Abtak Media Google News
પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 74 રને માત આપી, જેમ્સ એન્ડરસન અને ઓલી રોબિન્સને 4-4 વિકેટ ઝડપી

ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ત્રણ મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનો પરાજય થયો છે. અને ઇંગ્લેન્ડએ નાટ્યાત્મક રીતે જીત હાંસલ કરી છે. ઇંગ્લેન્ડના સુકાની બેન સ્ટોક્સે  ચોથા દિવસે 7 વિકેટે 264 રને બીજી ઇનિંગ ડિકલેર કરી દીધી હતી.   પાકિસ્તાનને ચાર સેશનમાં 343 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ત્યારે ઈંગ્લીશ બોલરોએ પાકિસ્તાનને બીજા દાવમાં 268 રનમાં ઓલઆઉટ કર્યું હતું અને 74 રનથી મેચ જીતીને 1-0ની લીડ મેળવી હતી.

પાકિસ્તાન વિરૂદ્ધ રાવલપિંડી ટેસ્ટમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે વિચિત્ર નિર્ણય લીધો હતો. ચાર સેસનની  રમત બાકી હોવા છતાં માત્ર 343 રનનો ટાર્ગેટ આપીને ઇનિંગ્સ ડિકલેર કરાવી હતી. પ્રથમ દાવમાં 657 રન બનાવ્યા બાદ જ્યારે બીજી ઈનિંગમાં ટી ટાઈમ સુધીમાં ટીમનો સ્કોર 7 વિકેટે 264 રન હતો. ઈંગ્લેન્ડે પાંચમા દિવસની પૂર્ણ અને ચોથા દિવસની એક સેશનની રમત અને 343 રનના લક્ષ્યાંક પર મોટો દાવ રમ્યો હતો.

બાબર આઝમ અને પાકિસ્તાને સોમવારે ટેસ્ટ ક્રિકેટમાં શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. રાવલપિંડીમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનનો 74 રનથી પરાજય થયો હતો. પાકિસ્તાને મેચમાં 847 રન બનાવ્યા હતા. ટેસ્ટ મેચમાં 800થી વધુ રન બનાવ્યા બાદ તેને પ્રથમ વખત હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 657 રન બનાવ્યા હતા. તેણે 7 વિકેટે 264 રન બનાવીને બીજી ઇનિંગ ડિકલેર કરી હતી. ત્યારપછી ઈંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સના નિર્ણય પર સવાલો ઉભા થયા, કારણ કે મેચમાં લગભગ 120 ઓવર બાકી હતી. પાકિસ્તાને પ્રથમ દાવમાં 579 રન બનાવ્યા હતા. આ રીતે તેને 343 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બાબરની કપ્તાનીમાં રહેલી પાકિસ્તાનની ટીમ ટાર્ગેટનો પીછો કરતી વખતે 268 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ સાથે ઈંગ્લેન્ડે 3 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. રાવલપિંડી ટેસ્ટની વિશેષતા એ રહી કે અહીં 1768 જેટલા રન પાંચ દિવસમાં બન્યા હોવા છતાં મેચ નું પરિણામ આવ્યું હતું અને ઇંગ્લેન્ડ એ નાટ્યાત્મક રીતે જીત હાંસલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.