ધોરાજી: ભૂંડની જગ્યાએ વાહન ચોરવા લાગ્યા સીકલીકર

ધોરાજી-ઉપલેટામાંથી બે ઇકો કાર ચોરી બે સાગ્રીતની મદદથી જૂનાગઢમાં બે મકાનમાંથી ચોર્યાની કબૂલાત: રૂા.5.40 લાખનો મુદ્ામાલ કબ્જે

ધોરાજીના ફરેણી રોડ પર મામાદેવના મંદિર પાસે ચોરાઉ બાઇક સાથે ઝડપાયેલા સીકલીકર ગેંગના અન્ય સાગ્રીતોની મદદથી ધોરાજી-ઉપલેટામાંથી બે ઇકો કાર ચોરી અને ચોરાઉ કાર લઇ જૂનાગઢમાં બે સ્થળે ચોરી કર્યાની કબૂલાત આપતા નાશી છૂટેલા બે શખ્સોની શોધખોળ હાથધરી છે.

વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં વધતી જતી ચોરીના બનાવોને અટકાવવા અને વણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવવા એસ.પી.જયપાલસિંહ રાઠૌરે આપેલી સૂચનાને પગલે ધોરાજી પોલીસ મથકના પી.આઇ.એ.બી.ગોહિલ સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથધર્યું હતું.

મુળ વડોદરાનો અને હાલ ભાયાવદર ગામે રહેતો ગોવિંદસિંગ અમરસિંગ ભાટીયા નામના શખ્સ શંકાસ્પદ હાલતમાં ધોરાજી અને જૂનાગઢમાં સીસીટીવી કેમેરામાં શંકાસ્પદ હાલતમાં અને ધોરાજીના ફરેણી રોડ મામાદેવ મંદિર પાસે હોવાની મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ. આર.કે.ગોહિલ સહિતના સ્ટાફે દરોડો પાડી ગોવિંદ ભાટીયાની અટકાયત કરી બાઇક નંબર પોકેટ એપમાં સર્ચ કરતા ચોરાઉ હોવાનું ખૂલતા ભરૂચથી ચોરી કરી હતી.

ઝડપાયેલા શખ્સની આકરી પૂછપરછ કરતા એક સપ્તાહ પૂર્વ ધોરાજી અને જૂનાગઢમાંથી ઇકો કાર ચોરી કરી વડોદરા ગુરૂસિંગ અને જોગીન્દરસિંગ સહિત બન્ને સાગ્રીતોની મદદથી જૂનાગઢના મધુરમ સોસાયટી અને દોલતપરામાં ઘરફોડી કર્યાની કબૂલાત આપતા પોલીસ બે કાર અને બાઇક મળી રૂ.5.40 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો છે. ગુરૂસિંગ અને જોગીન્દરસિંગની શોધખોળ હાથધરી છે. પોલીસ ઇન્સ.એ.બી.ગોહીલ, પો.સબ ઇન્સ.આર.કે.ગોહીલ, એ.એસ.આઇ.એચ.બી.ગરેજા, હેડ કોન્સ.ક્રિપાલસિંહ જાડેજા તથા કોન્સ.રવિરાજસિંહ વાળા, રવીરાજસિંહ જાડેજા અને સુરપાલસિંહ જાડેજા, ઇશીતભાઇ, શક્તિસિંહ જાડેજા અને પો.કોન્સ.નીકુંજભાઇ સુતરીયા સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી.