શું ભણતરનો ભાર વધ્યો ?? અહીં ધોરણ ૧૦ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

જસદણમાં અમરાપરની શૈક્ષણિક સંસ્થાની હોસ્ટેલમાં તરુણ છાત્રાનો આપઘાત: રાત્રે જમીને સગીર વિદ્યાર્થીનીએ હોસ્ટેલના ઝાડ સાથે દોરી બાંધી આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું

જસદણ તાલુકાના અમરાપર ગામે આવેલી શૈક્ષણિક સંસ્થાની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી વિછીંયાના  છાસીયા ગામની સગીર વિદ્યાર્થીનીએ હોસ્ટેલના બાંથરુમ પાસે ઝાડ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું પોલીસમાં નોંધાયું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિછીંયા તાલુકાના છાસીયા ગામની વતની અને છેલ્લા બે વર્ષની અમરાપર ગામે આવેલી શેક્ષણિક સંસ્થામાં રહી ધોરણ દસમાં અભ્યાસ કરતી કાજલબેન મુકેશભાઇ જોગરાજીયા નામની 15 વર્ષની કોળી તરુણીએ હોસ્ટેલમાં ઝાડ સાથે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું વિછીંયા પોલીસમાં નોંધાયું છે.

ત્રણ ભાઇ અને એક ભાઇમાં વચ્ચેટ કાજલ જોગરાજીયા ગઇકાલે હોસ્ટેલમાં રીડીંગ ટાઇમ બાદ તમામ વિદ્યાર્થીનીઓ સુવા માટે પોતાના રુમમાં જતી રહી હતી ત્યાર બાદ સાડા નવ વાગે હોસ્ટેલના ગૃહ માતા તમામ રુમની તપાસ કરવા ગયા ત્યારે કાજલ જોગરાજીયા તેના રુમાં જોવા મળી ન હોવાથી હોસ્ટેલનો તમામ સ્ટાફ દ્વારા કાજલ જોગરાજીયાની શોધખોળ કરતા હતા તે દરમિયાન હોસ્ટેલના બાથરુમ પાસે કપડા સુકવવાની દોરીને ઝાડની ડાળી સાથે બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા તેણીને વિછીયા હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. કાજલ જોગરાજીયાએ શા માટે આપઘાત કર્યો તે અંગે હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ માલકીયા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે