ધોલેરા ઔદ્યોગિકની સાથોસાથ એજ્યુકેશનનું વૈશ્વિક હબ બની જશે!!!

ઔદ્યોગિક હબની સાથે શૈક્ષણિક હબ ઉભું કરી ધોલેરા ખાતે વિશ્વ કક્ષાનું શિક્ષણ આપવા રાજ્ય સરકાર તત્પર : વિજયભાઈ રૂપાણી

રાજ્ય સરકારે સોમવારે કેરેસ્ટ્રા મેનેજર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે એમઓયુ(મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) કરી ધોલેરાને ઔદ્યોગિક હબની સાથોસાથ શૈક્ષણિક હબ બનાવવાની તૈયારીઓ પણ શરૂ કરી છે. આ પ્રોજેકટને ગુજરાત – સ્પેશ્યલ એજ્યુકેશન રિજન (જી – એસઇઆર) નામ આપવામાં આવ્યું છે. જી – એસઇઆર પ્રોજેકટ કુલ ૧ હજાર એકર જેટલી મોટી જગ્યામાં વિકસાવાશે. હજુ વધુ ૪ હજાર એકર જમીનનું સંપાદન કરી કુલ ૫ હજાર એકર જગ્યામાં સ્કુલ, કોલેજ, સંશોધન વિભાગ અને ઇનોવેશન વિભાગ વિકસાવશે તેવું હાલના તબક્કે જાણવા મળ્યું છે. આ તમામ પ્રોજેક્ટ્સ માટે કોમન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા અંગે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ, રમત – ગમત સંકુલ સહિતની સવલતોનો સમાવેશ કરવામાં આવનાર છે. આ યોજના થકી વૈશ્વિક એજ્યુકેશન સિસ્ટમને ટક્કર મારે તેવું એજ્યુકેશન હબ બનાવવા તૈયારીઓ શરૂ કરાઈ છે.

રાજ્ય સરકારે આ પ્રોજેકટ માટે કેરેસ્ટ્રા મેનેજર્સ પ્રા. લી. સાથે એમઓયુ પૂર્ણ કરી લીધો છે. કેરેસ્ટ્રા ભારતનું સૌથી મોટી એજ્યુકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી કંપની છે. જેણે રાજ્ય સરકાર સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ કેરેસ્ટ્રા ધોલેરા ખાતે સ્પેશ્યલ એજ્યુકેશન રિજન તૈયાર કરાશે. જેમાં હૈદરાબાદની ઇક્વિટી આધારિત કંપની ભંડોળ પૂરું પાડશે. કેરેસ્ટ્રાએ ધોલેરા ખાતે પ્રોજેકટ અંતર્ગત’ વર્લ્ડ કલાસ’ એજ્યુકેશન હબ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય બાબત છે કે, અગાઉ કેરેસ્ટ્રાએ મુંબઇ, હૈદરાબાદ અને બેંગ્લોર સહિતના શહેરોમાં આ પ્રકારના પ્રોજેકટસ વિકસાવ્યા છે.

આ પ્રકારનો પ્રોજેકટ ધોલેરા ખાતે શા માટે તૈયાર કરાશે તે અંગે ચોક્કસ સવાલ ઉદભવે છે. જેની પાછળ જવાબદાર કારણોની સમીક્ષા કરવામાં આવે તો સૌ પ્રથમ તો એજ્યુકેશન હબ માટે જરૂરી મોટી જમીનની ઉપલબ્ધતા ધોલેરા ખાતે સરળ છે. ઉપરાંત ધોલેરા ખાતેથી પરિવહન પણ સરળ રહેશે. પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ – ધોલેરા એક્સપ્રેસવે તૈયાર કરી કનેક્ટિવિટી આપવામાં આવશે. ધોલેરા ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટ તૈયાર કરાશે તેમજ ભીમનાથ – ધોલેરા રેલવે લાઇન પણ જોડી દેવામાં આવશે જેથી પરિવહન ખૂબ સરળ બની જશે. તમામ પ્રકારની સવલતો ઉભી કરી આવતીકાલનું આધુનિક શહેર ધોલેરા ખાતે વિકસાવવામાં આવશે.

આ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે, ધોલેરા રાજ્યનું પ્રથમ આધુનિક ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક શહેર તરીકે વિકસિત થશે જ્યાં તમામ પ્રકારના ઔદ્યોગિક એકમોનો સમાવેશ કરાશે. ઔદ્યોગિક હબ સાથે એજ્યુકેશન હબ ઉભું કરી ગુજરાતને શિક્ષિત અર્થતંત્ર બનાવવામાં પ્રોત્સાહન મળશે.

ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સીટી ડેવલોપમેન્ટ લિમિટેડના ચેરમેન એમ કે દાસે આ અંગે કહ્યું છે કે, વિકાસના શિખરો સર કરવા ગુજરાતે ભૂતકાળમાં અનેક નવતર પ્રયોગ કર્યા છે જેના ભાગરૂપે વધુ એક આયોજન કરવામાં આવ્યું છે. ધોલેરા ખાતેનો એસીઆર પ્રોજેકટ ગુજરાતમાં વૈશ્વિક કક્ષાનું શિક્ષણ લાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપશે. વિદ્યાર્થીઓએ હવે વૈશ્વિક કક્ષાના શિક્ષણ માટે ક્યાંય જવાની જરૂર નહીં રહે ઘર આંગણે જ તેમને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તેવું આયોજન કરાઈ રહ્યું છે.