Abtak Media Google News

કાયદો અને વ્યવસ્થાએ વિકાસના અગત્યના પરિબળ: આવનાર પેઢી માટે રાજયને લેન્ડ ઓફ ઓપર્ચ્યુનિટી બનાવવા સરકાર પ્રતિબધ્ધ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની રાહબરી હેઠળ રાજયસરકારને પૂર્ણ કરેલ પાંચ વર્ષની અવધિને ઉજવવા માટે રાજકોટ શહેર ખાતે વિવિધ વિકાસકામોના શ્રેણીબધ્ધ આયોજન કરાયા હતા. શહેર પોલિસ દ્વારા રામનાથપરા પોલિસ લાઇન ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સાફ વાત કરી હતી કે, છેલ્લા એક વર્ષથી શહેરભરમાં લગાવાયેલા કલોઝ સર્કીટ ટી.વી.કેમેરાથી ગુનાઓનો ડીટેકશન રેટ ઉંચો આવ્યો છે, અને શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ નોંધનીય રીતે ઘટવા પામ્યું છે.

પોલિસ દ્વારા જાળવવામાં આવતી કાયદો અને વ્યવસ્થાની મહત્તા સ્વીકારતાં કહયું કે, કોઇ પણ પ્રદેશના વિકાસમાં કાયદો અને વ્યવસ્થા એ અગત્યના પરિબળો છે, જેની જાળવણીથી જ વિકાસ શકય બને છે. આ બાબતના સમર્થનમાં તેમણે પોલિસ વિભાગની ઉમદા કામગીરીના ઉદાહરણો પણ ટાંકયા હતા. આવનારી પેઢી માટે “લેન્ડ ઓફ ઓપર્ચ્યુનિટી” બનાવવા રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા દોહરાવી હતી, અને ઉમેર્યું હતું કે, સમગ્ર દેશમાં વિકાસની બાબતમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહે, તે વાતનું તેમને મન ખૂબ મહત્વ છે.

Vijay Rupani 1

રાજયની પોલિસ માટે રાજયસરકારે ઉપલબ્ધ બનાવેલી વિવિધ સવલતો નો ઉલ્લેખ કરતાં રૂપાણીએ જણાવ્યું હતું કે, વિવિધ વિસ્તારોમાં ડ્રોન્સ, એન્ટીડ્રોન્સ અને પોલિસ માટે બોડી કેમેરાની વ્યવસ્થા કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. તેમણે વધુમાં કહયું હતું કે, ટૂંક સમયમાં જ રાજયના તમામ પોલિસમેન માટે કરાનારી બોડી કેમેરાની વ્યવસ્થા થકી પોલિસમેનની વર્તણૂક પર નિયંત્રણ રાખી શકાશે, જેનાથી પોલિસ અને આમજનતાના સંબંધો વધુ ગાઢ બનશે. અને લોકોના પોલિસ પરના વિશ્વાસમાં વૃધ્ધિ થશે. કોરોના વોરિયર્સ તરીકેની પોલિસ વિભાગની કામગીરીની  પ્રશંસા કરી  તાજેતરમાં જ પોલિસકર્મીઓ માટે બનાવવામાં આવેલા બે બેડરૂમવાળા આવાસો થકી પોલિસ કર્મચારીઓનું જીવન વધુ સગવડદાયક બનશે, એવો પણ તેમણે વિશ્વાસ વ્યક્ત  વિજયભાઈએ કર્યો હતો.

પોતાના જન્મદિવસ નિમિત્તે બાળકોને ભેટ અર્પણ કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રામનાથપરાની જૂની જેલમાંથી નવું સંસ્કરણ પામેલ કોમ્યુનિટી હોલનું તક્તિ અનાવરણ કરી ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે તેમણે જૂની જેલ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. આ પ્રસંગે તેમણે રાજયભરમાં છેલ્લા પાંચ વર્ષમાં અમલી બનાવાયેલા વિવિધ નવા કાયદાઓની વિગતો ટુંકમાં વર્ણવી હતી. અને આ કાયદાઓની કડક અમલવારીથી સુધરેલી સ્થિતિનું બયાન કર્યું હતું. મુખ્યમંત્રીના આગમન સમયે રાજકોટ શહેર પોલીસ દ્વારા  ગાર્ડ ઓફ ઓનર પેશ કરવામાં આવ્યું હતું. જન્મદિવસ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા પાઘડી, પ્રશસ્ય કામગીરી કરનાર પોલીસ કર્મીઓ તથા તલવાર અને તુલસીદલ એનાયત કરાયા હતા.

