું છે.

ટોચના જવેલર્સે પણ શરૂ કર્યો ડિજિટલ ગોલ્ડનો વ્યાપાર

ટાટા ગ્રુપના તનિષ્ક, કલ્યાણ જ્વેલર્સ ઇન્ડીયા લિમિટેડ, પીસી જ્વેલર્સ લિમિટેડ અને સેનકો ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ જેવા જ્વેલર્સ પોતાની વેબસાઇટ પર ડિજિટલ ગોલ્ડનો બિઝનેસ કરી રહ્યા છે. આ ઉપરાંત મોટી કંપની બીજી વેબસાઇટ સાથે ટાઇઅપના માધ્યમથી 100 રૂપિયા  કરતાં ઓછી કિંમતનું વેચી રહ્યા છે. તેનું નામ ડિજિટલ ગોલ્ડ પ્લેટફોર્મ રાખવામાં આવ્યું છે. તહેવારની સીઝન શરૂ થતાં જ હવે તેનો ટ્રેંડ વધી ગયો છે. ગ્રાહકો ઓછામાં ઓછું 1 ગ્રામ સોના માટે પર્યાપ્ત રોકાણ બાદ ડિલિવરી લઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.