Abtak Media Google News

જામનગરના બિલ્ડર પર ફાયરીંગ કરવાના પ્રકરણમાં ઝડપાયેલા ત્રણ શખ્સે રિમાન્ડ દરમ્યાન આપેલી વિગતના આધારે ગઈકાલે વધુ એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. તેના એલસીબીએ ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

જામનગરના લાલપુર બાયપાસ પાસે આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પ્લોટ ખરીદી બાંધકામ કરાવતા ગીરિશભાઈ હમીરભાઈ ડેર તા. ૩ની સવારે સાઈટ પર હાજર હતા ત્યારે બે મોટર સાયકલમાં ત્રણ શખ્સ બુકાની બાંધી આવી ચઢ્યા હતાં. જેમાના એક શખ્સે ગીરિશભાઈ પર ફાયરીંગ કર્યું હતું જ્યારે બે શખ્સે હુમલાનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડરે સ્વબચાવમાં પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરતા હુમલાખોરો નાસી ગયા હતાં.

બિલ્ડર પર કુખ્યાત ભૂમાફીયા જયેશ પટેલે હુમલો કરાવ્યાની ફરિયાદ નોંધાવાતા એલસીબીએ તપાસ સંભાળી હતી. તે દરમ્યાન અમદાવાદથી એટીએસની ટુકડીએ ત્રણ શખ્સની અટકાયત કરી એલસીબીને સોંપતા તેઓને સાત દિવસના રિમાન્ડર મેળવાયા હતાં. જેમાં ત્રણેય આરોપીઓએ જયેશે પટેલે રૂ. દોઢ કરોડમાં સોપારી આપ્યાની અને જામનગરના જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, રઝાક સોપારી અને હુસેન દાઉદ ચાવડાના નામ આપ્યા હતાં.

તે પછી સઘન બનેલી એલસીબીની તપાસમાં ગઈકાલે જશપાલસિંહ જાડેજાની એલસીબીએ ધરપકડ કરી છે. તેને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજુ કરાતા અદાલતે તેને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે. પીઆઈ એમ.જે. જલુના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.કે. ગોહિલ, આર.બી. ગોજીયા તથા સ્ટાફે આ આરોપીની ઘનિષ્ઠ પુછપરછ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.