Abtak Media Google News

સ્મૃતિ સ્થાને સંતો-ભક્તોએ ભજન-પ્રાર્થના કર્યા : આસોજ અને હરિધામમાં સ્મૃતિ મંદિરોનાં નિર્માણનો સંકલ્પ

યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દ્વિમાસિક સ્મૃતિદિનની હરિધામ-સોખડા ખાતે ભક્તિભાવસભર ઉજવણી કરવામાં આવી હતી.  પરમ પૂજ્ય સ્વામીજીના અંત્યેષ્ટિ સંસ્કાર જ્યાં થયા હતા તે સ્થાને  સંતો-ભક્તોએ ભજન-પ્રાર્થના કર્યાં હતાં.

આ પ્રસંગે આશીર્વચન આપતાં પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજી કહ્યું હતું કે, સ્વામીજીએ આપણને સહુને પ્રભુના સંબંધની દ્રષ્ટિથી જોતાં શીખવ્યું. ભક્તોનો અપરંપાર મહિમા સમજાવ્યો. એમના આત્મીયતના સંદેશનું એ હાર્દ છે.  ભગવાન સ્વામિનારાયણની રીતેરીત રાખીને કોઈના ય અભાવ-અવગુણ ન લઈએ એ તેઓની અનુવૃત્તિ રહી છે.  આપણી એકએક ક્રિયા પ્રભુના કોમ્પ્યુટરમાં નોંધાય છે. એ એવું કોમ્પ્યુટર છે જે ક્યારેય ‘હેક’ થતું નથી.  આજે આપણે દ્રઢ સંકલ્પ કરવો છે, કોઈ પ્રત્યે અભાવ-અરૂચિ નથી રાખવાં. આપણે સહુ સ્વામીજીનાં સંતાન છીએ. આપણી જવાબદારી ખૂબ મોટી છે. પ્રત્યેક ભક્તો જીવંત તીર્થો છે.  સ્વામીજીએ અનેકવાર કહ્યું છે તેમ એ તીર્થોનો મહિમા સમજવો છે.

પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામીજીએ આત્મીય સ્મૃતિતીર્થ પર બેનમૂન મંદિર બનાવીને ગુરૂભક્તિનો અર્ઘ્ય અર્પણ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.  આ ઉપરાંત પ્રાગટ્યસ્થાન આસોજમાં પણ ભવ્ય મંદિર બનાવવાનું છે. તેમણે એ ભૌતિક મંદિરની સાથોસાથ સ્વામીજીની અનુવૃત્તિ મુજબ સંપ, સુહ્રદભાવ અને એકતાને આત્મસાત કરીને હ્રદયમાં મંદિર નિર્માણ કરવા ભક્તોને આહ્વાન કર્યું હતું.  આ પ્રસંગે પૂજ્ય પ્રબોધજીવન સ્વામીએ તેમનાં ઉદબોધનમાં કહ્યું હતું કે, આપણાં પ્રાણાધાર પરમ પૂજ્ય સ્વામીજીની સ્મૃતિમાં ભક્તિભીના થવાનો દિવસ છે. પરમ પૂજ્ય સ્વામીજીએ દેશ-વિદેશમાં વિચરણ કરીને અનેક સ્થળોને તીર્થત્વ બક્ષ્યું છે.

સ્વામીજીના યોગમાં આવનારા સહુ તીર્થ સ્વરૂપ છે. આત્મીયતા અને સુહ્રદભાવની જીવનભાવનાને આત્મસાત કરીને આપણી જાતને તીર્થરૂપ બનાવવી છે. એમની વાણીના પ્રભાવથી આત્માને જાગૃત રાખવો છે. તો સ્વામીજીની સ્મૃતિમાં સતત રમમાણ રહી શકીશું.  પૂજ્ય પ્રબોધજીવન સ્વામીએ આસોજ અને હરિધામમાં નિર્માણ પામનાર સ્મૃતિ મંદિરની સેવા મળી તેને જીવનની ધન્યતા ગણાવી હતી. આ સેવામાં સહુને ઉમંગભેર નિમિત્ત બનવા તેમણે અનુરોધ કર્યો હતો.

ભારે વરસાદ હોવા છતાં વિવિધ પ્રદેશોમાંથી હરિધામ દર્શનાર્થે પહોંચેલા ભક્તો ઉપરાંત સંતો અને સાધકોએ આ ભક્તિપૂર્ણ આયોજનમાં ભાગ લીધો હતો.

હરિધામ મંદિરનાં સુકાન બાબતે હરિભક્તોએ ભક્તિસભર લાગણી વ્યક્ત કરી

સંયુક્ત નિવેદનમાં પ્રેમસ્વરૂપ સ્વામી -પ્રબોધ સ્વામીની સ્પષ્ટતા

યોગી ડિવાઇન સોસાયટીના અધિષ્ઠાતા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં અક્ષરધામગમન બાદ ઉત્તરાધિકારી નક્કી કરવા કોઈ જ બેઠકનું આયોજન કરવામાં આવ્યું ન્હોતું.  એ બાબતે સ્પષ્ટતા કરતાં હરિધામ મંદિરેથી પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામી અને પૂ. પ્રબોધજીવન સ્વામીએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે,  તા. 26 સપ્ટેમ્બરે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના અંતર્ધ્યાન થયાનો દ્વિમાસિક સ્મૃતિદિન હોવાથી તેની પૂર્વસંધ્યાએ સ્મૃતિસ્થાને દર્શન-ભજન થઈ શકે તે માટે કેટલાક ભક્તો એક દિવસ અગાઉ હરિધામ પહોંચ્યા હતા.  ઉપસ્થિત ભક્તોમાંથી કેટલાક આગેવાન હરિભક્તોએ હરિધામ પરંપરાના ઉત્તરાધિકારી બાબતે પોતાની લાગણી વ્યક્ત કરી હતી.  જેને વડીલ સંતો-હરિભક્તોની ઉપસ્થિતિમાં સાંભળવામાં આવી હતી.

આ નિવેદનમાં આગળ જણાવાયું છે કે, પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પચાસ વર્ષ પહેલાં યુગકાર્યની શરૂઆત કરી હતી.  તેથી સ્વાભાવિક રીતે જ દેશ-વિદેશમાં બહોળો ભક્ત સમુદાય છે. પરમ પૂજ્ય સ્વામીજીની આજ્ઞાથી સંતો વિવિધ વિસ્તારો-પ્રદેશો-દેશોમાં વિચરણમાં જતા હોવાથી ત્યાંના ભક્તોને તેમના પ્રત્યે વિશિષ્ટ લાગણી હોય શકે છે.

ભક્તો કોઈપણ પ્રસંગે એકત્ર થાય ત્યારે ઉચ્ચ સ્વરે ‘સ્વામિનારાયણ’ મહામંત્રની ધૂન કરીને કાર્યમાં પ્રભુની કૃપા માટે પ્રાર્થના કરે તે સંપ્રદાયની પ્રણાલિકા છે. એ પ્રમાણે તા. 25 સપ્ટેમ્બરે સાંજે પહેલાં ‘સ્વામિનારાયણ’ મહામંત્રની ધૂન કર્યા બાદ કેટલાક ભક્તોએ વડીલો પાસે પોતાની વાત મૂકવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ ભક્તોએ વિવેકપૂર્વક રજૂ કરેલી લાગણી વડીલ સંતોએ શાંતિથી સાંભળી છે. પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજે જીવનપર્યંત આપેલા આત્મીયતા તેમજ સંપ, સુહ્રદભાવ, એકતા અને દાસત્વના ઉપદેશને દ્રષ્ટિમાં રાખીને સંતો દ્વારા સાથે મળીને સેવાકાર્ય થઈ રહ્યાં છે.

પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં દિવ્ય અસ્થિને સ્વામિનારાયણ પરંપરાનાં પ્રાસાદિક સ્થળો ગઢડા, ગોંડલ, ચાણોદ, જુનાગઢ તેમજ હરિદ્વાર-ઋષિકેશ ખાતે વિસર્જિત કરવામાં આવનાર છે. તમામ ભક્તોને આ દિવ્ય પ્રસંગનો સારી રીતે લાભ મળે તે પ્રકારનાં આયોજન માટે વિચારવિમર્શ કરવાના હેતુથી તા.26 સપ્ટેમ્બરે સાંજે કાર્યકર્તાઓની એક બેઠક રાખવામાં આવી હતી.  ભારે વરસાદની આગાહીને કારણે આ બેઠક મુલતવી રાખવામાં આવી હતી. હરિધામના ઉત્તરાધિકારીની વરણીનો કોઈ જ કાર્યક્રમ રાખવામાં આવ્યો ન્હોતો. તેવું આ નિવેદનના અંતમાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.