પં.બંગાળમાં ભાજપનો ભવ્ય દેખાવ છતાં ‘મમત્વની વ્હીલચેર’ મમતાને ‘ચેર’ પર બેસાડશે ?

0
66

એક્ઝિટ પોલમાં દક્ષિણમાં ડીએમકે, એનડીએની જીત: ભાજપની મજબૂત સ્થિતિ સામેે કોંગ્રેસ સાવ મુકાયું હાંસીયામાં

સમય, કાળ અને સ્થિતિ ક્યારેય યથાવત રહેતા નથી… રાજકારણમાં નથી હોતુ કોઈ મિત્ર કે શત્રુ હોય છે તો માત્ર હિત જ. પશ્ર્ચિમ બંગાળમાં ગઈકાલે યોજાયેલા અંતિમ તબક્કાના મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલમાં કરવામાં આવેલી આગાહીમાં આસામમાં એનડીએ, કેરળમાં એલડીએફ અને તામિલનાડુમાં ડીએમકેની આગેવાનીમાં મોરચો કાઠુ કાઢશે. જ્યારે પશ્ચિમ બંગાળમાં કોની સરકાર રજાશે તે અંગે એક્ઝિટ પોલમાં ‘એક્ઝેટ’ તારણ આવ્યું નથી. એક્ઝિટ પોલના વરતારામાં કોંગ્રેસ અને એઆઈએ ડીએમકેના રકાશ અને ભારે ધોવાણનો સીધો લાભ ભાજપ અને ડીએમકેને મળશે અને અનેક જગ્યાએ ડાબેરીઓની સ્થિતિ મજબૂત બને તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપનો ભવ્ય દેખાવ સામે આવ્યો છે છતાં મમતા બેનર્જીના મુળભૂત રાજકીય પ્રભાવના કારણે પશ્ચિમબંગાળમાં આગામી સરકાર મમતા બેનર્જીની જ થાય તેવી શકયતાઓ દેખાઈ રહી છે. પશ્ચિમ બંગાળની રાજકીય પરિસ્થિતિ જોઈએ તો પ્રથમ 2 ઓક્ઝિટ બોલમાં તૃણમુલ કોંગ્રેસને 294 બેઠકોની વિધાનસભામાં સ્પષ્ટ બહુમતિ આવે તેવું જ્યારે એકમાં ભાજપનો પલડુ ભારે અને જીતનો દાવો કરવામાં આવ્યો છે. ભાજપ અને તૃણમુલ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર અને ખુબજ પાતળી સરસાઈથી જીત, પરાજયની સમીકરણો વચ્ચે જો તમામ ડાબેરીઓ એક થાય તો ગઠબંધનની સરકારની પણ શકયતાઓ ઉભી થઈ છે. કોંગ્રેસ અને અપક્ષો આ વિસ્તારમાં નિર્ણાયક બને તેવું દેખાઈ રહ્યું છે.

આસામમાં 126 બેઠકોમાંથી એનડીએ 58 થી 71, યુપીએ 53 થી 66 અને અન્યના ભાગે 2 રહેશે. કેરળમાં 140 બેઠકોમાંથી એલડીએફને 71 થી 77, યુડીએફને 62 થી 67, એનડીએને 2, તામિલનાડુમાં 234 બેઠકોમાં ડીએમકે 160 થી 172, એડીએમકે 58 થી 70 અન્ય અન્યને  3 થી 7 બેઠકો મળે તેવું દેખાઈ રહ્યું છે. પશ્ર્ચિમ બંગાળમાં 294 બેઠકોના જંગમાં તૃણમુલ કોંગ્રેસને 152 થી 164, ભાજપને 109 થી 121 અને ડાબેરી અને કોંગ્રેસને 14 થી 25 બેઠકો મળે તેવો વરતારો આપવામાં આવ્યો છે.

