ફિર હેરાફેરીની જમાવટ:35 દિવસમાં પૈસા ડબલ કરવા છે ?

દિલ્લી પોલીસ દ્વારા હેરાફેરી કરી લોકોના નાણા સેરવી જતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મોબાઈલ એપ્લિકેશન મારફત લોકોને પૈસા ડબલ કરવાની લોભામણી લાલચો આપીને નાણાંની છેતરપિંડી આચરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ હાલ સુધીમાં આ ગેંગ દ્વારા ભારતીય પાંચ લાખ લોકોના દોઢ સો કરોડથી વધુની રકમની ઉચાપત કરી લેવામાં આવી છે.

લોકડાઉનના સમયગાળામાં જ્યારે લોકોના ઉદ્યોગ-ધંધા- વેપાર બંધ અવસ્થામાં હતા તે સમયે મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી ઘરે બેઠા પૈસા કમાવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી. જેને જોઈને લોકોને એવું લાગ્યું કે, તેઓ ઘરે બેઠા પૈસા કમાઈ શકશે પરંતુ આ એપ્લિકેશન મારફત પૈસાનું રોકાણ કરનારા લોકોને સહેજ માત્ર પણ ખ્યાલ ન હતો કે આ ફક્ત એક છેતરપીંડી છે, જે સરહદ પાર ચીનમાંથી કરાઈ રહી છે.

ચીનમાં બેસી ભારતીયોને ચુનો લગાવતી એપ્લિકેશનના ૧૧ હેન્ડલરોન8 ધરપકડ કરતી દિલ્લી સાઇબર સેલ

 

દિલ્હી પોલીસની સાયબર સેલ દ્વારા ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જે ચીનમાં બેઠા-બેઠા લોકોના નાણા સેરવી ગયા છે. ફક્ત દોઢ મહિનાના સમયગાળામાં જ આ ભેજાબાજોએ ૫ લાખ ભારતીય નાગરિકોના ૧૫૦ કરોડો રૂપિયાની ઠગાઇ કરી છે. તપાસ દરમિયાન આ રકમ હજુ વધે તેવી પણ શક્યતા છે.

આ મામલામાં દિલ્હી પોલીસની સાઇબર સેલ દ્વારા ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ચાઈનીઝ એપ મારફત છેતરપિંડી કરાઇ હોવાનો કબૂલાત આપવામાં આવી છે.  ખરેખર દેશમાં આ સમયે ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓમાં પણ ખૂબ જ ઝડપી વધારો થઇ રહ્યો છે ત્યારે પોલીસ તંત્રનું સાયબર સેલ પણ આ મુદ્દે એક્ટિવ હોવાથી વર્ષ ૨૦૨૧ની શરૂઆતમાં પોલીસે બે ચાઈનીઝ એપ પર કાર્યવાહી પણ કરી હતી તેમ છતાં પણ ચાઈનીઝ ભેજાબાજો નાણા રળવા ફાંફા મારી રહ્યા છે. નોંધનીય બાબત છે કે, આ એપ મારફત લોકોના પર્સલન ડેટાની પણ ચોરી કરવામાં આવે છે.

સાયબર સેલના ડીસીપી અયેશ રોયના મત મુજબ, મેં મહિના પોલીસને જાણ થઈ કે, પ્લેસ્ટોર પર રહેલી પાવર બેંક, સન ફેકટ્રી, ઇઝી પ્લાન નામની એપ્લિકેશન ઉપલબ્ધ છે જે ખૂબ ઝડપે ડાઉનલોડ થઈ રહી છે. આ એપના માધ્યમથી લોકો સાથે નાણાકીય છેતરપીંડી કરાઈ રહી છે અને લોકોના ડેટા ચોરીને વિદેશ મોકલાઈ રહ્યા છે. પોલીસે ડમી કસ્ટમર બની આ એપ ડાઉનલોડ કરીને તમામ અભ્યાસ કર્યો હતો જે દરમિયાન ખબર પડી હતી કે, આ એપને ચીન ખાતેથી ઓપરેટ કરાઈ રહ્યું છે.

જે બાદ પોલીસે વિગતો મેળવીને ભારતમાં નેટવર્ક ચલાવવામાં મદદરૂપ થતા બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને એક તિબેટીયન મહિલા સહિત કુલ ૧૧ આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.