Abtak Media Google News

મુખ્યમંત્રીના હસ્તે માતાપિતા વિહોણા, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા જરૂરિયાતમંદ 1000 વિદ્યાર્થીઓ માટે ‘વિદ્યાર્થી દત્તક યોજના’નો શુભારંભ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મહાનુભાવોએ દીકરી પૂજન કર્યું

છેલ્લા એક દાયકાથી પિતાવિહોણી દીકરીઓને ભવ્ય લગ્ન સમારોહ યોજીને વિદાઈ આપવા માટે જાણીતા સમાજસેવી એવા પી.પી.સવાણી પરીવારના આંગણે  ે રાજ્યના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના આગેવાનોના હસ્તે ક્ધયાદાન કરીને 150 દીકરીને સાસરે વળાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 150 નવદંપતિઓને સુખમય દામ્પત્યજીવનના આશીર્વચન પાઠવ્યા હતા. પિતાની હૂંફ સાથે હિંદુ, મુસ્લિમ, ઈસાઈ ધર્મ સહિત સર્વ જ્ઞાતિઓની પિતાવિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

મુખ્યમંત્રી  સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીગણની ઉપસ્થિતિમાં એક લાખથી વધુ લોકોએ સ્વૈચ્છિક અંગદાનનો સંકલ્પ લઈને અનોખો વિક્રમ નોંધાવી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે મુખ્યમંત્રી ના હસ્તે માતાપિતા વિહોણા, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા જરૂરિયાતમંદ 1000 વિદ્યાર્થીઓ માટે ‘વિદ્યાર્થી દત્તક યોજના’નો પ્રારંભ થયો હતો. જેમાં સીએફઈ-કોટા સાથે મળીને અનાથ, દિવ્યાંગ કે આર્થિક રીતે નબળા પરિવારના 1000 બાળકોને દત્તક લઈને એમને મેડિકલ, એન્જિનીયરીંગ, સીએના ઉચ્ચઅભ્યાસ માટેની પ્રવેશપરીક્ષાની તૈયારી કરાવાશે. આ તકે બહોળી સંખ્યામાં મહાનુભાવો શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી દિકરીઓનેઆર્શિવચન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પિતાની છત્રછાયા વિનાની હજારો દીકરીઓના લગ્નથી લઈને આજીવન જવાબદારી નિભાવવી એ સમાજ સેવાનું વિરલ ઉદાહરણ છે. ’ક્ધયાદાન મહાદાન’ના સૂત્રને સાર્થક કરીને અન્ય લોકો માટે, શ્રેષ્ઠીઓ માટે દાખલારૂપ બનેલા સવાણી પરિવાર આયોજિત આ લગ્નોત્સવ સદ્દભાવ, સમભાવ અને મમભાવનું પ્રેરણા કેન્દ્ર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની વર્ષ 2012થી સામૂહિક લગ્નોત્સવ બાદ હવે આ વર્ષે પણ સપ્તાહમાં જાનવી લેબગ્રોન ગ્રુપના રમેશભાઈ લખાણી પરિવારના સહયોગથી તેઓ ‘દીકરી જગત જનની’ યોજી રહ્યા છે, જેનો સહર્ષ ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ સવાણી અને લખાણી પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. તેમની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરતા જણાવ્યું કે, જાતે કમાઈને જાતે ખાવું એ પ્રકૃતિ છે, પણ જાતે કમાઈને અન્યને ખવડાવવું એ સંસ્કૃતિ છે. જેની પ્રતીતિ સવાણી અને લખાણી પરિવારે કરાવી છે. આઝાદીના અમૃત કાળના અવસરે દામ્પત્યજીવનનો પ્રારંભ કરી રહેલી દીકરીઓ સાસરે સુખ, સમૃદ્ધિ, એકતા સંપ અને કાર્યદક્ષતાના અમૃત કાળનું સર્જન કરે એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી

સુરત : પીપી સવાણી ગ્રુપ અને જાનવી લેબગ્રો ગ્રુપ આયોજિત દીકરી જગત જનની  ભવ્ય લગ્નોત્સવમાં શનિવારે 150 દીકરીઓના લગ્ન બાદ રવિવારે પણ 150 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. આ સાથે કુલ 300 યુગલની લગ્નવિધિ સંપન્ન થઇ હતી. આજે નવ દંપતીને આશીર્વાદ આપવા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, ડો. મહેન્દ્ર મુંજપરા  સહિતના રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ, સમાજ અગ્રણીઓ, સંતો ઉપસ્થિત રહ્યા હતા. આજે સવાણી પરિવારના બે દીકરા મોનાર્ક અને સ્નેહ સવાણી પણ દીકરી જગત જનનીના આંગણે માંડવા રોપાયા હતા.

પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે રવિવારની સાંજે ફરી એકવાર શનિવારની માફક જ ઢોલ ઢબુક્યા અને લાઈવ સંગીત સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સૂરીલો માહોલ સર્જાયો હતો. આજે વધુ 150 દીકરીઓ નવજીવનની કેડી કંડારવા નીકળી હતી. ઉપરાંત સવાણી પરિવારના બે દીકરા સ્નેહ રાજુભાઈ સવાણી અને મોનાર્ક રમેશભાઈ સવાણી પણ આ જ માંડવે લગ્નગ્રંથિથી જોડાયા હતા.

તમામ નવદંપતીને આશીર્વાદ આપવા માટે પધારેલા કેન્દ્રના મત્સ્ય અને પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ મંચ પરથી આશીર્વચન આપતા ડાયરાને રામ રામ કરીને જણાવ્યુ હતુ કે, “સવાણી પરિવારને આંગણે આ અતિ વિશિષ્ટ સમૂહલગ્નનું આયોજન છે. આ સમૂહ લગ્ન સુરતની ઓળખ અને પરંપરા બની ગયા છે. મહેશ ભાઈના આ ભગીરથ કાર્યને ભોળાનાથ ક્યારેય અટકવા નહિ દે એવી હું પ્રાર્થના કરૂ છુ. અને ભારત સરકાર વતી હું મહેશભાઈએ આ સુંદર સેવાકાર્ય બદલ અભિનંદન પાઠવું છું.” સમૂહલગ્નમાં અંગદાનની પ્રવૃત્તિને બિરદાવતા મંત્રીએ કહ્યુ કે, સમૂહલગ્ન સાથે અંગદાનની આ પ્રવૃત્તિ દેશને નવી દિશા આપશે. લોકોએ મહેશ ભાઇને એમની દરેક સેવાકીય પ્રવૃત્તિ માટે ખુબ સમર્થન આપ્યુ છે. ઘરના છોકરાઓને પણ સમૂહ લગ્નમાં જોડવા એ ખુબ અઘરૂ અને ક્રાંતિકારી કામ છે જે મહેશભાઈ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે મહેશ ભાઇએ નાની ઉંમરમાં આ પ્રવૃત્તિ ઊભી કરી અને વિકસાવી એની પાછળ વલ્લભભાઈ સવાણીનો સહયોગ છે. વલ્લભભાઈનો સરળ પોષાક, સરળ સ્વભાવ એમને માર્ગદર્શન આપે છે.

કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્ર મુંજપરાએ જણાવ્યુ હતુ કે સર્વ ધર્મ અને સમાજની દીકરીઓના સમૂહ લગ્નનો અવસર નોંધનીય છે. એમણે દીકરીઓને સલાહ આપતા કહ્યું કે, સાસુ સસરાને જ તમારા માતા પિતા માનજો. ઉલ્લેખનીય છે કે આ વર્ષેનો સમગ્ર લગ્ન સમારોહ પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી પર્વને  સાદર અર્પણ કરાયો છે. બે દિવસ ચાલેલા ભવ્ય લગ્ન સમારોહ દીકરી જગત જનનીમા સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી મહેમાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે બીજા દિવસે પૂજ્ય નૌતમ સ્વામી, પૂજ્ય ગુરુપ્રસાદ સ્વામી, પૂજ્ય પીપી સ્વામી, સ્વરાજ આશ્રમના નિરંજના બા, પૂર્વ કુલપતિ ડો. દક્ષેશ ઠાકર,જેવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.