Abtak Media Google News

૧૯૨૫માં દશેરા -વિજયાદશમીનાં શુભ દિવસે દીર્ધદ્રષ્ટા કદાવર નેતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સ્થાપના કરીને આભમાં વિજળી ઝબકે એમ પ્રકાશમાં આવ્યા હતા.

એમનું ધ્યેય પ્રજામાં ખાસ કરીને હિન્દુ પ્રજામાં રાષ્ટ્રીય ચારિત્ર્યનું ઘડતર કરવાનું અને હિન્દુ સંસ્કૃતિ તેમજ હિન્દુ પ્રજાના હકકોની રખેવાળી કરવાનું હતુ.

શ્રી હેગડેવાર, ગુરૂ ગોલવાલકર, દેવરસજી, સુદર્શનની, પ્રો. રાજેન્દ્ર ભૈયા, વૈધજી, શેશાદ્રી, વગેરેએ આ મહામોંઘા ધ્યેયને પૂરેપૂરા જોમ, જુસ્સાથી તેમજ આ સંસ્થાના મૂળભૂત મંત્રની અસાધારણ આવડતથી આંદોલિત કર્યા અને હિન્દુસ્તાનને ખૂણે ખૂણે પહોચાડયો.

નગર નગર અને ઘર ઘરમાં એના બુલંદ પડઘા પડયા. શાખાઓની હારમાળા સર્જાઈ… સરદાર વલ્લભભાઈ પટેલ નહેરૂના પ્રધાનમંડળમાં ગૃહપ્રધાન હતા ત્યારે મહાત્મા ગાંધીજીની હત્યાનો કમનશીબ બનાવ બન્યો તે વખતે આ સંસ્થા ઉપર પ્રતિબંધ મૂકાયો, પરંતુ આ સંસ્થા બહૂમતિ કોમ માટે રાષ્ટ્રની એકતા માટે સારી પેઠે ઉપકારક હોવાનું સમજીને આ પ્રતિબંધ ટુંક વખતમાં જ ઉઠાવી લેવાયો અને તે શાખાઓનું સંચાલન ધમધમ્યું. આજ સુધી આ સંસ્થા પ્રબળ બની રહી છે.

ક્રમે ક્રમે તે વિશ્વ હિન્દુ પરિષદ, જનસંઘ (હાલના ભાજપ), બજરંગ દળ, દુર્ગાવાહિની, સ્વાધીનતા વિચારમંચ, સ્વદેશી વિચાર મંચ, ભારતીય મજદૂર સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વગેરે એકમોની માતૃસંસ્થા બની ગઈ.

બાબરી મસ્જીદના ધ્વંસ અને અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના નિર્માણના મુદ્દે ભાજપનું કદ કોંગ્રેસ પક્ષ પછીના મોટા રાજકીય પક્ષ તરીકે ઉપસ્યું…

આજે આપણા દેશમાં શ્રી નરેન્દ્ર મોદીના બડુકા નેતૃત્વ હેઠળ ભાજપ પ્રેરિત એનડીએ સરકાર શાસન કરે છે.

એક તબકકે ભાજપના સીનિયર નેતા અને ગૃહપ્રધાન શ્રી એલ.કે. અડવાણીએ એવો મિજાજ દાખવ્યો હતો કે, અમારી સરકાર આરએસએસના રિમોટ-ક્ધટ્રોલ હેઠળ નથી ચાલતી.

તેમના આ વિધાને હલચલ પણ મચાવી હતી. હવે આ વખતના દશેરા-વિજયાદશમીના શુભ દિને પ્રતિવર્ષની જેમ નાગપૂરમાં યોજાયેલા સંઘના પથ સંચલન કાર્યક્રમમાં સ્વયં સેવક સંઘ આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે મોદી સરકારના વખાણ કર્યા. નાગપૂરમાં વાર્ષિક પથ સંચાલન કાર્યક્રમને સંબોધીત કરતાં મોહન ભાગવતે કહ્યું કે છેલ્લા ઘણા દિવસથી દેશમાં ઘણું બધુ સારૂ ચાલી રહ્યું છે. સરકારે કેટલાંય એવા પગલાં ભર્યા સરકારની પાસે નક્કર નિર્ણય લેવાની ક્ષમતા છે.

