Abtak Media Google News
રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતા સુરતની દિકરી અન્વી ઝાંઝરૂકીયા અને કરૂણા અભિયાનના સેવારત કર્મયોગીઓનું સન્માન કર્યું: ગીર સોમનાથ જિલ્લાના વિકાસ કાર્યો માટે રૂ.5 કરોડની ભેટ આપતા મુખ્યમંત્રી

અબતક-અતુલ કોટેચા,વેરાવળ

73મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-પ્રભાસ પાટણના સદભાવના ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું હતું. આન, બાન અને શાન સાથે તિરંગાને સલામી આપી ગીર સોમનાથથી સમગ્ર રાજ્યના પ્રજાજનોને 73માં પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી. મુખ્યમંત્રીએ તિરંગો લહેરાવ્યો ત્યારે રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે વાયુદળના હેલીકોપ્ટરમાંથી સમારોહના સ્થળે આકાશમાંથી પુષ્પ વર્ષા કરવામાં હતી.

કોવીડ-19ની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને કોવીડ પ્રોટોકોલ સાથે યોજાયેલ આ રાષ્ટ્રીય પર્વ પ્રસંગે મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં રાજયની વિવિધ પ્લાટુનનું નિરીક્ષણ કરી લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. ખુલ્લી જીપમાં નિરીક્ષણ વેળાએ મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ પંકજકુમાર અને પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા પણ જોડાયા હતા. પરેડનુ નેતૃત્વ આઇ.પી.એસ. અને મદદનીશ પોલીસ અધીક્ષક અભિષેક ગુપ્તાએ કર્યુ હતુ. તેમજ સેક્ધડ પરેડ કમાન્ડર તરીકે મદદનીશ પોલીસ કમિશનર સાગર સાબડા રહ્યા હતા.

 

પરેડમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પ્લાટુનમાં પ્રથમ ક્રમે ગુજરાત જેલ પોલીસ પ્લાટુન, દ્વિતીય ક્ર્મે ગુજરાત મરીન કમાન્ડો પ્લાટુન અને ત્રીજા ક્રમે જૂનાગઢ મહિલા પોલીસ પ્લાટુન અને પેરા મીલીટ્રી કેટેગરીમાં રેપીડ એક્શન ફોર્સના પ્લાટુન કમાન્ડરને ટ્રોફી એનાયત કરી સન્માન કર્યુ હતું.

આ પ્રસંગે રાષ્ટ્રીય બાળ પુરષ્કાર-2022 વિજેતા અને શારીરિક અક્ષમતા છતા યોગાસનમાં મહારત હાંસલ કરનાર ગુજરાતની દિકરી સુશ્રી અન્વી ઝાંઝરૂકીયાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે કરૂણા અભિયાન અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વેટરનરી ડો.પાર્થકુમાર મહેતા, પ્રકૃતિ નેચર ક્લબના યોગેશભાઇ ચુડાસમા, આગાખાન એજન્સી ફોર હેબીટાટ, ચિત્રાવડના અરવિંદભાઇ ભગવાનભાઇ મેર, વોલન્ટીયર સુરેશભાઇ બચુભાઇ બાખલખીયા અને નિતિનભાઇ હરેશભાઇ રામનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે બહુમાન કરવામાં આવ્યુ હતું. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કોરાના વોરિયર-ફ્રન્ટ લાઇન કાર્યકર્તાઓને કોરોના વેક્સિનનો પ્રિકોસન ડોઝ આપવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીના હસ્તે ગીર સોમનાથના કલેક્ટર રાજદેવસિંહ ગોહિલને નગરપાલિકા વિસ્તારના વિકાસ માટે રૂ.2.50 કરોડનો અને જિલ્લાના ગ્રામિણ વિસ્તારના વિકાસ માટે ડી.ડી.ઓ. રવિન્દ્ર ખતાલેને રૂ. 2.50 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના સમારોહમાં જુદા-જુદા સુરક્ષા દળોની 18 જેટલી પ્લાટુન્સ દ્વારા શિસ્તબદ્ધ રીતે પરેડ કરવામાં આવી હતી. આ પ્લાટુન્સમાં કોસ્ટ ગાર્ડ, આર.એ.એફ. વસ્ત્રાલ, મરીન કમાન્ડો જામનગર, જૂનાગઢ મહિલા પોલીસ પ્લાટુન, રાજકોટ શહેર પોલીસ મહિલા પ્લાટુન, ગીર સોમનાથ જિલ્લા પોલીસ, ગુજરાત જેલ પોલીસ, પોરબંદર જિલ્લા પોલીસ, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ, ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટુન, જિલ્લા હોમગાર્ડ પ્લાટુન, જિલ્લા સાગર રક્ષક દળ પ્લાટુન, વિદ્યાર્થીઓની એન.એસ.એસ. પ્લાટુન, ગુજરાત શ્વાન દળ, ગુજરાત અશ્વ દળ અને એસ.આર.પી. પાઈપ બેન્ડ પ્લાટુન્સ કદમ-તાલ સાથે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. મુખ્યમંત્રી ધ્વજવંદન કાર્યક્રમ પૂર્વે સોમનાથ મહાદેવ મંદીર પરીસરમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. બહારના રાજ્યોના દર્શનાર્થીઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. કાર્યક્રમ બાદ સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાની મુલાકાત લઇ વૃક્ષારોપણ કર્યું હતુ તેમજ ચંદનવનની પણ મુલાકાત લીધી હતી.આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ એ.કે.રાકેશ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ રામીબેન વાઝા, ધારાસભ્ય પુંજાભાઇ વંશ, વિમલભાઇ ચુડાસમા, પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા, જે.ડી.સોલંકી, નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, એસ.પી. રાહુલ ત્રિપાઠી સહિતના સમાજ શ્રેષ્ઠીઓ, મહાનુભાવો જોડાયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.