ધ્રોલ: વાંકિયા ગામે ટ્રકમાંથી ગાંજાના બાચકા મળ્યા; 36 કિલો જથ્થા સાથે 4 ઝડપાયા

જામનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ચોક્કસ બાતમીના આધારે ધ્રોલના વાંકિયા પાસેથી ગાંજાના જથ્થા સાથે 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી પોલીસે 36 કિલો 900 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. એસઓજી પોલીસે રાજકોટ હાઇવે પર ઓપરેશન પાર પાડ્યું હતું જેમાં વાંકિયા ગામના પાટીયા પાસેથી પસાર થતા એક ટ્રક અને એક ઇકો કારને આંતરી લઇ તલાસી લેવામાં આવી હતી. જેમાં ચાર શખ્સોના કબ્જામાંથી 36 કિલો 900 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે રૂપિયા 3.69 લાખનો જથ્થો કબજે અને ટ્રક અને અલ્ટો કાર કબજે કરી જેમાં કિંમત 23.80 લાખ સાથે ચારેય ઈસમોને ઝડપી પાડ્યા હતા.જોડિયા તાલુકાના દલનાવાસ વિસ્તારમાં રહેતો અનિરૂધ્ધસિંહ ઉમેદસિંહ જાડેજા નામનો ટ્રક માલિક અને મચ્છનગર વિસ્તારમાં રહેતો જેમ્સ જેકબ ક્રિસ્ચન નામનો કલીનર બહારના રાજયમાંથી પોતાના ટ્રકમાં પ્લાયવુડના જથ્થાની આડમાં ગાંજાનો વિશાળ જથ્થો લઇ ધ્રોલ નજીક આવી પહોંચ્યા હોવાની એસઓજી પોલીસને હક્કિત મળી હતી.

આ હક્કિતને લઇને પોલીસે અન્ય સરકારી પંચોને સાથે રાખી ગઇકાલે સાંજે ધ્રોલ તાલુકાના વાંકિયા ગામે રોડ પર આવેલ શેખ સુલેમાન પીરની દરગાહની નજીક વોચ ગોઠવી હતી.ગઈકાલે સાંજે સાડા છ વાગ્યાના સુમારે એક સફેદ કલરની કાર અને ટ્રક આ સ્થળ પર આવી પહોંચ્યા હતા. જેમાંથી અલ્ટો કારમાંથી ઉતરેલા બે શખ્સો અને ટ્રકમાંથી ઉતરેલા બે મળી ચારેય શખ્સોએ વાર્તાલાપ કર્યો હતો. આરોપી પૈકીના એક શખ્સે ટ્રકની કેબીનમાંથી સફેદ કલરની પ્લાસ્ટીકના બાચકાને કાઢી કારમાં આવેલા શખ્સોને આપ્યું હતું.

આવા સમયે એસઓજી પોલીસે રેડ કરી હતી. જેમાં અનિરૂધ્ધસિંહ, કલીનર જેમ્સ તેમજ કારમાં આવેલા શાહરૂખ ઉર્ફે ભુરો સફીભાઇ હાસમાણી રહે.ધ્રોલ રજીવી સોસાયટી અને જાવીદ કાસમભાઇ જામ રહે.ગાયત્રી નગર ધ્રોલવાળા શખ્સોને કોર્ડન કરી લેવામાં આવ્યા હતા. પોલીસે કારની તલાશી લેતા અંદરથી સુપરનું બાચકુ મળી આવ્યું હતું. જયારે ટ્રકની તલાશી લેતા પ્લાયવુડના જથ્થા નીચેથી અન્ય એક બાચકુ મળી આવ્યું હતું. પંચોની હાજરીમાં પોલીસે મુદામાલનો વજન કરતા બન્ને બાચકાનો જથ્થો 27 કિલો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે કુલ 36 કિલો 900 ગ્રામનો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસે રૂા.3,69,000નો ગાંજાનો જથ્થો કબ્જે કરી તેમજ કાર અને ટ્રક સહિત કુલ રૂા.23.87 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોલીસના ઇતિહાસમાં ગાંજાના જથ્થાને લઇને આ મોટી રેઇડ કહી શકાય. પરપ્રાંતથી જામનગર સુધી ફેલાયેલુ આ નેટવર્ક કેટલા સમયથી ચાલી રહ્યુ છે? આ પ્રકરણમાં પકડાયેલા શખ્સો મ્હોરા છે કે અન્ય કોઇ મોટા માથા સંડોવાયેલા છે? કેટલા સમયથી આ ને ટવર્ક ચાલતુ હતું? જામનગર જિલ્લાના કેટલા શખ્સો આ નેટવર્ક સાથે જોડાયેલા છે તેમજ જોગવડ ગામના અજય જાડેજા તથા જામનગરના નવાબ નામના શખ્સ સુધી પહોંચવા પોલીસે પકડાયેલા ચારેય શખ્સોને કોર્ટ સમક્ષ રજૂ કરી રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

ઓરીસ્સાના રેન્ડાકોલ ગામેથી જથ્થો લોડ કરાયો

જોગવડના અજયસિંહ અને ધ્રોલના શાહરૂખે ટ્રક માલીક અને કલીનરને આપેલ આદેશ મુજબ બન્ને ટ્રક લઇ ઓરીસ્સા પહોંચ્યા હતાં. જ્યાં બન્ને શખ્સોએ આપેલ નંબર પર કોલ કરી ગાંજાની ડીલેવરીની વાત કરી હતી. ઓરીસ્સાના શખ્સે વાતચીત કરી ટ્રક ચાલક અને કલીનરને રેન્ડાકોલ ગામે બોલાવ્યા હતાં. જ્યાં તે શખ્સે ગાંજાની ડીલેવરી આપી હતી.