ઈંધણમાં પ્રતિલીટરે રૂ.8.50નો ઘટાડો છતા સરકારની તીજોરીને અસર નહીં

આગોતરા આયોજનથી હવે પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટાડો શક્ય

ક્રૂડના ભાવ તળિયે હતા ત્યારે કેન્દ્ર સરકારે દુરંદેશી દાખવી લીધેલા પગલાંથી હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત મળે તેવી શક્યતા

એક્સાઇઝ ઘટાડાય તોય બજેટમાં રાખેલો આવકનો અંદાજ બગડશે નહીં

પેટ્રોલ ડીઝલ ના ભાવ અત્યારે ઐતિહાસિક ઊંચાઈએ છે. જેના કારણે લોકો તોબા પોકારી ચૂક્યા છે. છેલ્લા નવ મહિનાથી ઇંધણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, વર્તમાન સમયે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 91.17 છે જ્યારે બીજા 81 રૂપિયા પ્રતિ લીટર નજીક વેચાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સરકારે પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટી શકે તે માટે આયોજન ઘડી કાઢ્યું છે.

અલબત, આ આયોજનના પાયા તો મહિનાઓ પહેલા નખાયા હતા. જ્યારે સરકારે ક્રૂડ સૌથી નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું ત્યારે દરિયામાં તેમજ વિદેશમાં જગ્યાઓ ભાડે રાખીને તેનો સંગ્રહ કર્યો હતો. આગોતરા આયોજનના ભાગ રૂપે તે સમયે એક્સાઇઝ ડ્યુટી પણ વધારવામાં આવી હત.  આ તમામ કરવેરામાંથી થયેલી આવક કોરોના મહામારીમાં અપાયેલા રાહત પેકેજોની સહિતની કામગીરીમાં વપરાઈ હતી પરિણામે દેશ કોરોના મહામારી અને લોકડાઉનમાં પણ ખડે પગે રહી શક્યો હતો. જોકે, હવે ક્રૂડના ભાવ 67 ડોલર નજીક પહોંચી ગયા છે ઉપરાંત પેટ્રોલ-ડીઝલના ભાવ પણ સતત વધ્યા છે, હવે તે સમયે કરેલા આગોતરા આયોજનની રાહત મળશે. એકંદરે આંકડા મુજબ સરકારે પેટ્રોલ અને ડીઝલમાં સરેરાશ સાડા આઠ રૂપિયાનો ઘટાડો કરે તો પણ તિજોરી ઉપર પણ આવશે નહીં.

નિષ્ણાંતોનું કહેવું છે કે, પેટ્રોલ અને ડીઝલમાં સાડા આઠ રૂપિયા  એક્સાઇઝ ડ્યુટીનો ઘટાડો કરવા છતાં સરકારે ધારેલા રૂપિયા 3.14 લાખ કરોડના ટાર્ગેટને પહોંચી વળાશે. બજેટમાં કેન્દ્ર સરકારે ઈંધણ પરની એક્સાઇઝથી રૂપિયા 3.14 લાખ કરોડની આવક થશે તેવી ધારણા રાખી હતી. જ્યારે અત્યારે જે આવક થાય છે તેનાથી સરેરાશ રૂપિયા 4.35 લાખ કરોડની આવક થઈ શકે તેવી આશા છે. હવે આવી સ્થિતિમાં આગામી 1 એપ્રિલથી રૂપિયા 8.5 નો ઘટાડો ઇંધણમાં થાય તો પણ તિજોરીને ભારણ આવશે નહીં. વર્ષ 2020ના માર્ચથી મે મહિના દરમિયાન પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઈઝ ડ્યૂટી અનુક્રમે રૂપિયા 13 અને રૂ 16 જેટલી વધારાઇ હતી. જેના કારણે અત્યારે આ ડ્યુટી અનુક્રમે રૂપિયા 31.8 અને રૂપિયા 32.9 જેટલી છે.

