ધોરાજી: સરકારી હોસ્પિટલમાં આંખ અને દાંત વિભાગ કાર્યરત કરવા 50 લાખથી વધુનું અનુદાન

આંખ વિભાગમાં મોતિયા, જામર, વેલ, નાસુર તેમજ ચક્ષુદાન સહિતની કામગીરી કરાશે

અબતક, ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી

ધોરાજીની સરકારી હોસ્પિટલની કામગીરીને બિરદાવીને સાત સમંદર પાર અને આજુબાજુના વિસ્તારના લોકો માટે આશિર્વાદ સમાન હોસ્પિટલમાં નવા બે વિભાગ આંખ અને દાંત વિભાગ ચાલુ કરવા માટે સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ-ઉપલેટા દ્વારા આધુનિક સાધનો આપશે. જેની કિંમત આશરે 50 લાખથી વધારે થાય છે. માનવ સેવા એજ પ્રભુ સેવાને સાર્થક કરતા ઉપલેટાના સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે મળેલ રોગી કલ્યાણ સમિતિમાં સંસ્થાના ટ્રસ્ટી રમેશભાઇ પાનેરા દ્વારા રોગી કલ્યાણ સમિતિમાં જ જણાવેલ કે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં આધુનિક આંખ વિભાગ ચાલુ કરવા અંગે ફેકો મશીન સહિત આધુનિક સાધનો અને વધારામાં દાંત વિભાગ ચાલુ કરવા માટે પણ આધુનિક સાધનો આપશે અને થોડા સમયમાં જ ધોરાજી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને સૌરાષ્ટ્રમાં સૌથી આધુનિક આંખ વિભાગ ધોરાજી સરકારી હોસ્પિટલમાં ચાલુ કરાશે. જેમાં મોતિયો, જામર, વેલ, નાસુર, પરવાડા તેમજ ચક્ષુદાન સહિતની કામગીરી કરાશે.

આ તકે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ટ્રસ્ટી રમેશભાઇ પાનેરાનું ધારાસભ્ય લલીતભાઇ વસોયા, ડે.કલેક્ટર જે.એન.લીખીયા, ડો.જયેશ વેસેટીયન દ્વારા ભવ્ય સન્માન કરાયું હતું. આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ સરકારી હોસ્પિટલમાં 50 લાખથી વધારેનો અનુદાન આપતા તમામ ટ્રસ્ટી અને સંસ્થાનો આભાર માનેલ હતો.