Abtak Media Google News

24X 7 ઇમરજન્સી સેવા માટે કોઠારીયા અને મુંજકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરાશે

કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ ચાર આરોગ્ય કેન્દ્રોમાં ડાયાલીસીસ યુનિટ શરૂ કરવામાં આવશે. જ્યારે 16 સ્લમ વિસ્તારોમાં આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરનું નિર્માણ કરવામાં આવશે. શહેરીજનોને 24 કલાક ઇમર્જન્સી અને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઇ શકે તે માટે કોઠારીયા અને મુંજકા વિસ્તારમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે.

કિડની હોસ્પિટલ અમદાવાદના ટેકનીકલ સહયોગથી કોર્પોરેશન દ્વારા નારાયણનગર, કોઠારીયા, નાનામોવા અને શ્યામનગર યુપીએચસી ખાતે ડાયાલીસીસ યુનિટ શરૂ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ચાર આરોગ્ય કેન્દ્રોમાં ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવા માટે બજેટમાં 80 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ પહોંચે તે માટે ગ્રામ્ય સબ સેન્ટર ખાતે હેલ્થ વેલનેશ સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે.

અત્યાર સુધી ભારત સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં આવા વેલનેશ સેન્ટર શરૂ કરવાની કોઇ મંજૂરી આપવામાં આવી આવતી ન હતી. હવે સરકારે મંજૂરી આપવાનું નક્કી કર્યું છે. જેને ધ્યાનમાં રાખી મહાપાલિકા દ્વારા શહેરના સ્લમ વિસ્તારો જેવા કે માધાપર, રૈયાગામ, શિવપરા, નાનામવા, પરમેશ્ર્વર પાર્ક, નવલનગર, કુબલીયાપરા, નવાગામ, પુનિતનગર, કોઠારીયા સોલવન્ટ, આનંદ નગર, લાલપાર્ક, જય પ્રકાશનગર, કબીરધામ સોસાયટી અને લક્ષ્મીનગર વિસ્તારમાં હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર શરૂ કરવામાં આવશે.

લોકોને 24 કલાક ઇમર્જન્સી સેવા મળી રહે તે માટે કોઠારીયા અને મુંજકા ખાતે સીએચસી બનાવવા માટે જગ્યા ઉપલબ્ધ કરાવી નવા બાંધકામ સાથે આરોગ્ય કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવશે. જેના માટે બજેટમાં 2.23 કરોડની ફાળવણી કરવામાં આવી છે. માધાપર, વોર્ડ નં.5માં પેડક રોડ પર સેટેલાઇટ ચોક અને રેલનગરમાં અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવશે. જ્યારે વોર્ડ નં.4, 5 અને 17ના હયાત આરોગ્ય કેન્દ્રોને તોડી નવા આરોગ્ય કેન્દ્રોનું બાંધકામ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.