- અનેક સંતો મહંતો સામાજિક રાજકીય આગેવાનો શોભાયાત્રા અને ધર્મસભામાં ઉપસ્થિત રહ્યા
ઐતિહાસિક નટેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવજીના પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શનિવારે એક ભવ્ય શોભાયાત્રા અને દિવ્ય ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા, અને વરુણદેવના અમી છાંટણાથી માહોલ વધુ ભક્તિમય બન્યો હતો. શોભાયાત્રાના પ્રારંભ પહેલાં જ થયેલા વરસાદે ધરતી પર શીતળતા અને પવિત્રતાનો સ્પર્શ કરાવ્યો, જેનાથી રાજકોટના રાજમાર્ગો ભક્તિમય બની ગયા. મનોજ મારુ અને સુરુભા જાડેજાના દેખરેખ હેઠળ જીર્ણોદ્ધાર થયેલા આ મંદિરમાં હવે એક સુંદર શીખરબંધ મંદિરનું નિર્માણ થયું છે, જે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
શેઠ હાઈસ્કૂલથી પ્રસ્થાન થયેલી ભવ્ય શોભાયાત્રામાં ’હર હર મહાદેવ’ના નાદ સાથે ડીજેના તાલે ભજનો અને રાસમંડળીઓની રમઝટ જામી હતી. આ શોભાયાત્રા રાજકોટના મુખ્ય રાજમાર્ગો જેવા કે સોરઠીયાવાડી સર્કલ, પવનપુત્ર હનુમાન ચોક થઈને 80 ફૂટ રોડ ઉપર થઈ ભક્તિનગર સર્કલથી મંદિર સુધી પહોંચી હતી. આ દરમિયાન, ઠેર ઠેર ફૂલોનો વરસાદ કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જે લોકોની અપાર શ્રદ્ધા અને ઉત્સાહ દર્શાવતું હતું.
મહાદેવજીના પુન: પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે યોજાયેલી ધર્મસભામાં સંત સમુદાયના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં હિન્દુ ધર્મ આચાર્ય સભાના મહાસચિવ સ્વામી પરમાત્માનંદજી સરસ્વતીજી, બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના બ્રહ્મ તીર્થ સ્વામી, ગુરુકુલ સ્વામિનારાયણ મંદિરના દેવકૃષ્ણ સ્વામી, મુખ્ય સ્વામિનારાયણ મંદિર રાજકોટના રાધા રમણ સ્વામી, જગતગુરુ ગંગાચાર્ય પીઠાધીશ્વર પંચના અખાડા (મુજકુદ ગુડા) જૂનાગઢના મહેન્દ્ર નંદગીરીજી મહારાજ, પોરબંદરના શ્રદ્ધાનંદ ગીરીજી મહારાજ, બાલાજી મંદિર રાજકોટના વિવેક સાગર સ્વામી, અને આત્મીય કોલેજના ત્યાગવલ્લભ સ્વામીનો સમાવેશ થાય છે. ઉપરાંત રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા, સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિતના અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
સંતો–મહંતોએ આ અવસરે ભાવિક ભક્તોને પોતાના અમૃતમય આશીર્વચન પાઠવ્યા. પરમાત્માનંદજી સ્વામીએ ’ભોળા ભગવાન આશુતોષ’ હોવાની વાત કરીને સંસ્કૃતિ તથા ધર્મ જાળવી સમાજ ઉત્થાનના કાર્યો કરવાથી સનાતન ધર્મનો પ્રચાર–પ્રસાર થશે તેમ જણાવ્યું. સાંસદ પરષોત્તમભાઈ રૂપાલાએ તેમની તળપદી ભાષામાં આ દેશને ઋષિઓ અને સંતો–મહંતોની પાવન ભૂમિ ગણાવી. તેમણે કહ્યું કે દાદામાં કોઈ પ્રોટોકોલ નથી અને સ્વચ્છતા છે ત્યાં જ ભગવાન ભોલેનાથ છે. શ્રદ્ધાનંદજી મહારાજે ’શિવ સૌનો છે’ કહી શિવના સર્વ–કલ્યાણકારી સ્વરૂપનું વર્ણન કર્યું. પુન: પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શુક્રવારથી જ શેઠ હાઈસ્કૂલ ખાતે મહાયજ્ઞ વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં આચાર્ય શાસ્ત્રી હર્ષદભાઈ જે. જોશી તથા ઉપાચાર્ય કિરીટભાઈ ભટ્ટ દ્વારા ત્રણ દિવસ સુધી વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. આ અવસરે હજારો ભક્તોએ ભવ્ય અને દિવ્ય મહાયજ્ઞના દર્શનનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી, અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમિતિના કમિટી મેમ્બર્સ અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
અશોક ભાયાણીના ડાયરાનું આજે સાંજે આયોજન: કૌશિક ટાંક
નટેશ્વર મંદિરના જીર્ણોદ્ધાર અને પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આજા અંતિમ દિવસ છે આ અંગે વધુ માહિતી આપતા કૌશિક ટાંક એ જણાવ્યું હતું કે મહાયજ્ઞ માં આજે બીડું હોમવામાં આવશે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ સાંજે 6:30 વાગ્યે અશોકભાઈ ભાયાણી ના ડાયરાનું પણ આયોજન કરવા માં આવ્યુ છે. મહોત્સવ ના આજના અંતિમ દિવસે સમસ્ત જનતા માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જેનો અંદાજે 15 થી 20,000 લોકો લાભ લેશે. મંદિર દ્વારા શિવજીને અભિષેક માટે બીલીપત્ર અને ફૂલ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. જન્મદિવસની ઉજવણી દીપ પ્રજ્વલિત કરીને થઈ શકે એ માટે ખાસ ફ્લોટ્સની વ્યવસ્થા પણ મંદિર દ્વારા કરવામાં આવી છે.
મહોત્સવના અંતિમ દિવસે અંદાજે 20 હજાર લોકો મહાપ્રસાદ લેશે: મનોજ મારૂ
એસી વર્ષ જૂના મંદિરના જિલ્લ એસી વર્ષ જૂના મંદિરના ઝરણોધર અને પુન: પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે મનોજ મારો એ જણાવ્યું હતું કે આ મંદિરને બનાવવામાં અંદાજે બે કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે જેના માટે દાતાઓએ ખૂબ જ સહયોગ આપ્યો છે મંદિરની પુન: પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો આજે અંતિમ દિવસ છે આજે અંદાજે 15 થી 20 15 થી 20,000 જેટલા લોકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
વરસાદના અમીછાંટણા સાથે નગરચર્યામાં જલાભિષેક થયો: રક્ષાબેન બોળીયા
આ તકે રક્ષાબેન બોળીયાએ ઇતિહાસ વર્ણવતા કહ્યું હતું કે 80 વર્ષ પહેલા ગોપાલદાસ નામના સાધુને જમીનમાંથી હનુમાન દાદાની મૂર્તિ મળી હતી. જેથી તેમને અહીં હનુમાનજીની ડેરી બનાવી હતી. બાદમાં અહીં મંદિરનું નિર્માણ થયું હતુ. આ મંદિરનું જીર્ણોદ્ધાર કરાતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં ગઈકાલને નગરચરિયામાં વરૂણ દવે વરસીને જલાભિષેક કર્યો અને પરચો આપ્યો હતો.