ઉલ્લેખનીય છે કે પેટ્રોલમાં પ્રતિલીટરે જે ભાવ ચુકવવામાં આવે છે તેમાંથી 60 ટકા હિસ્સો રાજ્ય અને કેન્દ્ર સરકારના ટેક્સના કારણે થાય છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટરે રૂ 100 સુધી પહોંચી ચૂક્યો છે. જોકે હવે સરકારની તૈયારી થી કેટલીક રાહત મળે તેવી શક્યતા પણ છે વર્ષ 2014ના નવેમ્બર મહિનાથી 2016ના જાન્યુઆરી મહિના સુધીમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર તબક્કાવાર નવ વખત એક્સાઇઝ વધારો કર્યો હતો. આ ઉપરાંત અન્ય કરવેરા પણ લાદવામાં આવતાં હોય છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાના પગલે સેન્સેક્સ 800 પોઈન્ટ ગગડ્યો

શેરબજારમાં આજે મસમોટું ગાબડું પડી જતાં રોકાણકારોના શ્વાસ થંભી ગયા હતા. આજે સેન્સેક્સ 800 નીચે સરકી ગયો હતો. જેની પાછળ પેટ્રોલ-ડીઝલમાં થનારા ભાવ ઘટાડાના પગલે સરકારની આવક વધશે તે ઉપરાંત વિદેશી ભંડોળ અટકશે તેવી ભીતિ છે.

આ ઉપરાંત રૂપિયો મજબૂત થયો છે જેના કારણે પણ શેરબજાર ઉપર અસર થવા પામી છે. સામાન્ય રીતે શેરબજારને અર્થતંત્રનું બેરોમીટર ગણવામાં આવે છે. લાંબા ગાળાની અસરોથી નાના-મોટા ઉછાળા આવી જાય છે. વર્તમાન સમયે વધુ વોલેટાઇલ છે. પરિણામે પાંચસોથી સાતસો પોઇન્ટનો ઉતાર-ચઢાવ સામાન્ય થઇ જવા પામ્યો છે. ગઈકાલે સેન્સેક્સ 1200 પોઈન્ટ ઉછળ્યો હતો જ્યારે આજે ખૂલતાની સાથે જ 800 જેટલો પટકાયો પણ હતો આવું ભૂતકાળમાં અનેક વખત બની ચૂકયું છે.

આ લખાય છે ત્યારે સેન્સેક્સ 666 પોઇન્ટના કડાકા સાથે 50,781ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે આ ઉપરાંત નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો કડાકો થવા પામ્યો છે. એસીસી, અદાણી પોર્ટ, ઐરોફાર્મ સહિતના શેર ગ્રીન ઝોનમાં છે જ્યારે એશિયન પેઇન્ટ, એક્સિસ બેન્ક જેવા શેર તૂટી જવા પામ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય શેરબજારમાં આ સપ્તાહે આવેલી રિકવરીને પગલે બજાર મૂડીકરણમાં તીવ્ર ઉછાળો આવ્ય હતો આજે બીએસઇ ખાતે ટ્રેડેટ કંપનીનું એમ-કેપ રૂપિયા 3.50 લાખ કરોડ વધીને રૂપિયા 210 લાખ કરોડ થયું હતું.

રોકાણકારોએ સૌથી વધારે સરકારી બેન્ક અને મેટલ સેક્ટરના શેરોમાં ખરીદી નોંધાવી હતી. જેથી નિફ્ટી પીએસયુ બેન્ક અને મેટલ ઈન્ડેક્સ 3-3 ટકા સુધારા સાથે નીચે હતા. આજે પણ સેન્સેક્સમાં બોલી ગયેલા કડાકાના પગલે રોકાણકારોની સંપત્તિમાં મોટું ધોવાણ થવા પામ્યું છે. વહેલી સવારે જ ઉધાડતી બજારે જ કડાકો બોલ્યો હતો. ગઈકાલે ફુલ ગુલાબી તેજી જોવા મળી હતી આજે રોકાણકારોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટાડા માટે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની વિચારણા હાથ ધરી છે. જો એક્સાઇઝ ડ્યુટી ઘટી જાય તો સરકારની તિજોરી ઉપર અસર થશે તેવી ધારણા છે. આવક ઘટતાં વિકાસકાર્યો ઉપર પણ અસર થઈ શકે છે જેથી આજે બજાર ગગડ્યું છે