જીઓની જમાવટ: માત્ર 50 મહિનામાં જિયોએ ગુજરાતમાં 2.50 કરોડ ગ્રાહકો મેળવ્યા

geo-earned-'g-fari'-while-another-company-in-the-telecom-sector-is-scrambling-!!!
geo-earned-'g-fari'-while-another-company-in-the-telecom-sector-is-scrambling-!!!

ગુજરાત સહિત સમગ્ર દેશમાં લેટેસ્ટ ટેક્નોલોજી સાથે ટેલિકોમ સેવાઓ આપતી કંપની જિયોએ ગુજરાતમાં વધુ એક સીમાચિન્હ હાંસલ કર્યું છે. માત્ર 50 મહિનામાં જિયોએ ગુજરાતમાં 2.50 કરોડ ગ્રાહકો મેળવ્યા છે. આ સીમાચિન્હ હાંસલ કરનાર જિયો ગુજરાતની સૌથી વધુ ઝડપે વિકાસ પામતી ટેલિકોમ કંપની બની ગઈ છે.

ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) દ્વારા ઓક્ટોબર 2020ના સબસ્ક્રિપ્શનના આંકડાનો અહેવાલ જારી કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, સપ્ટેમ્બર 2016માં પોતાની સેવાઓ શરૂ કરનાર જિયો દ્વારા ઓક્ટબર 2020માં પહેલીવાર 2.50 કરોડ ગ્રાહકોનો આંકડો પાર કર્યો છે.

ગુજરાતમાં પહેલીવાર મોબાઇલ ફોન સેવાઓ વર્ષ 1997માં શરૂ કરવામાં આવી હતી ત્યારે રૂ.16 પ્રતિ મિનિટના દરે આઉટગોઇંગ કોલ થતો હતો. ધીમી છતાં મક્કમ ગતિએ ઓપરેટર્સની સંખ્યા વધી અને ધીમે ધીમે ગ્રાહકોની સંખ્યામાં પણ વધારો થતો ગયો. આ સ્થિતિમાં ગુજરાતમાં ઉપલબ્ધ સાત ટેલિકોમ ઓપરેટર્સના કુલ ગ્રાહકોની સંખ્યા 2.50 કરોડ સુધી પહોંચતાં 12 વર્ષ લાગી ગયા હતા. વર્ષ 2009ના મે મહિના સુધીમાં આટલા ગ્રાહકો મેળવનારા ટેલિકોમ ઓપરેટર્સમાં વોડાફોન એસ્સાર, આઇડિયા, ભારતી એરટેલ, આરકોમ, ટાટા ટેલિસર્વિસિઝ, એરસેલ અને બીએસએનએલનો સમાવેશ થતો હતો.

વર્ષ 2016ના સપ્ટેમ્બર મહિનામાં અહીં પોતાની સેવાઓ શરૂ કરનાર જિયોને આ સ્થિતિએ પહોંચતાં માત્ર ચાર વર્ષ અને બે મહિનાનો સમય લાગ્યો છે. જિયો ભારતમાં લોન્ચ થયું એ પછી ડેટા પાછળ થતો ખર્ચ લોકોને પોસાય તેવો થઈ ગયો અને કોલ પાછળનો ખર્ચ નહિવત બન્યો છે.

ટ્રાઇના આંકડા અનુસાર, વર્ષ 2020નો ઓક્ટોબર મહિનો પૂરો થયો ત્યારની સ્થિતિએ ગુજરાતમાં કુલ 6.73 કરોડ ગ્રાહકો થયા. તેમાંના સૌથી વધુ 2.53 કરોડ ગ્રાહકો વોડાફોન આઇડિયાના છે અને ત્યારબાદ જિયોના 2.50 કરોડ ગ્રાહકો છે. ભારતી એરટેલના કુલ 1.07 કરોડ જ્યારે બીએસએનએલના 61 લાખ ગ્રાહકો છે. વર્ષ 2020ના સપ્ટેમ્બર મહિનાની સ્થિતિ સાથે સરખાવીએ તો એક મહિનામાં 5.36 લાખ ગ્રાહકોનો ઉમેરો થયો છે.

તાજેતરમાં જ ટ્રાઇ દ્વારા ગુજરાતમાં અસ્તિત્તવ ધરાવતા ટેલિકોમ ઓપરેટર્સની નાણાકીય સ્થિતિના આંકડાનો અહેવાલ પણ જારી કરવામાં આવ્યો હતો. આ અહેવાલ અનુસાર સપ્ટેમ્બર 2020 સાથે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં જિયો 45.13 ટકા હિસ્સો તથા રૂ.978 કરોડની આવક સાથે ટોચ પર છે. આ સમયગાળા દરમિયાન વોડાફોન 29.38 ટકા હિસ્સો અને રૂ. 636 કરોડની આવક સાથે બીજા નંબરે છે. ભારતી એરટેલ અને બીએસએનએલ અનુક્રમે 15 ટકા અને 9 ટકા હિસ્સો ધરાવે છે તથા સપ્ટેમ્બર 2020 સુધીના ત્રિમાસિક ગાળામાં આવક અનુક્રમે રૂ. 331 કરોડ અને રૂ. 192 કરોડ છે.