ટાઈમ્સ નાવ સી વોટર, ઈન્ડિયા ટુડે એક્સિસ, રિપબ્લીક સીએનએક્સ અને ટુ ડે ચાણક્યના ચાર એક્ઝિટ પોલમાં સરેરાશ એક જેવું જ વલણ આપવામાં આવ્યું છે. ટાઈમ્સ નાવમાં ટીએમસીને 152 થી 164 બેઠકો અને ભાજપને 109 થી 121 બેઠક  આવે તેવું દેખાઈ રહ્યું છે. જ્યારે ચાણક્યમાં ટીએમસીને 169 થી 191 અને ભાજપના ફાળે 97 થી 119 બેઠકોની હિમાયત કરવામાં આવી છે. ઈન્ડિયા ટુ ડેમાં ટીએમસીને 130 થી 156 અને ભાજપને 134 થી 160 બેઠકો મળતી હોવાનું દેખાય છે. જો આ વરતારો સાચો પડે તો ભાજપ માટે ખુબજ લાભના સમીકરણો દેખાય છે. જો કે દરેક એક્ઝિટ પોલમાં આસામમાં એનડીએના વિજયને વરતાવવામાં આવ્યું છે. 2016ની જેમ જ શાસક ગઠબંધનને ફરીથી મોકો મળે તેવું દેખાઈ રહ્યું છે. કેરળમાં 4 માંથી 2, એક્ઝિટ પોલમાં એલડીએફ અને અન્ય એક્ઝિટ પોલમાં સત્તાધારી ગઠબંધનને બહુમતિમાં ઘટાડા સાથે સત્તા સાચવી રાખવામાં સફળતા મળશે તેવું દેખાઈ રહ્યું છે. તામિલનાડુમાં ડીએમકેની આગેવાનીમાં એઆઈએ ડીએમકેનો વિકલ્પ બની શકે અને એમકે સ્ટાલીનની આગેવાનીમાં ચૂંટણી લડનાર ગઠબંધને 234 માંથી 160 બેઠકો મળે તેવું દેખાઈ રહ્યું છે.

તૃણમુલ કોંગ્રેસે પશ્ર્ચિમ બંગાળમાં વિજયનો વિશ્ર્વાસ વ્યકત કર્યો છે. બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જી મુખ્યમંત્રી તરીકેની હેટ્રીક નોંધાવશે જ તેવો દાવો કરવામાં આવ્યો છે. તૃણમુલ કોંગ્રેસે જણાવ્યું હતું કે, આ વખતની ચૂંટણીમાં અનેક અવરોધો અને ગંદુ રાજકારણનું કાદવ ઉછાળવામાં આવ્યું છતાં ટીએમસી સામે ભાજપ અને ચૂંટણીપંચનું ગઠબંધન હારી જશે. ટીએમસીના રાજ્ય સભાના સાંસદ ડેરેક બેરેને એક્ઝિટ પોલના તારણો પર કોઈપણ જાતની ટીપ્પણી કર્યા વગર ટીએમસીને સત્તા મળશે તેવો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.

પશ્ચિમ બંગાળમાં કોરોના કટોકટી અને ભારે રાજકીય પ્રતિસ્પર્ધા વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસની સાથે સાથે ભાજપે પણ પોતાના વિજયનો વિશ્ર્વાસ વ્યકત કર્યો છે. ઓપીનીયન પોલમાં ભાજપને 200 પ્લસ બેઠકો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 21 ચૂંટણી સભાઓ, ગૃહમંત્રી અમીત શાહે બંગાળ ઉપર ખાસ ધ્યાન  આપ્યું છે તેવા સંજોગોમાં ભાજપનો પ્રભાવ વધ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તૃણમુલ કોંગ્રેસે વિશ્ર્વાસ વ્યકત કર્યો છે કે, મમતા બેનર્જીની વ્હીલચેર અવશ્યપણે મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચી જ જશે. એક્ઝિટ પોલમાં સ્પષ્ટપણે વરતારો કરવામાં આવ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં ભાજપનો ભવ્ય દેખાવ છતાં મમત્વનું વ્હીલચેર મમતાને ખુરશી પર બેસાડશે કે કેમ તે બીજી મે એ સ્પષ્ટ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here