Abtak Media Google News

 

હરીપર પાસે અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા કાળનો કોળિયો બન્યા

અબતક,રાજકોટ

ધાંગધ્રા રાજકોટ ગામે રહેતા પિતરાઇ ભાઇઓ ગઈકાલે તેના ભાણેજ નો જન્મદિવસ મનાવી ને અમદાવાદ હાઈવે પર રાજગઢ પરત ફરી રહ્યા હતા ત્યારે તેના બાઇકને કોઇ અજાણ્યા અડફેટે લેતા અકસ્માતમાં બંને પિતરાઈ ભાઈના મોત નિપજયા હતા.બનાવની જાણ પરિવારને થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.

બનાવની મળતી વિગતો મુજબ રાજગઢ ગામે રહેતા રબારી પરિવારના વિજયભાઈ ખટાણા અને વિષ્ણુભાઈ ખટાણા નામના પિતરાઈ ભાઈઓ ધ્રાંગધ્રા રહેતા બહેનના ઘરે ભણેજનો બર્થડે મનાવવા માટે રાજગઢ ગામેથી રવિવારે સાંજના બાઇક લઈને ગયા હતા. જન્મ દિવસ મનાવી આનંદ કિલોલ કરી રાતના નવ વાગ્યાની આસપાસ રાજગઢ જવા માટે બાઇક લઈને નીકળ્યા હતા. પરંતુ હરીપર પાસે કોઈ અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં બંને પિતરાઈ ભાઈ રોડ પર પટકાઇ પડ્યા અને માથાના ભાગે બંને યુવાનોને ગંભીર ઈજા સાથે ઘાયલ થયા હતા. ત્યારે ત્યાંથી પસાર થતાં વાહનચાલકો દ્વારા 108 અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને ઈજાગ્રસ્ત બંને પિતરાઈ ભાઈ વિજયભાઈ ખટાણા અને વિષ્ણુભાઈ ખટાણાને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના ડોક્ટર દ્વારા વિજયભાઈ અને વિષ્ણુભાઈને મૃત જાહેર કરવામાં આવતા શોકનો માહોલ છવાઈ ગયો હતો. બનાવની જાણ પોલીસને થતા તેમને અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.