Abtak Media Google News
  • સમર્પિત આયોગના ચેરમેન અને હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ કે. એસ. ઝવેરી અને તેની ટીમ રાજકોટ કલેક્ટર કચેરીએ બે દિવસ બેઠકો યોજી 11 જિલ્લાઓની અનામત બેઠકો નક્કી કરશે
  • 11 જિલ્લાના અધિક કલેક્ટરો અને આગેવાનો સાથે ક્રમશ: બેઠકો કરી અનામત અંગેનો રિપોર્ટ તૈયાર કરી તેને સરકારને સોંપાશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગોને અનામત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલા સમર્પિત આયોગ આજે રાજકોટના બે દિવસીય પ્રવાસ માટે આવી પહોંચી છે. જેમાં 11 જિલ્લાઓમાં અનામત નક્કી કરવા માટે કલેક્ટર કચેરી ખાતે જાહેર સુનાવણી શરૂ કરાઇ છે.

Img 20220825 Wa0020

આયોગ દ્વારા તમામ રજૂઆતકર્તાઓને વ્યક્તિગત રીતે સાંભળવામાં આવી રહ્યા છે. સમર્પિત આયોગના અધ્યક્ષ અને હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ કે. એસ. ઝવેરી ઉપરાંત આયોગના સભ્યો કે. એસ. પ્રજાપતિ, વી.બી.ઠાકોર અને ઈશ્વરભાઈ પટેલ સુનવણી કરી રહ્યા છે. રજૂઆતકર્તાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગર-મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં અન્ય પછાત વર્ગો માટે બેઠક અનામત રાખવા અંગે પોતાના વિચારો, સૂચનોની લેખિત અને મૌખિક રજૂઆત કરવાના છે.

Img 20220825 Wa0022

રાજકોટ ખાતે જિલ્લા કલેક્ટર કચેરીમાં આજે 1:30 વાગ્યે આયોગના હોદેદારો આવી પહોંચ્યા હતા. જ્યાં 2 વાગ્યે તેઓએ વિવિધ સંસ્થાઓ અને જાહેર જનતાના આગેવાનોની રજૂઆતો સાંભળી હતી.સાથે અમેરલી, મોરબી, ગીરસોમનાથ, જૂનાગઢ, જામનગર અમે ભાવનગર જિલ્લાના અધિકારીઓ અને આગેવાનો સાથે ક્રમશ: બેઠકો યોજી હતી. ત્યારબાદ હવે તેઓ આવતીકાલે શુક્રવારે સવારે 10:30 વાગ્યે કલેકટર કચેરીએ બેઠક યોજવાના છે. જયા વિવિધ સંસ્થાઓ અને જાહેર જનતાના આગેવાનોની આયોગ સમક્ષ રજૂઆત સાંભળશે.

Img 20220825 Wa0021

ત્યારબાદ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ જિલ્લાના અધિકારીઓ અને આગેવાનો સાથે ક્રમશ: બેઠક યોજશે.  બાદમાં રાજકોટ જિલ્લા અને મહાનગરપાલિકાની અનામત સીટો માટે બેઠક કરવામાં આવશે. આ બેઠકો બાદ આયોગ દ્વારા રિપોર્ટ તૈયાર કરીને તેને સરકારને સોંપવામાં આવશે.

આ સુનાવણી દરમિયાન રાજકોટ જિલ્લાના કલેકટર અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધડી અને રાજકોટ જિલ્લા અધિક કલેક્ટર કેતન ઠક્કર તેમજ અન્ય 10 જિલ્લાના અધિક કલેક્ટરો ઉપસ્થિત રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.