વ્યક્તિ, સંસ્થા કે પક્ષ શિસ્તથી જ વિકાસ શક્ય

શિસ્ત શબ્દ વિદ્યાર્થી કાળથી વ્યક્તિ સાથે જોડાયેલો હોય છે. ‘શિસ્ત’  શબ્દનો અર્થ  નિયમબદ્ધ રીતે વર્તણૂક કરવું એવો થાય છે. નાનપણથી શાળાઓમાં શીખવવામાં આવે છે કે શિસ્તનું પાલન કરવું જોઈએ જેમાં અલગ અલગ ઘણી વસ્તુઓ શીખવા મળે છે. જેમ કે શાળાઓમાં શિસ્તનું પાલન કઈ રીતે કરવું તેમાં શીખવાડવામાં આવે છે કે, શિક્ષકોને માન આપવું, હંમેશા સત્ય બોલવું, કોઈને પોતાનાથી તકલીફ નાં થાય એનું ધ્યાન રાખવું, બધાં મિત્રો સાથે વિનય અને વિવેકથી વાત કરવી વગેરે. વિદ્યાર્થી કાળથી જ બાળકોને આવા નાના શિસ્તના મુદાઓ શીખવવામાં આવે છે. જેથી મોટા થઈને તેઓ શિસ્તના સંપૂર્ણ આગ્રહી બની શકે.

શિસ્ત એટલે સ્વ-શાસન. જીવનમાં આવતી દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને સમજણથી નિયંત્રિત કરવી! પોતાની પાસે રહેલા જ્ઞાન અને સમજણશક્તિ દ્વારા પરિસ્થિતિને અનુરૂપ વર્તન કરવું જોઈએ.

શિસ્તના બે પ્રકાર જોવા મળે છે. એક છે આંતરિક શિસ્ત. અને બીજી છે બાહ્ય શિસ્ત. આંતરિક શિસ્ત એટલે સ્વ-નિયંત્રણ. પોતાની પાસે રહેલા જ્ઞાન અને સમજણ શક્તિ દ્વારા પરિસ્થિતિને અનુરૂપ વર્તન કરવું એટલે આંતરિક શિસ્ત.  જ્યારે બાહ્ય શિસ્ત એટલે કોઈના કહેવા પ્રમાણે અથવા કોઈ નિયમને અનુસરીને કરવામાં આવતું વર્તન. વ્યક્તિ ગમે તેટલું ભણેલું હોય,ગમે તેવી નોકરી કરતો હોય પણ જ્યાં સુધી તે વ્યક્તિના જીવનમાં શિસ્તનું અનુસરણ ના થાય ત્યાં સુધી તેની કોઈ પણ સિદ્ધિ કામની હોતી નથી.

કોઈ પણ વ્યક્તિ હોય કે સંસ્થા કે પછી પક્ષ હોય શિસ્ત ખૂબ જરૂરી છે. તેના વગર વિકાસ શક્ય જ નથી. સંસ્થા કે પક્ષની વાત કરીએ તો તેમાં રહેલા વ્યક્તિઓ જો જાતે આંતરીક શિસ્ત દાખવે તો તેનો પોતાનો પણ વિકાસ થાય છે.પણ જો બાહ્ય શિસ્ત દાખવે એટલે કે બીજાના કહેવાથી શિસ્તનું અનુકરણ કરે તો સંસ્થા કે પક્ષનો વિકાસ થાય છે.

રાજકીય પક્ષોમાં શિસ્ત વિશે વાત કરીએ તો કોંગ્રેસને ઘણું સહન કરવાનો વારો આવ્યો છે. તેની પાછળ ગેરશિસ્ત જ જવાબદાર છે. જ્યારે ભાજપ શિસ્તને આગ્રહી રહી એટલે આગળ છે. જ્યાં જ્યાં ભાજપે શિસ્ત ચુકી છે ત્યાં તેને પણ સહન કરવું પડ્યું છે. બીજુ કે ભાજપે સંગઠનમાં જે શિસ્ત દાખવી છે એના કારણે જ આજે દેશભરમાં તેનો ફેલાવો શક્ય બન્યો છે.