વિકાસની હોડ… આ રીતે બનશે ગ્રીન રાજકોટ ? કાલાવડ રોડ પર 50થી વધુ વૃક્ષોનો થશે નાશ

નાના મવા સર્કલ અને રામાપીર ચોકડી ખાતે બનનારા ઓવર બ્રીજ માટે પણ વૃક્ષોનો સોથ વળે તેવી દહેશત

શહેરના ગૌરવપથ એવા કાલાવડ રોડ પર કે.કે.વી ચોક ખાતે હયાત ઓવરબ્રીજની ઉપર કોર્પોરેશન દ્વારા 91 કરોડના ખર્ચે મલ્ટી લેવલ બ્રીજ બનાવવામાં આવી રહ્યો છે. જેના સર્વિસ રોડના કામ માટે 50 જેટલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવશે. બે દિવસ પૂર્વે રાતો રાત ગાર્ડન શાખાએ 12 જેટલા વૃક્ષો કાપી નાખ્યા બાદ ગત મધરાત્રે વધુ એકાદ ડઝન વૃક્ષો પર કરવત ફેરવી દેવામાં આવી હતી. બીજી તરફ નાના મવા સર્કલ અને રામાપીર ચોકડી ખાતે બનનારા ઓવરબ્રીજના કામ માટે પણ અનેક વૃક્ષોનો સોથ વાળી દેવાય તેવી દહેશત પણ ઉભી થવા પામી છે.

શહેરના કે.કે.વી ચોકમાં બ્રીજ ઉપર મલ્ટી લેવલ બ્રીજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના માટે ઈજનેરો દ્વારા પ્રિન્સેસ સ્કૂલથી લઈ સેન્ટમેરી સ્કૂલ સુધી રોડની બન્ને બાજુએ આશરે 50 જેટલા વૃક્ષો કાપી નાખવા માટે ગાર્ડન શાખાને યાદી મોકલી દેવામાં આવી છે. બે દિવસ પૂર્વે રાતો રાત ગાર્ડન શાખા દ્વારા અઢી દાયકાથી લોકોને છાયડો આપી રહેલા 12 જેટલા વૃક્ષોનું નિકંદન કાઢી નખાયા બાદ ગત મધરાત્રે જાણે મોટુ ઓપરેશન પાર પાડવા માટે જવાનું હોય તે રીતે કોર્પોરેશનનો કાફલો ત્રાટક્યો હતો અને કાલાવડ રોડ પર વધુ 10 થી 12 જેટલા વૃક્ષોને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હજુ ગાર્ડન શાખા જાણે છાતી ઠોકી કહી રહ્યું છે કે હજુ બ્રીજના નિર્માણ માટે નડતરરૂપ વૃક્ષો જ્યારે હટાવાની જરૂર પડશે ત્યારે અમે વૃક્ષો કાંપતા જરા પણ અચકાશું નહીં. એક બ્રીજ માટે 50 જેટલા વૃક્ષોનું નિકંદન નિકળી જશે તો બીજી તરફ નાના મવા સર્કલ, રામાપીર ચોકડી ખાતે બનનારા બ્રીજ માટે પણ વૃક્ષ કાપવા પડે તેવી દહેશત હાલ જણાય રહી છે. વિકાસન નામે જાણે પર્યાવરણનો વિનાશ નોતરી રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.