- બેટ્સમેનોનો ઓવર કોન્ફીડન્સ ટીમ ઈન્ડિયાની હારનું મુખ્ય કારણ
- બેટીંગ પેરેડાઈઝ વિકેટ પર બોલરોનો દબદબોે: ડયુ ફેકટરના કારણે વિકેટ ધીમી પડી ગઈ, બેટ પર બોલ આવવા મુશ્કેલ બન્યા
- ઇંગ્લેન્ડની નવ વિકેટ 147 રનમાં ખેડવ્યા બાદ ભારતીય બોલરો અંતિમ વિકેટ ઝડપવામાં નિષ્ફળ રહેતા જીતની હેટ્રીકનું સપનું રોળાયું
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમની બેટીંગ પેરેડાઈઝ વિકેટ પર ભારત અને ઈગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટી.20 મેચમાં બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. ભારતીય સ્પીનર વરૂણ ચક્રવતીનો ચક્રવાત છતા ઈગ્લેન્ડની ટીમે મેચ જીતી ટી.20 શ્રેણી જીવંત રાખી હતી. ડયુ ફેકટરના કારણે પીચ ધીમી પડી ગઈ હતી. જેના કારણે બેટ પર બોલ આવતા ન હતા.
ભારતના સુકાની સૂર્યકુમાર યાદવે સતત ત્રીજી મેચમાં ટોસ જીતી ઈગ્લેન્ડની ટીમને બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતુ. બેટીંગ વિકેટ પર ભારતીય સ્પીનરોનો દબદબો જોવા મળ્યો હતો. વરૂણ ચક્રવતીએ ચાર ઓવરમાં માત્ર 24 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. ખંઢેરીમાં ટી.20 મેચમાં પાંચ વિકેટ મેળવનાર તે પ્રથમ બોલર બન્યો હતો. 17.1 ઓવરમાં 147 રનના સ્કોર પર ઈગ્લેન્ડની નવમી વિકેટ ખેડવી નાખ્યા બાદ ભારતીય બોલરો ઈગ્લેન્ડને ઓલ આઉટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. અંતિમ વિકેટ માટે મહત્વપૂર્ણ 24 રન ઈગ્લીશ બેટરોએ નોંધાવ્યા હતા. જે ભારતની હારનું બીજુ એક મુખ્ય કારણ બની રહ્યું હતુ. પ્રથમ બે મેચ જીત્યા બાદ ભારતીય બેટસમેનો રાજકોટમાં ઓવર કોન્ફીડન્સમાં જોવા મળ્યા હતા. ઓપનર સેમસન અને સુકાની સૂર્યકુમાર યાદવ વધુ એકવાર ખરાબ શોર્ટ સિલેકશનના કારણે આઉટ થયા હતા 85 રનમાં ભારતની પાંચ વિકેટો ધરાશાયી થઈ જતા ભારતની હાર નિશ્ર્ચિત થઈ ગઈ હતી જયાં સુધી હાર્દિક પંડયા વિકેટ પર ઉભો હતો ત્યાં સુધી જીતની થોડી ઘણી આશા હતી. પરંતુ હાર્દિકના આઉટ થયા બાદ ભારતની આશા પર પૂર્ણ વિરામ મૂકાય ગયું હતુ.
ઈગ્લેન્ડની ટીમે ત્રીજી ટી.20 મેચમા જીત મેળવીને શ્રેણી જીવંત રાખી છે. અંગ્રેજોની જીત છતા પાંચ વિકેટ મેળવનાર ભારતીય સ્પીનર વરૂણ ચક્રવતીને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. હાલ પાંચ ટી.20 મેચની શ્રેણી 2-1 પર ચાલી રહી છે. ચોથી મેચ આગામી શુક્રવારે પૂણેમાં રમાશે.