Abtak Media Google News

જામનગરના દરબારગઢ વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં ગઈકાલે એસઓજીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી ૫૨૮ કિલો નકલી ઘીના જથ્થો સાથે બે શખ્સોની અટકાયત કરી છે. આ શખ્સો છેલ્લા બેએક વર્ષથી જુદી જુદી વસ્તુઓ મીક્સ કરી નકલી ઘી બનાવતા હોવાનો પર્દાફાશ થયો છે.

જામનગરના દરબારગઢ બહાર આવેલા ભાવસાર ચકલા નજીક એક રહેણાંક મકાનમાં ભેળસેળયુક્ત ઘી બનાવવામાં આવી રહ્યું હોવાની બાતમી ગઈકાલે જામનગરની એસઓજીના દિનેશભાઈ સાગઠિયા, રમેશ ચાવડા, રવિ બુજડને મળતા ઈન્ચાર્જ પીઆઈ એચ.બી. ગોહિલને વાકેફ કરવામાં આવ્યા પછી એસઓજીનો કાફલો ભાવસાર ચકલા પાસે આવેલા મહંમદસીદીક આરૃન કાસ નામના શખ્સના મકાનમાં ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓને સાથે રાખી ત્રાટક્યો હતો.

આ મકાનની તલાશી લેવાતા ત્યાંથી સિન્થેટીક ફલેવરવાળું એસન્સ, લીલો કલર, હળદરનો પાવડર, વનસ્પતિ ઓઈલ, પામ તેલ વગેરેનો જથ્થો જોવા મળ્યો હતો. એસઓજીએ ઉપરોક્ત ચીજવસ્તુઓ મીક્સ કરી તેમાંથી ઘી બનાવવામાં આવતું હોવાની કાર્યવાહી નીહાળી હતી આથી ડુપ્લીકેટ ઘી બનાવાતું હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી.

આ  સ્થળેથી પામ તેલના સાત ડબ્બા, વનસ્પતિ તેલના ઓગણીસ ડબ્બા, વનસ્પતિ તેલના પાંચ બોક્સ, લીલા રંગનો કલર, એસન્સ ભરેલી બોટલ, પીળા રંગનો હળદર જેવો પાવડર તથા ઉપરોક્ત પર્દાોમાંથી બનાવવામાં આવેલા ઘીના ભરેલા ચુમાલીસ કીટલા ઉપરાંત રાંધણગેસના સાત બાટલા, બે ચૂલા, સ્ટીલનું તપેલું સહિતનો મુદ્દામાલ મળી કુલ રૃા.૩,૩૭,૪૭૦ની ચીજવસ્તુઓ ઝબ્બે કરવામાં આવી હતી.

આ જથ્થો સાથે એસઓજીએ મહંમદસીદીક તથા તેના ભાઈ અમીન હારૃન કાસની અટકાયત કરી બન્ને શખ્સો સામે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૪૦૬, ૨૭૨, ૨૭૩, ૧૨૦ (બી), ખાદ્ય પર્દામાં ભેળસેળ નિવારવા માટેના કાયદાની કલમ- ૧૬ (એ) (બી) હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.