Abtak Media Google News

અબતક, નવી દિલ્હી

સીરિઝ રમવા માટે અમદાવાદ પહોંચ્યા બાદ આ ખેલાડીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાનારી ત્રણ મેચની વન-ડે સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. જેમાં શિખર ધવન, શ્રેયસ ઐય્યર અને ઋતુરાજ ગાયકવાડનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સીરિઝ રમવા માટે અમદાવાદ પહોંચ્યા બાદ આ ખેલાડીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત સપોર્ટ સ્ટાફના કેટલાક સભ્યોને પણ કોરોના થયો છે. તો હવે ટિમ ઇન્ડિયાના નવોદિતોને તક મળશે કે કેમ??? તે જોવું રહ્યું.

બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐય્યર અને શિખર ધવનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે, નોન-કોચિંગ એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ સ્ટાફમાં કેટલાક સભ્યોને કોરોના થયો છે. જેમાં બે કે ચાર લોકો હોઈ શકે છે.

આ ત્રણેય સ્ટાર ખેલાડી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અમદાવાદમાં રમાનારી વન-ડે સીરિઝમાં ભારતીય ટીમનો ભાગ છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી સીરિઝનો પ્રારંભ થશે. જોકે, હવે આ ખેલાડીઓ સીરિઝમાં રમશે કે નહીં તેની સામે પ્રશ્નાર્થ મૂકાઈ ગયો છે.

ભારતીય ટીમ માટે આ મોટો ફટકો છે કેમ કે છઠ્ઠી ફેબ્રુઆરીથી અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ વન-ડે રમાશે. હવે તેમાં ત્રણ દિવસ બાકી છે તેવામાં મોટી સંખ્યામાં ખેલાડીઓને કોરોના થયો છે. તેવામાં ભારતીય ટીમને અંતિમ ઈલેવન તૈયાર કરવામાં મુશ્કેલી નડી શકે છે.

ગુજરાત ક્રિકેટ એસોસિયેશને ટ્વિટ કર્યું હતું કે, અમે વેસ્ટ ઈન્ડિઝના ભારત પ્રવાસમાં વન-ડે સીરિઝની યજમાન કરવા માટે સજ્જ છીએ. 6 ફેબ્રુઆરીએ રમાનરી પ્રથમ વન-ડે ઘણી જ ખાસ અને ઐતિહાસિક હશે કેમ કે ભારત તેની 1000મી વન-ડે રમશે. ભારત આ સિદ્ધિ નોંધાવનારી વિશ્વની પ્રથમ ક્રિકેટ ટીમ બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.