શહેર પોલીસ દ્વારા કાર્યરત કરાયેલી વિઝિટર્સ મેનેજમેન્ટ સીસ્ટમ-“સંપર્ક”નું વિજયભાઈએ  લોકાર્પણ કર્યું હતું. તથા રાજકોટ ખાતે નાર્કોટિક સેલ્સ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલના શુભારંભ કરાવ્યા હતા. કોરોનાના સમયમાં પ્રશસ્ય કામગીરી કરનાર પોલીસ કર્મીઓને સહાય વિતરણ, શહેરના જાગૃત નાગરીકોનું સન્માન કરવા સાથે બાન લેબ્સના એમ.ડી.  મૌલેશભાઈનુ મુખ્યમંત્રી વિજયભાઈએ સન્માન કર્યું હતુ. શહેર પોલીસના સાયબર સેલની મુલાકાત લીધી હતી. અને વિઝીટબૂકમાં નોંધ પણ કરી હતી. 65 મા જન્મદિવસ નિમિત્તે 65 થેલેસેમિયા પીડિત બાળકો સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી હતી. અને આ પ્રસંગે યોજાયેલા રકતદાન કેમ્પમાં 65 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું.

Vijay Rupani 3

શહેર પોલીસ દ્વારા રોક ક્લાઈમ્બિંગ કરી શહેર પોલીસના બેનરનુ અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનનું પણ મુખ્યમંત્રીએ  નિરીક્ષણ કર્યું હતું. આમંત્રિતોના હસ્તે દીપપ્રાગટ્યથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સ્વાગત પ્રવચનમાં આજના કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થનાર વિવિધ પ્રકલ્પોની માહિતી આપી હતી. રામનાથપરા પોલીસ લાઈનના પ્રાંગણમાં  વૃક્ષારોપણ કર્યું હતું. કોરોના કાળમાં  શહેર પોલીસે કરેલી સરાહનીય કામગીરીની રજૂઆત કરતી પુસ્તિકાનું મુખ્યમંત્રી તથા આમંત્રિતોના હસ્તે વિમોચન કરાયું હતું. રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીના જીવન પર બનેલી ડોક્યુમેન્ટરી “કસુંબીનો રંગ”નું પણ વિમોચન કર્યું હતું.

આ કાર્યક્રમમાં સંસદ સભ્ય  મોહનભાઈ કુંડારીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, ધારાસભ્યો  ગોવિંદભાઇ પટેલ,  અરવિંદભાઈ રૈયાણી તથા  લાખાભાઈ સાગઠીયા, મેયર  પ્રદીપ ડવ તથા ડેપ્યુટી મેયર શ્રીમતી દર્શિતાબેન શાહ, અગ્રણી શ્રીમતી અંજલીબેન રૂપાણી,  નીતિન ભારદ્વાજ, તથા  કમલેશભાઈ મીરાણી, કલેકટર અરુણકુમાર બાબુ, રેન્જ આઇ.જી.  સંદીપકુમાર, જોઇન્ટ પોલીસ કમિશનર  ખુરશીદ અહેમદ, મ્યુનિસિપલ કમિશનર અમીત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી  દેવ ચૌધરી, પોલીસ અધિક્ષક બલરામ મીના, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  વી.પી વૈષ્ણવ, ડી.સી.પી. પ્રવીનકુમાર મીના અને  મનોહરસિંહ જાડેજા, પોલીસ કર્મચારીના પરિજનો, સ્થાનિક રહીશો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.