Abtak Media Google News

બેંકો તો હશે પણ તેમાં કાગળના રૂપિયાના વ્યવહારો નહી હોય !!

અગાઉ માનવી વીનીમય પ્રથા થકી પોતાની જરૂરિયાતો સંતોષતો પણ હવે ટેકનોલોજીએ માનવીની જરૂરિયાત જ બદલી નાખી છે

વીનીમય પ્રથાથી માંડી ડીજીટલ કરન્સી સુધીના સમયગાળાના ધરખમ ફેરફારોમાં ટેકનોલોજીની મોટી ભૂમિકા

પહેલાનો જમાનો અને અત્યારનો જમાનો કેટલો અલગ થઈ ગયો છે… થઈ જ જાય ને..!! સમય થોડી કાયમ એક રહે છે. અગાઉ ચીજ વસ્તુઓની ખરીદી કરી પોતાની જરૂરિયાતો સંતોષવી કેટલી અઘરી હતી એ તો એ વખતના માણસને જ ખબર હશે..!! અને હાલ, આજના સમયમાં તો બેન્કિંગ હોય કે અન્ય સેવા તેને મેળવવી ટમેટા, બટેટાની ખરીદી જેટલી સરળ બની ગઈ છે. આજના 21મી સદીના આધુનિક યુગમાં બેન્કિંગ, પોસ્ટ, ફૂડ કે અન્ય કોઈ પણ સુવિધા સરળતાથી ઘેરબેઠાં મળતી થઈ છે. રૂપિયાના સિક્કા કે કાગળની નોટોનું સ્થાન હવે ઓનલાઈન ચુકવણાંએ લેતા મોટાભાગના લોકો વિભિન્ન એપ્લિકેશ સહિતના માધ્યમથી ડિજિટલ પેમેન્ટ કરતા થયા છે. અને હજુ પણ આગામી સમયમાં અવનવી ટેકનોલોજી વિકસતા બેંકો, પોસ્ટ ઓફિસ કે અન્ય કોઈપણ ક્ષેત્ર આધુનિકતાથી સજ્જ થઈ ઉઠશે.

આગામી સમયમાં એવું પણ જોવા મળશે કે બેંકો જ “રૂપિયા” વગરની થઈ જશે..!! એટલે કે બેંકો તો હશે પરંતુ તેમાં કાગળના રૂપિયાના વ્યવહારો નહિ હોય. પ્રાચીન સમયમાં લોકો ચીજ-વસ્તુની ખરીદી કે વેચાણ લેવડ-દેવડ મારફત જ કરતા એટલે કે વિનિમય પ્રથા અમલમાં હતી. કોઈ વ્યક્તિને અનાજ, કઠોળ જોઈતું હોય તો ખેડૂત પાસે જવું પડતું અને પોતે માલધારી હોય તો તેના બદલામાં ખેડૂતને પોતાના ગાય, ઘેટાં-બકરાં નક્કી કરેલ મૂલ્યમાં આપી દેતો. પણ આ મૂલ્ય નક્કી કેમ કરવું..? આ એક મોટો પ્રશ્ન હતો.

સમય જતાં અવનવી તકનિકીઓ આવી અને રૂપિયો અસ્તિત્વમાં આવ્યો. ત્યારબાદ બેંકિંગ સેવા અસ્તિત્વમાં આવતા પ્લાસ્ટિક કરન્સી એટલે કે હાલ આપણે જે ક્રેડિટ, ડેબિટ કે એટીએમ કાર્ડ વાપરીએ છીએ તે ચલણમાં આવ્યા. અને હવે પછીના જમાનામાં આર્ટિફિશયલ/ વર્ચ્યુઅલ કરન્સી સર્વેસર્વા બનશે.   હાલ જેમ વિનિમય પ્રથા લુપ્ત બની છે તેમ આગામી સમયમાં કાગળની નોટોના રૂપિયા અને પ્લાસ્ટિક કરન્સી પણ લુપ્ત બની જાય તો નવાઈ નહીં..!!

ક્રિપ્ટોના હેકર્સે ‘દયા ભાવ’ રાખ્યો: રૂ.5 હજાર કરોડની ઉઠાંતરીમાંથી અડધો અડધ પરત કર્યા

હાલ, ક્રિપ્ટોકરન્સીનો ક્રેઝ વધ્યો છે. ફિઝિકલની જગ્યાએ ડિજિટલ કરન્સી તરફ મોટાભાગના દેશો વળ્યાં છે. જેમાંથી ભારત પણ બાકાત નથી.  ના ના કરતે પ્યાર તુમ્હી સે કર બેઠે… ફિલ્મી ગીતની જેમ ભારતે પણ ના ના કરતા ડિજિટલ કરન્સી તરફનો રૂખ અપનાવી લીધો છે. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ આ અંગે મહત્વનું નિવેદન આપ્યું હતું અને આરબીઆઇ પોતાની ડિજિટલ કરન્સી અમલમાં મૂકશે તેવા સંકેતો આપ્યા હતા.

આજના ડિજીટલાઈઝેશનના યુગમાં આ જરૂરી પણ છે તો સામે તેની નકારાત્મક અસરો પણ છે. ડિજિટલ સેવાઓનો વ્યાપ વિસ્તાર વધ્યો તો છે પણ આ સાથે તેની સામે સાયબર સુરક્ષાનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. હેકિંગના બનાવ વધ્યા છે. જો બેંકો રૂપિયા વગરની થઈ જાય એટલે કે બેન્કિંગ સુવિધા સંપૂર્ણપણે ડિજિટલી જ બની જાય તો એ સારું તો છે જ પણ આ સાથે ડિજિટલ નાણાં ચોરાવાના કે હેકિંગનો ખતરો પણ સામે એટલો જ છે. જો કે હાલ નિષ્ણાંતો આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ તેમજ બ્લોકચેઈન ટેકનોલોજી મારફત સાયબર સુરક્ષા વધુને વધુ મજબૂત બનાવવા તરફ કામ કરી રહ્યા છે. આમ, આગામી સમયમાં બેંકો જાણે સમાપ્ત થઈ જાય તેમ ટોટલી ડિજિટલ બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.