સોમનાથ મહાદેવના ધ્વજા રોહણ માટે ભાવિકોએ હવે સીડીઓ નહીં ચડવી પડે

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ દ્વારા ઓટોમેટીક સિસ્ટમ અર્પણ કરાય

12 જ્યોર્તિલિંગ પૈકીના પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરના શિખર પર ઓટોમેટિક ધ્વજારોહણ થઈ શકે તે પ્રકારની સિસ્ટમની ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા ભેટ આપવામાં આવી છે. આ ઓટોમેટિક સિસ્ટમ થકી સૌપ્રથમ ધ્વજારોહણ તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને સોમનાથ દાદાના આશીર્વાદ મેળવ્યા હતા. સોમનાથ મંદિરને ધ્વજારોહણ માટે ઓટોમેટિક સિસ્ટમની ભેટ ધરતા હવેથી સીડીનો ઉપયોગ નહીં કરવો પડે અને ભક્તો નીચે ઉભા રહીને જ ધ્વજારોહણના દર્શન કરી શકશે.

ઘણા રાજ્યમાં શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે. આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન અને શિવ ભક્ત એવા નરેશભાઈ પટેલે સોમનાથ મંદિર ટ્રસ્ટને ધ્વજારોહણ માટેની ઓટોમેટિક સિસ્ટમ ભેટ ધરી છે. આજે આ ઓટોમેટિક સિસ્ટમ મારફતે પ્રથમ ધ્વજારોહણ નરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. નરેશભાઈ પટેલે પરિવાર સાથે સોમનાથ દાદાના ચરણોમાં માથું ટેકવીને, ધ્વજાજીની પૂજન વિધિ કર્યા બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું.

મહત્વનું છે કે, સોમનાથ મંદિરે અલગ અલગ ભક્તો દ્વારા દરરોજ ધ્વજારોહણ કરવામાં આવતું હોય છે. અત્યાર સુધી સોમનાથ મંદિરે ધ્વજા ચડાવવા માટે સીડી મારફતે ઉપર જવું પડતું હતું. પરંતુ આ ઓટોમેટિક સિસ્ટમની સેવા શરૂ થવાથી ઉપર જવું નહીં પડે. નીચે ઉભા રહીને જ આ આધુનિક ઓટોમેટિક સિસ્ટમથી ધ્વજારોહણના દર્શન કરી શકાશે. આ ઓટોમેટિક સિસ્ટમ દ્વારા 150 ફૂટની ઉંચાઈ સુધી ધ્વજારોહણ કરી શકાય છે. આ પ્રકારની ઓટોમેટિક સિસ્ટમ ખોડલધામ મંદિર ખાતે પણ કાર્યરત છે.