આ પ્રસંગે આરએસએસ ચીફ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને સણસણતો જવાબ આપ્યો હતો. ભાગવતે કહ્યું હતુ કે કેટલાક લોકો સંઘ અંગે કોઈ પણ પ્રકારની જાણકારી ધરાવતા જ નથી. તેઓ માત્ર સંઘને જાણ્યા કે સમજયા વગર જ કુપ્રચાર કર્યે રાખે છે.કેટલાક લોકો પોતાની ભૂલો છુપાવવા માટે સંઘને જ કોસે છે. આ મંત્ર ઈમરાન ખાને પણ શીખી લીધો છે. હવે ઈમરાન ખાન પણ આ વાત શીખી ગયા છે.

ઉલ્લેખનીય છેકે જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવ્યા બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વારંવાર ભારત વિરૂધ્ધ ભડકાઉ નિવેદનો આપતા હતા તેઓ જાહેરમાં કેટલીય વખત આરએસએસને લઈ પણ ભડકાઉ ભાષણ આપતા હતા. તેનો આરએસએસ ચીફે દશેરાના દિવસે સણસણતો જવાબ આપી દીધો છે.

તેમના પ્રવચનમાં સંઘની મૂળભૂત નીતિ રીતિનો અને સંઘના મૂળભૂત ધ્યેયનો પડઘો ન પડયાની ટકોર અભ્યાસીઓએ કરી છે. અને એમાં એક પ્રકારની હતાશાની લાગણી પણ દર્શાવાઈ છે.

તેમણે કેન્દ્ર સરકારની કામગીરીની વાહવાહ કરીને અને સરકારની તેમજ વડાપ્રધાનની નીતિ રીતિ તથા સિધ્ધિઓની સ્તુતિ કરીને સંતોષ માન્યો છે. પરંતુ આ દેશની કેટલીક વર્ષો જૂની અને જેમની તેમ લટકતી રહેલી સમસ્યાઓનો ઉલ્લેખ સુધ્ધા કર્યો નથી.

રામમંદિર નિર્માણનું રાજકારણ, દેશની સવા અબજ વસતિ પૈકી ૬૫ ટકા લોકોની કારમી ગરીબાઈ અને બિહામણી કંગાલિયત વિષે, જેણે પહેલાની અને અત્યારની સરકારોને લાંબા યુધ્ધ પછીયે પરાજિત કરી છે તે ભ્રષ્ટાચાર અને મતિભ્રષ્ટતાને દેશની સૌથી મોટી અને રાક્ષસી સમસ્યા વિષે ઉલ્લેખ સુધ્ધાં કર્યો નથી. ગુજરાતમાં દારૂ બંધીની નીતિને કારમી નિષ્ફળતા મળી છે. અને એ વિવાદ સામસામા હાકલા પડકારા સુધી પહોચ્યો હોવા છતાં અને સ્પર્શ સુધ્ધાં નથી કર્યો, રાષ્ટ્રની એકતા ચિંતાજનક રીતે ભિન્ન ભિન્ન થઈ રહી છે. એ સહુથી વિકટ સમસ્યાનો ઉલ્લેખ કર્યો નથી. ગુજરાત રાજય પ્રજાની આંખોમાં પાણી આવે એટલી હદે જંગી દેણામાં ડૂબી રહ્યું છે. એ વિષે પણ તેઓ મૌન રહ્યા છે.

આરએસએસને તો રાષ્ટ્રીય સુરક્ષા અને હિન્દુ સંસ્કૃતિની રખેવાળી કરતી સંસ્થા માનવામાં આવી રાષ્ટ્રીય ચારિત્ર્યના ઘડતરની જવાબદારી પણે એના શિરે છે. એનું પોત પાતળુ પડે એ આ દેશના અને હિન્દુ-હિન્દુસ્તાનના હિતમાં નથી!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.